એકાગ્રતાનું અથાણું

સામાન્ય રીતે ઉનાળો અથાણાંની સીઝન ગણાય છે પણ જાણકારો માને છે કે સોશ્યલ મીડિયા આવ્યું ત્યારથી માણસજાતની એકાગ્રતાનું અથાણું થઈ ગયું છે. મુન્નાભાઈના શબ્દોમાં કહીએ તો, એકાગ્રતાની વાટ લાગી ગઈ છે. ધ્યાન, એકાગ્રતા જેવા શબ્દો જેને ‘યોગા’ કહેવામાં આવે છે, તે યોગ અને અધ્યાત્મ સાથે સંકળાયેલા છે. આ શબ્દો સાંભળતાં જ સામાન્ય માણસોનું મસ્તક શ્રદ્ધાભાવથી ઝુકી પડે છે (જેનો ભરપૂર ગેરલાભ ઉઠાવવામાં આવે છે.) એવું પણ મનાય છે કે સરેરાશ લોકોને વળી એકાગ્રતા જેવી કિંમતી ચીજનો શો ખપ? એ તો બધું તપસ્વીઓ-યોગીઓ માટે હોય પણ આદિત્યનાથ નામના યોગી, નામના જ યોગી, મુખ્ય મંત્રી બન્યા ત્યાર પછી ‘યોગી’ શબ્દની અર્થચ્છાયા બદલાઈ ગઈ છે, જેમ આસારામની આગળ ‘સંત’ લાગતાં, કે ‘સંત’ની પાછળ ‘આસારામ’ મુકાતાં ‘સંત’ શબ્દની અર્થચ્છાયાઓ બદલાઈ ગઈ. હવે ‘યોગી’ શબ્દ સાંભળીને જાણકારોના મનમાં ઇન્ડિયન પીનલ કોડની તૂટેલી કલમોના ભંગારનું દૃશ્ય ખડું થઈ શકે છે. તે ન્યાયે એકાગ્રતા જાળવવાનું સામાન્ય લોકોના ભાગે આવી શકે.

પણ ટીકાકારો ગમે તે કહે, સરકાર બહુ દયાળુ છે. તે જાણે છે કે લોકો પર આટલો મોટો બોજ નાખી ન શકાય. તે બિચારા ૯૫ રૂપિયે લિટરનું પેટ્રોલ પુરાવે? એક સરકારી કાર્ડ જોડે બીજું સરકારી કાર્ડ લિન્ક કરાવે? ભયજનક સપાટી વટાવી રહેલી આર્થિક અસમાનતા અને બેરોજગારી સામે ઝઝૂમે? સરકાર દ્વારા લવાતાં અવનવાં ગતકડાંની પાછળ રહેલો અસલી આશય સમજવાની કોશિશ કરે? કે પછી એકાગ્રતા કેળવે? સરકાર એ પણ સમજે છે કે તેની પાસે આટલાં સંસાધન હોવા છતાં, ફક્ત કેટલીક બાબતોમાં જ તે એકાગ્રતાથી કામ કરી શકે છે. જેમ કે, વડાપ્રધાનની ઇમેજનું રખોપું કરવાનું અને તેની પર ફેંકાતો કૃત્રિમ પ્રકાશ ઝાંખો ન પડી જાય તે માટે સતત જાહેરખબરો પાછળ અઢળક નાણાં ખર્ચવાનું કામ અને વોટ્સએપ-TV ચેનલો જેવાં માધ્યમો પર કુપ્રચારનું ઘોડાપુર સર્જવાનું કામ પૂરી એકાગ્રતાથી થતું હોય એવું લાગે છે. પણ અર્થતંત્રથી માંડીને લદ્દાખની સરહદ સુધી બીજી સેંકડો બાબતમાં સરકાર જેવી સરકાર એકાગ્રતા કેળવી શકી હોય એવું લાગતું નથી, તો એવું અઘરું કામ લોકોને શી રીતે સોંપાય? હા, તે બાબતો ચર્ચાના મુખ્ય મુદ્દા ન બને તેનું ધ્યાન એકાગ્રતાપૂર્વક રખાય છે, એટલું સરકાર માટે પૂરતું છે.

