એક લાઈફમાં જો 2 – 2 લાઈફ માણવી હોય તો સ્ત્રીનો અવતાર લેવો જોઈએ. એક પિયરની બિન્દાસ, અલ્લડ, ટોમ બોય અને લાડકોડવાળી, ખળ ખળ વહેતી નદી જેવી, જન્મથી લગભગ મેરેજ થાય ત્યાં સુધીની ભણતર, ગણતર અને ઘડતરવાળી સંસ્કારી કુમારી લાઈફ છે. બીજી સસુરાલની ઠરેલ, જવાબદારી, સેવામય અને સામાજિક બંધનવાળી સરોવર જેવી બાકીના જીવનની મેરીડ લાઈફ છે. એક સ્ત્રી શક્તિ જ આવા બેક ટુ બેક ડિફરન્ટ ડબલ રોલ અદભુત રીતે કરી શકે છે. દરેક છોકરી પિયરમાં મોટાભાગે ફક્ત પાપાની પરી તરીકે પેમ્પર થતી હોય છે, તે પાણી માગે તો જ્યુસ અને સ્કુટી માગે તો ‘મેટીઝ’ જેવી ક્યુટ હેચબેક કાર મળે છે. તે મમ્મીની પણ લાડકી ખરી, તેથી જ તો 10મા – 12માના અભ્યાસના પ્રાઈમ ટાઈમમાં રસોઈ કે ઘરની સંભાળ શીખવવાને બદલે તેને ભણવા દેવામાં આવે છે. જો કે મમ્મીને એક ચિંતા કાયમ થતી હોય છે કે અહીં પિયરમાં તો વાંધો નથી પણ પારકે ઘરે એટલે સાસરે જશે ત્યારે શું કરશે?
આજના જમાનાની ઘણી મિડલ ક્લાસ છોકરીઓએ તેમના શૈશવકાળથી જ ઘરમાં કચરા – પોતા માટે રમેશને, રસોઈ માટે નારણભાઈ મહારાજને, કપડા ધોવા વોશિંગ મશીનને, વાસણ સફાઈ માટે ધુળજીને જ જોયા હોય છે. તેનો પ્રાઈમ ટાઈમ તો ઢીંગલી રમવામાં, ભણવામાં અને પછી કરીઅર અને જોબ કરવામાં જાય છે. ભણવાનું પતે અને 20 વરસની થાય તે પછી પપ્પામમ્મી તેના માટે સારું ઘર અને સારો, સંસ્કારી અને સર્વિસવાળો વર શોધવાનું ચાલુ કરે છે. તેમની પાસે 4 જ ઓપ્શન હોય છે. પહેલું ઓપ્શન અરેન્જ મેરેજ એટલે કે તેમની પસંદગીનો નાતનો છોકરો, બીજું ઓપ્શન એટલે બેબીનું સેલ્ફ અરેન્જ કે લવ મેરેજ જે સ્કૂલ – કોલેજ સહપાઠી, પાડોશનો પરીન્દો કે જોબ કલીગ જાનુ કે બોસ બાબુ મોશાય પણ હોઈ શકે છે.
ત્રીજું ઓપ્શન ઓફ લાઈન એકચ્યુઅલ મેરેજ બ્યુરો, ઓન લાઈન વર્ચ્યુઅલ સાથી.કોમ જેવી વેબસાઈટ અથવા ન્યૂઝ પેપરની મેરેજ એડ કોલમ પણ હોઈ શકે છે. આ ઓપ્શન કાર્ડસની તીનપત્તીની રમતમાં રમાતા ‘બ્લાઈન્ડ’ જેવું હોય છે. સારું નસીબ હોય તો 3 એક્કા પણ આવે અને કમનસીબ હોય તો દુરી તીરી અને પંજો પણ આવી શકે છે. આમેય કોઈ પણ જાહેરાતમાં જે બતાવવામાં આવે તેના કરતાં છુપાવવામાં વધારે આવે છે. ચોથા ઓપ્શન તરીકે પોતાની બેસ્ટ બહેનપણીનો મોટો ભાઈ અથવા પોતાના સગા મોટાભાઈનો નાનો સાળો એટલે કે ભાભીનો નાનો ભાઈ સાથે સેટિંગ થઇ શકે છે.
