Editorial

ભારતમાં પુખ્યવયના લોકોમાં ચિંતાજનક રીતે શારીરિક નિષ્ક્રિયતા વધી રહી છે

જીવનને વધુ દીર્ધાયુ અને રોગમુક્ત રાખવું હોય તો તેને ફિટ એટલે કે તંદુરસ્ત રાખવું જરૂરી છે પરંતુ ભારતીયો પોતાની તંદુરસ્તી બાબતે ઘણા જ નિષ્ક્રિય છે. ભારતમાં લાઈફસ્ટાઈલ એવી છે કે તેને કારણે નાગરિકોમાં મેદસ્વિતાનું વધુ પ્રમાણ જોવા મળી રહ્યું છે. સાથે સાથે ખાણી-પીણીએ ભારતીયોની તંદુરસ્તી પર મોટી અસર કરી છે. તાજેતરમાં વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા ભારતીયો પર કરાયેલા સરવેનો અહેવાલ ભારે ચિંતાજનક છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના અહેવાલમાં જણાવાયું છે કે, ભારતમાં અડધાથી વધુ વસ્તી અનફિટ છે. તેમાં પણ મહિલાઓ પુરૂષોના પ્રમાણમાં વધુ નિષ્ક્રિય છે. લેન્સેટ ગ્લોબલ હેલ્થમાં આ ડેટા પ્રકાશિત કરવામાં આવ્યા છે. ભારતમાં પુખ્ત વસતીના અડધાથી વધુ લોકો પોતાના માટે જરૂરી શારીરિક પ્રવૃત્તિ કરતા નથી. જેમાં 57 ટકા સ્ત્રી અને 42 ટકા પુરૂષોમાં નિષ્ક્રિયતા જોવા મળી છે. શારીરિક પ્રવૃત્તિના મામલે અગાઉ 2020માં સ્થિતિ સારી હતી.

તે સમયે ભારતમાં નિષ્ક્રિયતાનું પ્રમાણ 22.3 ટકા હતું. જ્યારે બે જ વર્ષમાં આ પ્રમાણ વધીને 49.4 ટકા થઈ જવા પામ્યું છે. આવી જ રીતે રહ્યું તો બની શકે છે કે 2030 સુધીમાં ભારતની 60 ટકા વસતી શારીરિક રીતે નિષ્ક્રિય જોવા મળશે અને તેને કારણે લોકોમાં રોગનું પ્રમાણ વધતું જોવા મળશે. વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા પ્રત્યેક વ્યક્તિ માટે એવી ભલામણ કરવામાં આવે છે કે દરેક પુખ્ત વયની વ્યક્તિએ દર અઠવાડિયે ઓછામાં ઓછી 150થી 300 મિનિટ સુધી એરોબિક એટલે કે જેમાં શારીરિક શ્રમ હોય તેવી પ્રવૃત્તિ કરવી જોઈએ. જ્યાં શારીરિક નિષ્ક્રિયતા વધે છે ત્યાં પુખ્ત વયના લોકોમાં હ્રદયરોગનો હુમલો, સ્ટ્રોક અને સાથે સાથે ડાયાબિટીસ, ઉન્માદ, સ્તન અને આંતરડાના કેન્સર જેવા રોગો વધે છે.

વિશ્વમાં શારીરિક નિષ્ક્રિયતાના મામલે ભારતનો ક્રમ 192 દેશમાં 12મો છે. વિશ્વમાં 31 ટકા લોકો વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા કરાયેલી શારીરિક પ્રવૃત્તિની ભલામણના સ્તરે પહોંચી શક્યા નથી. શારીરિક નિષ્ક્રિયતામાં વધુ બેઠાડું જીવન, પર્યાવરણમાં ફેરફાર, અનુકૂળ પરિવહન પદ્ધતિઓ અને નવરાશના સમયની પ્રવૃત્તિઓમાં ફેરફારનો મોટો ફાળો રહેલો છે. જે તે દેશમાં જેમ જેમ આવક વધે છે તેમ તેમ તે તે દેશમાં શારીરિક નિષ્ક્રિયતામાં વધારો થાય છે.

