સુરત મહાનગર પાલિકાએ જબરી મુસીબત ઊભી કરી છે.લગભગ આખા સુરત શહેરમાંથી કચરાપેટીઓ ઊંચકી લીધી છે.કારણકે સ્વચ્છતામાં પહેલો નંબર આવે એમ છે. આ પહેલા નંબરની રામાયણમાં સુરતની ૭૫ લાખની વસ્તી હેરાન પરેશાન થઈ ગઇ છે.કચરાપેટીઓ ભરાઈ જતી હોય તો સીધી વાત છે.કચરાપેટીની સાઈઝ મોટી કરી દો.દિવસમાં બે ત્રણ વખત કચરાપેટીઓ ઉંચકવાનું રાખો.માત્ર દિવસમાં સવારે એક વખત કચરાપેટીઓ ખાલી કરો તો આવી જ હાલત જ થશે. સફાઈ કામદાર બહેનો ભાઈઓ બપોર પછી ક્યાંય દેખાતાં નથી.એમની ઉપર ધ્યાન રાખવા એક સુપર વાઈઝરની નિમણૂક થવી જોઈએ.
સુરતનાં લાખો પરિવારો અને ડોર ટુ ડોર કચરાની ગાડી વચ્ચે સમય કોઈ દિવસ પણ સેટ થવાનો નથી કેમ કે લાખો પરિવારોનો જમવાનો સમય કે કચરો ફેંકવાનો સમય એક થવાનો નથી. કોઈ કાળે એ શક્ય જ નથી.તમે કચરાપેટી ઊંચકી લીધી તો લોકો ચારે બાજુ દરેક ચાર રસ્તા પર કચરો નાંખે છે. ડિવાઈડરમાં કચરો નાંખે છે. ધીમે ધીમે આખા શહેરમાં કચરો દેખાઈ રહ્યો છે. સૂકો કચરો, ભીનો કચરો અલગ અલગ પણ લેવાતો નથી. જુની સાવરણીઓ, માટલાંઓ, જૂનાં વાસણો, પ્લાસ્ટિકની નાની મોટી બરણીઓ, ફૂલહારના ઢગલા, જુની ભગવાનની ફોટોફ્રેમ ઇલેક્ટ્રિક અને ઇલેક્ટ્રોનિકની વસ્તુઓ, જૂના મોબાઈલ, દવાના ખાલી બાટલાઓ સહિત હજારો ટન કચરો ક્યાં નાખવો? નાની સ્માર્ટ પેટીઓ મૂકવાનો કોઈ મતલબ નથી.
એક જ ઘરના કચરામાં કચરાપેટી ભરાઈ જાય છે. આવી નાની કચરાપેટી પાછળ લાખો રૂપિયા બરબાદ કરવાનો કોઈ મતલબ નથી.લોકોનો જમવાનો, સાફ સફાઈ કરવાનો સમય અલગ અલગ પોતાનો કચરો ક્યાં નાંખે એ એક મોટો સવાલ છે. કચરાપેટી મૂળ જગ્યા પર જ મૂકો, કચરાપેટીની સાઈઝ મોટી કરો.દિવસમાં એક સમયને બદલે સવાર, બપોર, સાંજ એમ ત્રણ સમય કચરાપેટીઓ ઊંચકીને કચરાપેટીની આજુબાજુ દવા છાંટી સફાઈ કરો, સફાઈ કામદારો પાસે વરસો જુની તૂટેલી ફૂટેલી કચરાગાડીઓ છે એને ભંગારમા આપી દો, નવી મજાની મોટી કચરાપેટીઓ ખરીદો. તમામ સફાઈ કામદારોને નવી મોટી સાવરણીઓ, કરાટાઓ, બુટારાઓ નવા આપો. મોટી કચરાપેટી મૂકો. ત્રણ ટાઈમ સમયસર કચરાપેટીઓ ઊંચકો.આ સમસ્યા દૂર કરવાની તાત્કાલિક જરૂર છે.
સુરત- અબ્બાસભાઈ કૌકાવાલા- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
પ્રામાણિક હોવું એ સામાજિક ગુનો છે
જો સ્વમાનભેર જીવવું હોય તો ભ્રષ્ટાચારની ગંગોત્રીમાં ડૂબકી મારવા સિવાય કોઇ છુટકો નથી. સરકારી, અર્ધસરકારી કે ખાનગી કચેરીમાં જેની ગુળથુથીમાં પ્રામાણિકતાનો વારસો મળ્યો છે તેઓને આપણો સમાજ જીવવા દેતો નથી. જો માનસિક, આર્થિક રીતે સ્વતંત્રતાનો ભોગવટો સમાજ અને રાજકારણીઓને પણ માન્ય નથી. તેઓના ઇજાફો અટકાવવામાં આવે છે. વેદિયો અને બોચિયો કહેવામાં આવે છે. પોતાના ખંડિત આત્માને મજબુરીથી નિભાવવી પડે છે. જો જીવવું હોય તો.
અડાજણ – અનિલ શાહ – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.