અધ્યાત્મનું માર્કેટ છેક તળિયા સુધી પહોંચી ગયું અને બરાબર ખીલ્યું તે પહેલાં એકાગ્રતાનો ખપ મુખ્યત્વે વિદ્યાર્થીઓને પડતો હતો. સમજુ વાલીઓ કે શિક્ષકો ફરિયાદના સૂરમાં કહેતા, ‘વાંચવા બેસે ને અડધો કલાક થયો-ન થયો ત્યાં કંઈક ને કંઈક બહાને ઊભો થશે. આવી રીતે માર્ક ન આવે. તું સમજ જરા. તેના માટે ચોટલી બાંધીને એકાગ્રતાપૂર્વક બેસવું પડે.’ આરોપમાં ઘણું તથ્ય હોવાથી ઘણા ખરા કિસ્સામાં ‘આરોપી’ પણ ઇન્કારને બદલે વાતને આડા પાટે ચડાવવાની એટલે કે, ફરિયાદીની એકાગ્રતા ખંડિત કરવાની કોશિશ કરતા. ચબરાક ‘આરોપી’ઓ ફરિયાદ સાંભળીને ઘડીક કશું બોલતા નહીં, એકાગ્રતાભંગનો ગુનો લગભગ કબૂલ કરી લેતા અને પોતે સન્નિષ્ઠ રીતે એકાગ્રતા કેળવવા ઇચ્છતા હોય એમ ડાહ્યા થઈને ફરિયાદીને પૂછતા, ‘તમે ભણતા હતા ત્યારે પણ જાતજાતની ખેંચતાણો તો હશે ને? તેની વચ્ચે તમે કેવી રીતે એકાગ્રતા જાળવી શકતા હતા?’ આ સવાલના પગલે શિક્ષક કે વાલી ઉપદેશ મોડમાંથી સ્મરણ મોડમાં ચાલ્યા જતા અને આત્મકથા પર ચડી જતા હતા. ત્યાર પછી સામે બેઠેલા જણનું સાંભળવું નહીં, તેનું હોવું જ પૂરતું થઈ પડતું. આત્મકથામાં એટલી મઝા આવતી કે તે ફરિયાદી છે એ વાત પણ ભૂલી જતા.

સોશ્યલ મીડિયા પહેલાંના સમયગાળામાં મોટે ભાગે વડીલો બાળકોને એકાગ્રતાના અભાવ બદલ ટોકતા રહેતા અને તે ગુણ કેળવવા માટે વિવિધ પ્રેરણાદાયી ઉદાહરણો આપતા. મોટા ભાગની પ્રેરણાદાયી વાતોની ખાસિયત એ હોય છે કે તે કહેનાર પોતાની જાતને જગતનાં મહાન સત્યોનું અનાવરણ કરનાર માને છે. તેમને લાગે છે કે ‘બુદ્ધ, ટોલ્સ્ટોય, ગાંધીજી, હું—અમારા જેવા લોકોની આ દુનિયાને પૂરી કદર નથી હોતી. આવું હું નહીં, ઇતિહાસ કહે છે. લોકોને સમજાતું નથી કે કેટકેટલી લાયકાત અને એકાગ્રતા કેળવ્યા પછી અમે એકાગ્રતા પર ઉપદેશ આપી શકીએ એટલા જ્ઞાની થયા છીએ.

તે જ્ઞાનનો લાભ અમે ફોરવર્ડ કરીને ઠેકઠેકાણે સાવ મફતમાં પહોંચાડી રહ્યા છીએ.’ પણ નઘરોળ સાંભળનાર પર તેનો પ્રભાવ પડતો નથી. ઊલટું, એવાં વક્તવ્યો એક કાને સાંભળીને બીજા કાનેથી કાઢી નાખવાની પ્રેરણા આપી શકે છે. છેલ્લાં થોડાં વર્ષોમાં એકાગ્રતાના અભાવ અંગેના ઠપકાની દિશા બદલાઈ છે. હવે યુવાનો વડીલોને ટોકે છે કે ‘શું આમ આખો દહાડો વોટ્સએપ ને ફેસબુક પર આંગળાં ઘસ્યા કરો છો? બધાં ભેગાં થયાં હોય ત્યારે પણ તમારું ધ્યાન ફોનમાં જ હોય છે. આવું ને આવું રહ્યું તો તમારી એકાગ્ર થઈને વાંચવા-સાંભળવાની શક્તિનું શું થશે? તમારે પરીક્ષા નથી આપવાની એનો મતલબ એવો થોડો છે કે એકાગ્રતાને વેડફી નાખવી? અને પછી ડોક્ટરો કહે ત્યારે ઊંધા પડીને ફરી એકાગ્રતા કેળવવા યોગ શરૂ કરવા? આ પ્રકારના ઠપકાના જવાબમાં વડીલો પાસે ‘બહુત ગઈ, થોડી રહી’નો જવાબ હાથવગો છે. તેમાં હારની કબૂલાતને બદલે, સામેવાળાને જીતવા દેવાની ઉદારતા ઝળકે છે.

Most Popular

To Top