રાજ્યમાં એલઆરડી (LRD) ભરતીમાં જે પ્રમાણે મહિલાઓની જગ્યા વધારવામાં આવી છે તે જ પ્રમાણે પુરૂષ ઉમેદવારોની જગ્યા પણ વધારવામાં આવે તેવી માંગણી સાથે 200 જેટલા યુવાનો આજે ગાંધીનગરમાં (Gandhinagar) એકત્ર થયા હતા અને હલ્લાબોલ કર્યો હતો. આજે ગાંધીનગરમાં 200થી વધુ LRD ઉમેદવારો ધરણાં પર બેસી ગયા હતા. જેમાથી કેટલાક યુવકોની પોલીસે (Police) અટકાયત કરી હતી. અનેક રજૂઆતો છતા પરિણામ ન આવતા રોષ જોવા મળ્યો હતો. મંજૂરી વગર જ ધરણા કરતા પોલીસે યુવાનોની અટકાયત કરી હતી.
ગાંધીનગરમાં સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન ખાતે પૂરુષ ઉમેદવારોએ ધરણા કર્યા હતા. LRD પુરૂષ ઉમેદવારો ભરતીમાં પુરૂષ ઉમેદવારોને અન્યાયના આક્ષેપ સાથે ધરણા કરી રહ્યા છે. 200થી વધુ LRD ઉમેદવારો દ્વારા બેનર સાથે સુત્રોચ્ચાર કર્યા હતા. પોલીસે વિરોધ કરી રહેલા ઉમેદવારોની ટીંગાટોળી કરી અટકાયત કરી હતી. જેની સામે એલઆરડી પુરુષોમાં રોષ જોવા મળી રહ્યો છે. ઉમેદવારો ધરણાની જગ્યા છોડવા તૈયાર નહોતા પોલીસે મહામહેનત ટીંગા ટોળી કરીને ઉમેદવારોને હઠાવ્યા હતા. તેમણે જોર જોરથી સૂત્રોચ્ચાર કર્યા હતા કે અમે ખોટા હોઈએ તો અમને ગોળીએ દો.
શું છે મામલો?
લોકરક્ષક દળની ભરતીને સંપૂર્ણપણે ફરીથી કરવા 187 ઉમેદવારોએ હાઈકોર્ટમાં રીટ કરી છે
LRDની ભરતીમાં 12 હજારથી વધુ ઉમેદવારોની નિમણૂંક રદ કરવાની પણ માગ છે
મહિલા ઉમેદવારોને ગુણમાં રિલેક્સેશન આપીને મહિલાઓ માટે 50% કટઓફ માર્ક રખાયા હતા. ભરતી પ્રક્રિયાના અંતે મહિલાઓ માટે 2500 બેઠકો વધારવામાં આવી હતી
ન્યુમરરી પોસ્ટ ઉભી કરી મેરિટ વગરની મહિલા ઉમેદવારોની ભરતીનો વિરોધ છે
LRDની ભરતી પ્રક્રિયામાં સવર્ણ પછાત સમાજની મહિલાઓના આંદોલનને કારણે બેઠકો વધી
સરકારે બંધારણની વિરુદ્ધ જઈને સ્ત્રીઓના અનામતના ક્રાઈટેરિયાને લાગૂ કર્યાનો આક્ષેપ
અનામતને અપ્રત્યક્ષ રીતે નગણ્ય બનાવી જનરલ કેટેગરીની ભરતી કરાયાના આક્ષેપ
નવી ઉભી કરાયેલી 2478 પોસ્ટને 33% અનામતમાં ગણીને પુરુષોને અન્યાય થયો છે.
LRD ભરતીમાં જે પ્રમાણે મહિલાઓની જગ્યા વધારવામાં આવી છે તે જ પ્રમાણે પુરૂષ ઉમેદવારોની જગ્યા પણ વધારવામાં આવે. 80 માકર્સથી વધુ મેરિટ ધરાવતા તમામ પુરૂષોને સમાવી લેવાય એ એક જ માંગણી છે. ઉમેદવારોનું કહેવું છે કે પોલીસ બોર્ડે ભરતી માટે બે વર્ષ જેટલો સમય પસાર કર્યો છે. તેમછતાં પેપર લીક થઇ જતાં સમગ્ર પરીક્ષા રદ કરવી પડે છે. આ વર્ષે સરકારે ભરતી કરવાનું જાહેર કર્યું છે ત્યારે જેઓ બે-ત્રણ વર્ષથી મહેનત કરીને પોતાની શ્રેષ્ઠતા સાબિત કરી ચૂક્યા છે તેવા કટ ઓફ મેરિટથી નજીકના ઉમેદવારોને સમાવવા મહિલા ઉમેદવારોના સપ્રમાણમાં પુરૂષોની જગ્યા વધારવામાં આવે તેવી રજૂઆત છે.