Life Style

ડિજિટલ કેમેરાના યુગમાં પણ રોલ ફિલ્મવાળા કેમેરાથી ફોટોગ્રાફી

ફોટોગ્રાફી શબ્દ કંઇ નવો નથી. ઘણા વર્ષોથી લોકો ફોટો પાડતા આવ્યા છે. પહેલાના લોકો પાસે કેમેરા રોલ ફિલ્મવાળા હતા જેમાં 36 ફોટા પાડી શકાતા. આ ફિલ્મને ડાર્ક રૂમમાં ડેવેલપ કરી એના ફોટા નિકળતા અને લોકોની મેમરીઝ બનતી. ધીમે ધીમે જમાનો બદલાયો અને ડિજિટલ કેમેરા બદલાતી ટેકનોલોજી સાથે લોકોના ઘરોમાં અને મનમાં પ્રવેશ્યા. ડિજિટલ કેમેરા પણ ઘણા વર્ષોથી પોપ્યુલર થયા છે અને આ સાથે રોલ ફિલ્મવાળા કેમેરાનું અસ્તિત્વ લગભગ નહીંવત થયું. પરંતુ જુજ શોખીન ફોટોગ્રાફર્સ આજે પણ ઘણી જહેમત ઉઠાવી આ પ્રકારના કેમેરા વાપરે છે, રોલ મેળવે છે અને ફિલ્મ્સ ડેવેલપ પણ કરાવે છે. સુરતમાં ડિજિટલમાં કન્વર્ટ કરી હજી પણ રોલ પરથી ફોટા પ્રિન્ટ કરી આપવામાં આવે છે. તો ચાલો આજે જાણીએ આવા શોખીન ફોટોગ્રાફર્સની રોલ અને કેમેરા સાથેની જર્ની વિશે….

ફિલ્મ વાળા કેમેરામાં ફોટોગ્રાફી એક ચેલેન્જ હોવાથી મને આવા કેમેરાથી ફોટોગ્રાફીની મજા આવે છે: સૈક્ત તાલુકદાર
શોખથી ફોટોગ્રાફર સૈકત તાલુકદારે જણાવ્યું કે મને ફિલ્મવાળા કેમેરાથી ફોટોગ્રાફી કરવાની ખૂબ મજા આવે છે કેમકે તેમાં 40 એક્સપોઝર છે તમારે તેનો વિચાર કરીને ઉપયોગ કરવો પડે. એક પણ ફોટો ખોટો પડ્યો તો એક એક્સપોઝર ઓછો થાય. જ્યારે ડીજીટલ કેમેરાથી તમે એક સમયે 100 ફોટા પણ. પાડી શકો અને 1000 પણ જે ફોટા તમને ગમે તેની પ્રિન્ટ લઈ લો બાકીનાને ડીલીટ કરી શકાય છે. મેં અત્યાર સુધીમાં ફિલ્મવાળા કેમેરાથી 619 આલ્બમ બનાવ્યા છે. એક આલ્બમમાં 40 ફોટા આવતા હોય છે. ફિલ્મવાળા કેમેરામાં સ્ટાન્ડર્ડ લેન્સ 50 mm, વાઈડ એન્ગલ 28થી 35 mm, ટેલીફોટો લેન્સ 200 mmથી 1100-1200 mm, ફિશ આઈ લેન્સ 16થી 20 mm હોય.

5 વર્ષ પહેલા એક ફોટો માટે સાડા ચાર રૂપિયા ખર્ચવા પડતા, આજે 120 રૂપિયા ચૂકવવા પડે છે
રોલવાળા કેમેરાની નેગેટિવને ડેવલપ કરાવી ફોટો મેળવવા માટે આજના સમયમાં 120 રૂપિયા ખર્ચ કરવા પડે છે. 5 વર્ષ પહેલાં એક ફોટો પ્રિન્ટ માટે સાડા ચાર રૂપિયા આપવા પડતા હતા. શરૂઆતી સમયમાં દોઢ રૂપિયાના ખર્ચ નેગેટિવ ડેવેલપ થતી. જો ઓલ્ડ મેમરી નેગેટિવમાં હોય અને તેની પ્રિન્ટ નહીં હોય અને તે ફોટા મેળવવા હોય તો વધારે ખર્ચ અવોઇડ કરવા માટે લોકો ફક્ત જરૂરીયાતના 4-5 ફોટો આ પ્રોસેસ કરીને મેળવે છે.

હું હજી પણ ફિલ્મવાળા કેમેરાથી ફોટોગ્રાફી કરું છું: શ્રીકાંત રાખે
પ્રોફેશનલ એડવર્ટાઇઝિંગ ફોટોગ્રાફી કરતા શ્રીકાંત રાખેએ જણાવ્યું કે 2004માં ફિલ્મવાળા કેમેરાનું પ્રોડક્શન બંધ થયું પણ મારી પાસે આવા બે મિન્ટ કન્ડિશનમાં Nikon FTN અને Nikon f-3 કેમેરા છે. મને રોલ ફિલ્મ્સવાળા SLR તથા આધુનિક ટેકનોલોજીવાળા DSLR કેમેરા બંને યુઝ કરવા ગમે છે. હું હજી પણ આવા કેમેરાથી ફોટોગ્રાફી કરું છું. જોકે, જાતે નેગેટિવ ડેવલપ નથી કરાવતો કેમકે તેમાં ગ્રીન લાઈટ સાથેનો ડાર્કરૂમ, ત્રણ ટ્રે જોઈએ, ડેવલપર કેમિકલ Kodak MIcrodol-x for fine grain કેમિકલ વગેરે જોઈએ. જો તમને આવા કેમેરા સારી રીતે યુઝ કરતા આવડે તો રિઝલ્ટ સારું મળે છે.