આજના જમાનામાં એરન્જ મેરેજ એક્ષટીંક થતા જાય છે અને મોટાભાગના લવ મેરેજ થઇ રહ્યા છે. તેમાં પણ સ્કૂલ અને કોલેજના કલાસમેટ અને જોબ કલીગ્સ કે બોસ સાથે થતા લગ્નની ટકાવારી 90 % જેટલી છે. એક નાની સંખ્યા એવા લોકોની પણ છે કે જેનો પ્રાઈમ ટાઈમમાં મેળ ના પડતા ઉંમર વધી ગઈ હોય તે, કપલમાંથી એકનું અકસ્માત ડેથ કે ઈગો કલેશના હિસાબે થયેલા છૂટાછેડાવાળા બીજા લગ્નના સાહસિકો મેરેજબ્યુરો, વેબસાઈટ કે ન્યૂઝપેપરની લગ્નવિષયક જાહેરાતોનો આશરો લે છે. ભારતમાં વરસોથી થતા બાળલગ્નો હવે ઈલીગલ છે. સરકારે તો જાહેરનામું બહાર પાડેલું જ છે કે કાર ચલાવવા માટેની ઉંમર, સરકાર ચલાવવા માટે અપાતા વોટીંગ કરવાની અને કુમારીના મેરેજ માટે 18 વરસ પૂરા હોવા જોઈએ. કુમાર માટે 21ની ઉંમર છે તે સાબિત કરે છે કે છોકરીને સોળે સાન અને અઢારે વાન આવી જાય છે. છોકરાઓને 18 વર્ષે મૂછો તો આવી જાય છે પણ સાન આવતા 21 વરસ તો ક્યારેક 51 વરસ પણ થઇ જાય છે.
સાસરે જતાં જ છોકરી બહુ જલ્દી મેચ્યોર થઇ જાય છે. નવું ઘર અને નવા ઘરવાળાઓને તેમની પ્રકૃતિ પ્રમાણે મેનેજ કરવા પડે છે. જે છોકરી પિયરને પોતાની યાદોમાં સંતાડીને સસુરાલમાં દૂધમાં નખાતી સાકરની જેમ ઓગળી જાય છે. જે દીકરી પિયરના પપ્પા – મમ્મીની જેમ જ સસુરાલના મોમ – ડેડ સાથે દીકરીનો સંબંધ સ્થાપિત કરે છે તે બંને ઘરનો વૈભવ માણે છે. પિયરમાં તેને રમવા ઢીંગલીઓ અને વળગીને સૂવા ટેડી બેર હતા. 5 વરસ પછી સસુરાલમાં તેને રમવા ઢીંગલા – ઢીંગલી જેવા બાબા – બેબી હોય છે અને વળગીને સૂવા માટે પેંગ્વીન પેટવાળો ‘ડેડી’ બેર હોય છે. એ પણ હકીકત છે કે જે સ્ત્રી પિયર છોડતી નથી, ત્યાં સુધી સસુરાલમાં સેટ થતી નથી.
આજની મોડર્ન માનુનીને પિયર અને સસુરાલ સિવાય એક ત્રીજું ઘર પણ હોય છે – પર્સનલ ઘર. ન્યુક્લિયર ફેમિલીમાં જોબ પ્રોફાઇલને લીધે તેણે મેગાસિટીમાં વસવું પડે છે. પિયર અમદાવાદમાં છૂટી જાય છે. સસુરાલ કોલકત્તામાં છૂટી જાય છે. તેનું પોતાનું ઘર, વર અને ‘સમય’ મુંબઈમાં વસાવે છે. 2 – 4 મહિને 2 – 4 દિવસ માટે બંને ઘરે જવાના ફોર્મલ પ્રસંગ બને છે. આમેય દૂર રહીને પણ નજીકના સંબંધો ગાઢ બનાવવાનું કામ પિયરની પ્રિન્સેસ કમ સસુરાલની સૌભાગ્યવંતીના હાથમાં છે. છોકરાઓ માટે તો પિતાનું ‘ઘર’ જ પોતાનું ઘર વારસામાં મળવાનું છે. તેને પિયર નથી હોતું. સસુરાલ ખરું પણ તે રાજાપાઠ માણવાનું ‘3 ડે 4 નાઈટ’ના પેકેજ જેવું હોય છે. પહેલાંના જમાનાના જમાઈઓ આવી સગવડ માણતા. અત્યારના એક જ બાળકના જમાનામાં જો ઘરમાં એક જ છોકરી હોય તો આજના જમાઈઓ તો ઘરના છોકરાની જેમ જ સસુરાલના સારા – નરસા પ્રસંગો સાચવી લે છે.