15 જુલાઈના ‘ગુજરાતમિત્ર’ દૈનિકના ચર્ચાપત્ર વિભાગમાં શ્રી સંજયભાઈ સોલંકીએ સંપૂર્ણ સમયોચિત અને યથાયોગ્ય ખાડાપુરાણ વર્ણવ્યું છે. ચંદ્ર પણ રાજી થતો હશે કે મારી ધરતી કરતાં ભારતની ધરા વધુ ખાડાયુક્ત છે! જેમને આ ખાડાનો અનુભવ થયો હશે એમણે કમરના મણકાનો વિચાર અવશ્ય કર્યો હશે! જ્યારે રોડ બનતા હોય ત્યારે વપરાયેલ મટીરીયલની ગુણવત્તાની ચકાસણી નહીં થતી હશે? કોઈ માપદંડ જ ન હશે? પ્રજાને કેટલી હાલાકી ભોગવવી પડે છે. ક્યાંક વરસાદ સમયે ગટરનાં ઢાંકણાં ન હોય તો નાનું બાળક એમાં કદાચિત ગરક થઈ શકે. ખાડા થકી વાહનના ટાયરને પણ નુકસાન અવશ્ય પહોંચી શકે. આવા રસ્તા બનાવનાર ઈજારદારને ખાડા ન બતાવી શકાય? કે પછી મીલીભગત દ્વારા બધું લોલમલોલ! દર વરસાદે આ પરિસ્થિતિ ઊભી થાય જ છે. ભોળી પ્રજા શિયાળા-ઉનાળા દરમિયાન બધું ભૂલી જાય ને ચોમાસામાં પછી હેરાન થાય અને આક્રોશ ઠાલવે. વિદેશમાં વારંવાર વરસાદ આવી જાય પણ આવા ખાડા કે રોડ દૃશ્યમાન નથી થતા. પૂર આવે એ કુદરતી પ્રકોપ કહેવાય એ વિશ્વના કોઈ પણ દેશમાં કુદરતી હોનારતમાં ગણી શકાય. પણ રસ્તાના ખાડા તો માનવસર્જીત જ કહેવાય.
રાંદેર રોડ, સુરત – નેહા શાહ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
ખૂબ જ સુંદર શિખામણ
શરીર પાસે શ્રમ કરાવો, તો ઊંઘ ઠીક થાય. ઊંઘ ઠીક કરો તો મૂડ ઠીક થાય. મૂડ ઠીક કરો તો, ડાયેટ ઠીક થાય. ડાયેટ ઠીક થાય તો, ઊર્જા ઠીક થાય. ઊર્જા ઠીક થાય તો, કામ ઠીક થાય . કામ ઠીક થાય તો, બધું જ ઠીક થાય. બધું જ ઠીક થાય તો,જીવન ઠીક થાય જ. જીવનમાં ઉતારવા જેવી આ ખૂબ જ સુંદર શિખામણ છે.
નાનપુરા, સુરત – સુરેન્દ્ર દલાલ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.