ફોટો કેવો આવશે તેનું સસ્પેન્સ જળવાઈ રહેતું હોવાથી હજી પણ ફિલ્મવાળા કેમેરાથી ફોટોગ્રાફી થાય છે
અત્યારે તો ડિજિટલ કેમેરાનો જમાનો છે તમે ફોટા કેપ્ચર કર્યા અને પછી કોમ્પ્યુટર પર લઈ તેની પ્રિન્ટ કાઢી લેવાની. ડિજિટલ કેમેરાથી ફોટોગ્રાફી સરળ બની હોવા છતા હજી પણ કેટલા ફોટોગ્રાફીના શોખીનોને ફિલ્મવાળા કેમેરાથી ફોટોગ્રાફીની મજા આવે છે કેમકે, નેગેટિવ ડેવલપ થયા પછી ફોટો કેવો આવશે તેનું સસ્પેન્સ જળવાતું રહે છે એટલે ઉત્સુકતા રહે છે.

નેગેટિવ ડેવલપ કરવા મુંબઈ, કોલકાતા જવું પડે છે
હવે આ કેમેરાનું પ્રોડક્શન બંધ થઈ ગયું છે એટલે સુરતમાં સરળતાથી તો નેગેટિવ ડેવલપ નથી કરી શકાતી. તેને ડેવલપ કરાવવા મુંબઈ અને કોલકાતા, અમદાવાદ જવું પડે વળી નેગેટિવ ડેવલપ થઈને હાથમાં ફોટો આવે તે માટે 10-15 દિવસ પણ વેઇટ કરવું પડે. એક રોલ 36 ફોટાનો હોય બધા જ ફોટા પડાઈ નહીં જાય ત્યાં સુધી રોલ ધોવા નહીં નાખી શકો. પહેલાં આવા કેમેરાથી ફોટોગ્રાફી થતી ત્યારે ફોટા માટે થતી પ્રોસેસનું કેમિકલ મહિને મહિને બદલાઈ જતું હવે તે જલ્દી નથી બદલાતું. કેમકે એટલી નવગેટિવ ડેવલપ કરવા નથી આવતી.

ડિજિટલ કેમેરામાં ઇન્સ્ટન્ટ રિઝલ્ટ મળે છે અને એડિટિંગ કરી શકાય છે જે ફિલ્મવાળા કેમેરામાં નથી થતું
અત્યારે જે ડિજિટલ કેમેરા છે તેનું રિઝલ્ટ સારું મળતું હોય છે કેમકે એડિટિંગ શક્ય હોય છે. વળી, ડિજિટલ કેમેરામાં ઇન્સ્ટન્ટ રિઝલ્ટ મળે છે. જે ફિલ્મવાળા કેમેરામાં સંભવ નથી. મેગા પિકસલ ફક્ત ડિજિટલ કેમેરામાં જ મળે છે. કદાચ આ કારણોથી જ ફિલ્મવાળા કેમેરાનો ઉપયોગ ઘટતો ગયો.

ફિલ્મ કેમેરાની નેગેટિવને ડિજિટલમાં કન્વર્ટ કરીને પછી ડેવલપ કરી ફોટો પ્રિન્ટ આપીએ છીએ: અનકીન ઝવેરી
શહેરના એક જાણીતા ફોટો સ્ટુડિયોના માલિક અનકીનભાઈ ઝવેરીએ જણાવ્યું કે, સુરતમાં કદાચ અમે જ આવા ફિલ્મ કેમેરાસની નેગેટિવને ડેવલપ કરી ફોટો પ્રિન્ટ આપીએ છીએ. નેગેટિવને સ્કેન કરીને ડિજિટલમાં કન્વર્ટ થાય પછી jpgમાં કન્વર્ટ કર્યા બાદ રેગ્યુલર પ્રિન્ટર્સમાં પ્રિન્ટ થાય. આ પ્રોસેસ જરા એક્સપેન્સિવ બને છે. જો તમારી ઓલ્ડ મેમેરીની નેગેટિવ હોય અને તમારે તે યાદોને તાજા કરવી હોય તો આ રીતથી ફોટો મેળવી શકાય. બહું રેર સુરતીઓ લગભગ 0.5 પર્સન્ટ લોકો જ આ રીતે નેગેટિવને ડેવલપ કરી ફોટો મેળવતા હોય છે. ઘણાં સુરતીઓને ખબર પણ નથી કે સુરતમાં આ રીતે નેગેટિવ ડેવલપ પણ થાય છે. મારી પાસે મોટા ભાગે પોતાના માતા-પિતાના ફોટોની નેગેટિવ ડેવલપ કરાવવા લોકો આવતા હોય છે.

Most Popular

To Top