Dakshin Gujarat Main

પીપોદરા જીઆઈડીસીમાં વેક્સિન મૂકવા માટે પરપ્રાંતીય કામદારો પાસે સો રૂપિયાનું ઉઘરાણું

આમ જનતાને મફતમાં સરળતાથી વેક્સિંગ મળી રહે એ માટે સરકાર કમર કસી રહી છે. ત્યારે પીપોદરા જીઆઇડીસીમાં ફેક્ટરીમાં કામ કરતાં કામદારોને વેક્સિન મૂકવા બદલ રૂપિયા 100નું ઉઘરાણું કરાયાનો વિડીયો વાયરલ થતાં ભારે હોબાળો મચી ગયો હતો. પીપોદરા જીઆઇડીસીમાં આવેલા એક મંદિરની પાછળ ખાનગી કંપની આવેલી છે. જે કંપનીમાં વેક્સિન મૂકવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.

જે કાર્યક્રમમાં વેક્સિનનો લાભ લેવા આવેલા પરપ્રાંતીય કામદારો પાસેથી રૂ.100 વસૂલાત કરાતી હોવાની જાણ કામરેજ તાલુકા પંચાયતના વિપક્ષના નેતા જગદીશ કથીરિયાને થતાં તેઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા. અને ઘટના સ્થળે હાજર કામદારોને પૂછતાં વેક્સિન મૂકવા બદલ રૂપિયા 100ની વસૂલાત કર્યાની હકીકત જાણવા મળી હતી.

જે બાબતનો જગદીશ કથીરિયા તેમજ આપના કાર્યકરોએ ઉગ્ર વિરોધ કરવાની શરૂઆત કરતાં જ વેક્સિન મૂકવા આવેલા કર્મચારીઓ સમય પારખી જઇ ગાડીમાં બેસી રવાના થઇ ગયા હતા. પીપોદરા જીઆઇડીસીમાં વેક્સિંગ મૂકવાનો કાર્યક્રમ ગોઠવી પરપ્રાંતિય પર શ્રમજીવીઓને પાસેથી રૂપિયા વસૂલ કરનાર ખરેખર આરોગ્ય કેન્દ્રના કર્મચારી છે કે કેમ એ બાબતે તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે, પીપોદરા જીઆઇડીસી હદ વિસ્તારમાં આવતા માંગરોળ તાલુકા હેલ્થ સેન્ટર વિસ્તારના કર્મચારીઓ નહીં હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારે શું ખરેખર આ બોગસ માણસો હતા, એ બાબતે પણ તપાસ થવી અત્યંત જરૂરી છે. સમગ્ર ઘટના અંગે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાનો તખ્તો ગોઠવાઇ રહ્યો છે.

જિલ્લા આરોગ્ય અધિકારીને આવેદનપત્ર પાઠવાયું
હથોડા: આ બાબતે આમ આદમી પાર્ટીના જગદીશ કથીરિયા સહિત કેટલાક જાગૃત નાગરિકોએ બુધવારે જિલ્લા આરોગ્ય અધિકારી ચૌધરીને એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. અને કસૂરવારો સામે પૂરતાં પગલાં ભરવાની માંગ કરવામાં આવી હતી. જ્યારે આ બાબતે સુરત કલેક્ટરને પણ જાગૃત નાગરિકો દ્વારા રજૂઆત કરી કસૂરવારો સામે પગલાં ભરવાની માંગ કરવામાં આવશે.

Most Popular

To Top