વિશ્વ આરોગ્ય સંસ્થાના આરોગ્ય પ્રમોશનના નિયામક ડો. રૂડિગર ક્રેચના કહેવા પ્રમાણે, એશિયા-પેસેફિક પ્રદેશમાં આવક ઉચ્ચ છે પરંતુ ત્યાં નિષ્ક્રિયતાનું પ્રમાણ 48 ટકા છે. જ્યારે દક્ષિણ એશિયામાં શારીરિક નિષ્ક્રિયતાનું પ્રમાણ 45 ટકા છે. અન્ય પશ્ચિમી દેશોમાં નિષ્ક્રિયતાનું સ્તર 28 ટકાથી ઓસનિયામાં 14 ટકા સુધીનું છે. ટોચના કાર્ડિયોલોજિસ્ટ એવું કહી રહ્યા છે કે જેમ જેમ શહેરીકરણ અને ઔદ્યોગિકીકરણ વધે છે તેમ તેમ શારીરિક નિષ્ક્રિયતામાં વધારો થાય છે. તેમાં પણ દક્ષિણ એશિયામાં આ સ્થિતિ વધુ વકરી રહી છે. ભારતીયોની જીવનચર્યા એવી છે કે જેને કારણે હ્રદયરોગ અને ડાયાબિટીસનું પ્રમાણ વધતું જ રહ્યું છે. પરંતુ સાથે સાથે ભારતમાં ગ્રામ્ય વિસ્તારોમાંથી લોકોનું શહેરો તરફ પ્રયાણ શારીરિક નિષ્ક્રિયતામાં વધારો જ કરી રહ્યું છે.

મોટાભાગના ફિટનેસ ટ્રેઈનર એવું માને છે કે જો માનસિક રીતે મજબૂત થવામાં આવે તો શારીરિક નિષ્ક્રિયતા દૂર કરી શકાય છે. જો શારીરિક પ્રવૃત્તિઓનું પ્રમાણ વધારવામાં આવે તો નિષ્ક્રિયતા આપોઆપ જ ઘટે છે. બીજી તરફ પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ્સ, ચરબીમાં કેવી રીતે વધારો ઘટાડો થાય છે તે દરેકે જાણી લઈને તે પ્રમાણે પોતાનો આહાર સેટ કરવો જોઈએ. દરેક વ્યક્તિએ રોજ એક રાંધેલું અને એક કાચું, એવા બે શાકભાજી ખાવા જોઈએ. જો મહિલાઓની વાત કરવામાં આવે તો જે મહિલાઓ એવું માને છે કે ઘરનું કામ કરવું એ એક પ્રકારની શારીરિક કસરત છે તો તે ખોટું છે. મહિલાઓએ પણ પોતાની શારીરિક પ્રવૃત્તિઓ વધારવી જોઈએ કે જેથી તેઓ વધુ સક્રિય રહી શકે. બાંગ્લાદેશ, ભૂતાન અને નેપાળ કરતાં પણ ભારતની મહિલાઓમાં શારીરિક નિષ્ક્રિયતા વધુ છે.

વિશ્વ આરોગ્ય સંસ્થાના અહેવાલને ખરેખર દરેક પુખ્ત વયની વ્યક્તિએ ગંભીરતાથી લેવો જોઈએ અને તે માટેના આયોજનો કરવા જોઈએ. વધુ પડતા ભૌતિક સુખની પાછળ દોડવા કરતાં થોડું ધ્યાન પોતાની શરીર પર પણ આપવું જોઈએ. રોજ એક કલાક પોતાના શરીર માટે કાઢવાથી માત્ર આયુષ્ય જ નથી વધતું પરંતુ સાથે સાથે રોગથી પણ દૂર રહી શકાય છે. રોજ જીમમાં જવાનું જરૂર નથી પણ રોજ હળવી કસરતો પણ કરવી જ જોઈએ.

જેને કારણે અનેક રોગમાં પણ રાહત મળી શકે છે. ભારતીયોનું ભોજન પણ એવું છે કે જો તેમાં કસરતનો ઉમેરો કરવામાં નહી આવે તો આ ભોજન પણ ભવિષ્યમાં અનેક રોગ શરીરમાં ઘૂસાડી શકે છે. વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા અહેવાલ તૈયાર કરાયો તે તરફ લોકોની સાથે સરકારે પણ ધ્યાન આપવાની જરૂરીયાત છે અને શારીરિક કસરતો પણ ફરજીયાત કરવી જોઈએ. જે રીતે લશ્કરમાં પ્રવેશ લેતા પહેલા તેની ટ્રેનિંગ અપાય છે તેવી જ રીતે વિવિધ નોકરીઓમાં પણ શારીરિક ટ્રેનિંગ અપાય તો જે તે વ્યક્તિ તંદુરસ્ત રહેશે તે ચોક્કસ છે.

Most Popular

To Top