ગઈ તા. 12 જૂનના રોજ એર ઇન્ડિયાના ક્રેશ અંગેના તાજેતરના અહેવાલો બાદ ફેડરેશન ઓફ ઇન્ડિયન પાઇલોટ્સ (FIP) એ ધ વોલ સ્ટ્રીટ જર્નલ અને રોઇટર્સ સામે કાનૂની કાર્યવાહી શરૂ કરી છે, જેમાં પાઇલટની ભૂલ અથવા કોકપીટમાં મૂંઝવણને અકસ્માતનું સંભવિત કારણ ગણાવવામાં આવ્યું હતું.
ફેડરેશનનો આરોપ છે કે આ મીડિયા અહેવાલોમાં, કોઈપણ નક્કર પુરાવા વિના અકસ્માતનું કારણ ‘પાયલોટની ભૂલ’ ગણાવવામાં આવ્યું છે, જે સંપૂર્ણપણે ખોટું અને ગેરમાર્ગે દોરનારું છે.
FIP એ શું કહ્યું?
FIP દ્વારા મોકલવામાં આવેલી કાનૂની નોટિસમાં આ મીડિયા સંગઠનો પાસેથી ઔપચારિક માફી માંગવામાં આવી છે અને તેમના રિપોર્ટિંગને ‘પસંદગીયુક્ત અને અપ્રમાણિત’ ગણાવવામાં આવ્યું છે. FIPના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આવી રિપોર્ટિંગ ‘બેજવાબદાર’ છે. ખાસ કરીને જ્યારે તપાસ હજુ પણ ચાલુ હોય.
‘આ અહેવાલોએ પાઇલટ સમુદાયનું મનોબળ નબળું પાડ્યું છે’
કાનૂની નોટિસમાં કહેવામાં આવ્યું છે કે, “અમે રેકોર્ડ પર મૂકવા માંગીએ છીએ કે આવી સટ્ટાકીય સામગ્રીનું પ્રકાશન અત્યંત બેજવાબદાર છે અને તેનાથી મૃતક પાઇલટ્સની પ્રતિષ્ઠાને ગંભીર અને ભરપાઈ ન થઈ શકે તેવું નુકસાન થયું છે, જેઓ હવે પોતાનો બચાવ કરી શકતા નથી. રોઇટર્સે શોકગ્રસ્ત પરિવારોને બિનજરૂરી દુઃખ પણ પહોંચાડ્યું છે અને પાઇલટ સમુદાયનું મનોબળ ઓછું કર્યું છે, જે ભારે દબાણ અને જાહેર જવાબદારી હેઠળ કામ કરે છે.
આ ભય ફેલાવવાનો સમય નથી
FIP એ જણાવ્યું હતું કે અકસ્માતે વ્યાપક ધ્યાન ખેંચ્યું હોવા છતાં આ સમય ભારતીય ઉડ્ડયન ઉદ્યોગની સલામતી વિશે ચિંતા કે ભય ફેલાવવાનો નથી, ખાસ કરીને કોઈ તથ્યપૂર્ણ પુષ્ટિ વિના. તેણે મીડિયાને સત્તાવાર તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી અટકળો કરવાનું ટાળવા વિનંતી કરી.
AAIB રિપોર્ટ શું કહે છે?
AAIB (એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો) દ્વારા બહાર પાડવામાં આવેલા પ્રારંભિક અહેવાલ મુજબ ક્રેશ થયેલા વિમાનના એન્જિનનો ફ્યુઅલ કંટ્રોલ સ્વીચ ક્રેશ પહેલા ‘રન’ થી ‘કટઓફ’ તરફ ગયો હતો, જેના કારણે બંને એન્જિનને ફ્યુઅલ સપ્લાય બંધ થઈ ગયો હતો. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે આ સ્વીચ અંગે બંને પાઇલટ્સ વચ્ચે વાતચીત થઈ હતી.