સુરત જિલ્લાની હદમાંથી પસાર થતા નેશનલ હાઈવે નં.૪૮ના પીપોદરા ઓવરબ્રિજ ઉપર એક ટેમ્પો ચાલકે હાઇવે પરથી પસાર થતી કોઈ અજાણી કારને સો ફૂટ દૂર સુધી ઘસડી જતો વિડીયો અત્રેના વિસ્તારમાં વાયરલ થતાં ભારે ચકચાર મચી જવા પામી છે. જો કે, આ બનાવ અંગે પોલીસ દફ્તરે કોઈ નોંધ થઈ નથી. વાયરલ થયેલા વિડિયોમાં એક ટેમ્પોચાલક ટેમ્પોની આગળ ચાલતી એક અજાણી કારને ટેમ્પો સાથે ઘસડી જતો હોવાનું સ્પષ્ટપણે દેખાઈ આવે છે.
જો અકસ્માત સર્જાયો હોય તો ટેમ્પોના ચાલકે અચાનક બ્રેક મારીને ટેમ્પોને ઊભો કરી દીધો હોત. પરંતુ આ કોઈ વિચિત્ર પ્રકારનો બનાવ બન્યો હોવાનું અથવા જાણીજોઈને ગંભીર અકસ્માત સર્જીને હત્યામાં ખપાવવાનો પ્રયાસ કર્યો હશે, જેવી ચર્ચા વિસ્તારની જનતામાં ચર્ચાવા પામી હતી. જો કે, આ વિડીયો વાયરલ થતાં નજીકમાં આવેલા પાલોદ તેમજ કોસંબા પોલીસ સ્ટેશને બનાવ અંગે ફરિયાદ કે નોંધ પણ થવા પામી નહીં હોવાનું જાણવા મળ્યું હતું.
કીમ ચાર રસ્તા પીપોદરા સહિત માંગરોળ તાલુકાની જનતામાં વાયરલ થયેલા વિડિયો બાબતે એવી પણ ચર્ચા સાંભળવા મળી હતી કે, પાલોદ કે કોસંબા પોલીસ વાયરલ થયેલા વિડિયો બાબતે યોગ્ય તપાસ કરે તો રહસ્યમય જેવા બનેલા બનાવ ઉપરથી પરદો ઊંચકાય તેમ છે.