SURAT

કાયદાની ઐસીતૈસી કરનાર PI સલૈયા અને તેને પાર્ટી આપનાર આ બિલ્ડરની ધરપકડ

સુરત: (Surat) ખાખી વર્દી પહેરીને પોલીસના (Police) જાહેરનામાનો ભંગ કરનાર સિંગણપોર પીઆઇ (PI) સલૈયા અને વિદાય સમારંભ યોજનાર બિલ્ડર રમેશ કાનાણીની ધરપકડ (Arrest) કરવામાં આવી હતી. જો કે, આ પાર્ટીમાં અન્ય પણ કેટલાક બિલ્ડરો હોવાની વિગતો મળી છે પરંતુ તેની સામે તપાસ ક્યારે થશે..? તે અંગે લોકોમાં ચર્ચાનો વિષય બન્યો.

પ્રાપ્ત વિગતો મુજબ સિંગણપોર ખાતે કુમકુમ ફાર્મ હાઉસમાં પોલીસ સ્ટાફ દ્વારા પાછલા દિવસોમાં સીંગણપોર પોલીસ ઇન્સપેક્ટર એ.પી.સેલૈયાનો વિદાય સમારંભ યોજાયો હતો. હવે શહેરમાં એક બાજુ પોલીસ પારિવારીક પ્રસંગમાં પણ લોકોને ભેગા થવા દેતા નથી ત્યાં પીઆઈ માટે ખાખીધારીઓનું ટોળું ભેગું કરાયું હતું. પોલીસ આટલી બેદરકાર કેવી રીતે હોઈ શકે એ પ્રશ્ન ઉદ્ભવી રહ્યો છે. પરિવાર સાથે સોસાયટીના નાકે નીકળતા લોકોને પણ પોલીસ છોડતી નથી. અને પોતે એક અધિકારીના વિદાય માટે કાર્યક્રમ આયોજીત કરે એ કેટલું યોગ્ય છે?.

વાત જાહેર થતાં જ સમાચાર પત્રોમાં તથા સોશિયલ મિડીયામાં આ મામલો ભારે ચગ્યો હતો. આ કેસમાં પીઆઇ એ.પી. સલૈયા તેમજ વિદાય સમારંભ યોજનાર કતારગામના બિલ્ડર રમેશ ભગવાનભાઇ કાનાણીની સામે જાહેરનામા ભંગ બદલ ગુનો નોંધવામાં આવ્યો હતો. આ હુકમની સાથે જ પોલીસે બંનેની ધરપકડ કરી હતી. પરંતુ વિદાય સમારંભમાં અન્ય બિલ્ડરો તેમજ અન્ય પોલીસના કર્મચારીઓ હોવાનું પણકહેવાય છે ત્યારે તેઓની સામે ક્યારે કાર્યવાહી થાય છે તે જોવું રહ્યું.

પીઆઇ સલૈયા સાથે જલસો કરનારા પચાસ પોલીસ સામે કાર્યવાહી કરવા કોની શર્મ નડી રહી છે?

પીઆઇ સેલૈયા દ્વારા ઇકો સેલમાં જવા માટે જલસો ઉજવવાના મામલામાં શહેર પોલીસને માથે કાળીટીલી લાગી ગઇ છે. એક તરફ જયારે શહેરના નાના લોકોને માસ્ક માટે એક હજારનો દંડ ફટકારવામાં આવે છે. જયારે બીજી બાજુ પચાસ કરતા વધારે પોલીસ ભેગી થઇને તેમના સાહેબને ખૂશ કરવા માટે જલસો કરે છે. આ મામલે આ તમામ પોલીસ માટે ડીસીપ્લરી એકશન લેવા જરૂરી છે ત્યારે હવે આ મામલે પીઆઇને ઘરે બેસાડીને આખા વિવાદ પર જ પર્દો પાડી દેવાનો તખ્તો ગોઠવવામાં આવ્યો છે. પચાસ પોલીસ જયારે કાયદાની એસી તૈસી કરી રહી છે તે આ શહેરમાં કયારેય નહીં ઘટેલી ઘટના છે. અલબત આ મામલે વાસ્તવમાં ઉચ્ચ અધિકારીઓ કાર્યવાહી કરવા માટે કેટલી શરમ રાખે છે તે જોવાનું રસપ્રદ થઇ પડ્યું છે.

Most Popular

To Top