વડોદરા: શહેરના રાજવી ટાવરથી તાંદલજા ગામને જોડતા મુખ્ય માર્ગ ઉપર ડ્રેનેજ લાઈનની કામગીરી અંતર્ગત ઠેરઠેર ખાડા ખોદવામાં આવ્યા હતા. જે બાદ યોગ્ય પુરાણ નહીં થતા સમગ્ર માર્ગ ખાડાઓમાં ફેરવાઈ ગયો છે. વરસાદી પાણી ભરાતા માર્ગ પર પડેલા ખાડા નજરે નહીં પડતા અકસ્માતની ઘટના બને તે પહેલાં સ્થાનિકો દ્વારા ખાડાઓને કોર્ડન કરવાની ફરજ પડી છે.જ્યારે પસાર થતા વાહનચાલકો, રાહદારીઓમાં અકસ્માત સર્જાવાનો ભય ફેલાયો છે. વડોદરામાં વરસાદી માહોલ સર્જાયો છે. ત્યારે દરવર્ષની જેમ આ વર્ષે પણ પાલિકા તંત્રની પ્રિમોન્સૂનની કામગીરી સામે અનેક સવાલો ઉઠ્યા છે.
આ અંગે તાંદલજા વિસ્તારના સ્થાનિક અગ્રણી અસફાક મલકે જણાવ્યું હતું કે તાંદલજા ગામ અને રાજવી ટાવરને જોડતા મુખ્ય માર્ગ પર એસઓજી પોલીસ મથકની બાજુમાં રોડ પર ખોદકામ કરી હાલમાં ડ્રેનેજ લાઈનની કામગીરી કરવામાં આવી હતી.પરંતુ એ ડ્રેનેજની કામગીરી કર્યા બાદ જે પુરાણ કરીને વ્યવસ્થિત રોડને સમાંતર કરવો જોઈએ તે પ્રકારે કરવામાં આવ્યો નથી.જેના કારણે વરસાદી પાણી ભરાયું છે.ઠેરઠેર માર્ગ પર ખાડા પડી ગયા છે.સમગ્ર રોડ ખાડાઓમાં ફેરવાઈ ગયો છે.વાહનો પણ પસાર થઈ શકતા નથી.વાહનો આવતા ખાડામાં ફસાઈ જઈ રહી છે.રાહદારીઓને પણ ખૂબ જ તકલીફ વેઠવી પડી રહી છે.આ બાબતે રજુઆત કરી છે છતાં પણ કોઈ યોગ્ય કામગીરી જે પ્રકારે થવી જોઈએ તે થઈ નથી.કામના જે ધારાધોરણો છે.તે મુજબ કામ થવું જોઈએ એવી કોઈ કામગીરી થઈ નથી.રજુઆત સાંભળવામાં આવી નથી. આગામી દિવસોમાં જો કામગીરી નહીં કરવામાં આવે તો મ્યુનિ. કમિશ્નર કચેરીનો ઘેરાવો કરવામાં આવશે.હાલ આ રોડ ઉપર સંખ્યાબંધ ખાડા નિર્માણ પામ્યા છે. રોડની બંને તરફ ખોદકામ કરવામાં આવ્યું છે.
પહેલા જ વરસાદમાં શહેરમાં કેટલાક સ્થળે રોડ તૂટી ગયા,વાહનોને નુકસાન
શહેરમાં ચોમાસાની શરૂઆત થઇ છે ત્યારે પાલિકા તંત્રની પોલ ખુલી રહી છે પ્રિમોન્સુન કામગીરી તદ્દન નિષ્ફળ ગઈ જ્યારે શહેરમાં આવેલા અલગ અલગ વિસ્તારોમાં રોડની હાલત બિસ્માર થઈ ગઈ છે કોન્ટ્રાક્ટરો કરોડો રૂપિયાનો કોન્ટ્રાક્ટ લઈને અને અધિકારીઓ નેતાઓ ભાગ બટાઈને કારણે રોડની બરાબર કામગીરી કરવામાં આવતી નથી. ગુજરાત મિત્ર અગાઉ પણ કહ્યું હતું કે પહેલા વરસાદમાં નાગરિકોને 100 કરોડનો નુકસાન થાય છે. અગાઉના કમિશનર જે બંગલાથી કામગીરી કરતા હતા એન ભૂલ જો આ જ કમિશનર કરશે અને ઓફિસની બહાર નહીં નિકળે તો નાગરિકો ને હાલાકી પડશે.
શહેરમાં હજુ ચોમાસાની શરૂઆત થઇ નથી ગત રોજ માત્ર 35 મિનિટના વરસાદમાં તંત્રની પોલ ખૂલી ગઈ હતી શહેરમાં ઠેર-ઠેર પાણી ભરાઇ ગયા હતા અને રાજમાર્ગોપર ઉબડખાબડ રોડો થઈ ગયા હતા અને મસમોટા ખાડા માં વરસાદી પાણી ભરાઇ ગયા હતા જેના કારણે વાહનચાલકોને ખૂબ મુશ્કેલીઓ પડી હતી અને વાહનચાલકોને વાહનને નુકસાન થવાનો બનાવો બન્યા છે. દર વર્ષે મહાનગરપાલિકા દ્વારા રોડનો કરોડ રૂપિયા નો કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે પરંતુ પહેલા જ વરસાદમાં રોડો ધોવાઈ જાય છે અને નાગરિકોના પૈસા પણ પાણીમાં પડી જાય છે.
અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોને છૂટો દોર મળી ગયો
ગત વર્ષે શહેરમાં પુરની પરિસ્થિતિ સર્જાઈ અને રોડ બિસ્માર થઇ ગયા હતા ત્યારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ વડોદરા આવ્યા હતા અને રોડની કામગીરી માટે ૨૨ કરોડ ફાળવ્યા હતા પરંતુ ભાગ બટાઈના કારણે કોન્ટ્રાક્ટરોને છૂટો દોર મળી ગયો અને માત્ર પેચ વર્ક કરી સંતાેષ માન્યો હતો.