એક ઘરની બાલ્કનીમાં કબૂતરીએ બે ઈંડાં મૂક્યાં. ઈંડાં મૂક્યા બાદ કબૂતરી ઈંડાંને છોડીને એક સેકન્ડ માટે પણ ઊડતી નહીં. દાદા તેને ઉડાડવાની કોશિશ કરતાં તો પણ ન ઊડતી. આજુબાજુથી ઊડીને કાગડા આવતાં તો પણ તે ડરતી નહિ. સામનો કરતી અને ઈંડાંને સાચવતી અને સેવતી. કબૂતરીએ સતત ઈંડાં સેવ્યાં અને થોડા દિવસોમાં ઈંડાંમાંથી બચ્ચાં બહાર આવ્યાં. પીળાં પીળાં નાનકડાં, નાજુક. દાદી તો બચ્ચાં જોઇને ખુશ ખુશ થઈ ગયાં અને બધાંને તે બચ્ચાં દેખાડતાં. આ નાનકડાં બચ્ચાં ધીરે ધીરે મોટાં થવા લાગ્યાં. કબૂતરી તેમને સુરક્ષિત મૂકી કોઈ વસ્તુની આડાશમાં છુપાવી અને તેમના માટે ખાવાનું શોધવા જતી અને આવીને તેમને ચાંચમાં ભરેલું ખાવાનું ચાંચથી ખવડાવતી, બહુ જ ધ્યાન રાખતી, પોતાનાં બચ્ચાંઓને પોતાની પાંખમાં સાચવતી.
કબૂતરી ખાવાનું શોધવા જતી ત્યારે સાથી કબૂતર આવીને બચાવવાનું ધ્યાન રાખતો. ધીરે ધીરે બચ્ચાંઓ મોટાં થયાં અને ધીમે ધીમે કૂદકા મારવાનું, ચાલવાનું અને ઊડવાનું શીખવા લાગ્યાં. બચ્ચાંનાં શરીરમાં પીંછાં ભરાયાં અને કબૂતરી તેમને ઊડતાં શીખવવા લાગી. પોતે ઊડે અને બચ્ચાંને ચાંચ મારી મારીને ઊડવાનું કહે. બચ્ચાં હવે ઊડવાનું પણ શીખી ગયાં અને બસ થોડા દિવસોમાં કબૂતરી પોતાના રસ્તે…. બચ્ચાંઓને ઊડવાનું શીખવી તેમને પણ જીવન આકાશમાં ઊડતાં મૂકી અને આગળ ચાલી ગઈ. હવે તે આવતી નહિ અને બચ્ચાંઓ પણ થોડા દિવસમાં ઊડી ગયાં. દાદી થોડાં દુઃખી થઈ ગયાં.
દાદાએ દાદીને કહ્યું, ‘‘આ જોયું? આપણે કબૂતર કબૂતરી થવાની જરૂર હતી.’’ દાદી બોલ્યાં, ‘કેમ?’ દાદાએ કહ્યું, ‘‘આ કબૂતર કબૂતરીએ થોડા દિવસો બાળકો પર ખૂબ મમતા રાખી, પાંખોમાં સાચવ્યાં, ઊડતાં શીખવ્યું પણ પછી તેમને જીવન આકાશમાં ઊડવા માટે છોડી દીધાં અને પોતે પોતાના રસ્તે આગળ વધી ગયાં. આપણે અત્યારે જીવનના છેલ્લા શ્વાસ સુધી આપણાં બાળકો, એનાં બાળકો અને એનાં બાળકો સુધી પુત્ર-પુત્રી-પૌત્ર-પૌત્રીઓ પ્રપોત્ર -પ્રપૌત્રીઓની ચિંતામાં જ ડૂબેલાં છીએ.
સાચે આ કબૂતર અને કબૂતરી બન્યાં હોત ને તો સારું હતું. બાળકોને જન્મ આપ્યો, જાળવ્યાં, ભણાવ્યાં, ગણાવ્યાં અને પછી તેમને તેમના જીવનમાં આગળ વધવા માટે એકલાં છોડી દેવાની જરૂર હતી. આપણે માણસો બુદ્ધિશાળી ગણાઈએ પણ અહીં જ ભૂલ કરીએ છીએ. મમતા છૂટતી નથી. મોહ છૂટતો નથી અને મોહ અને મમતાને કારણે અપેક્ષાઓ નિર્માણ થાય છે. એમાંથી મનદુઃખ થાય છે, ઝઘડા થાય છે.
જો તેઓ આપણને જાળવે નહીં, આપણી પર ધ્યાન ન આપે તો આપણે દુઃખી થઈએ છીએ. તેઓ જીવનમાં દુઃખી થાય, સફળ ન થાય તો આપણને દુઃખ પહોંચે છે. આ બધું જ દુઃખ ન થાત. જો આપણે કબૂતર ને કબૂતરીની જેમ બાળકોને મોટાં થતાં જ છોડી દીધાં હોત. મોહ અને લાગણીવશ રહીએ તો પછી જીવનમાં દુઃખ થાય એના કરતાં કબૂતર અને કબૂતરીની જેમ જો બધું છોડીને ઊડી જઈએ તો જીવનમાં વધુ સુખી થઈએ.’ દાદાએ મનની વાત દાદીને કહી.- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.