જ્યારે સ્માર્ટ મોબાઈલ ફોનનો જમાનો નહીં હતો ત્યારે લોકો કોઇપણ સિઝનમાં ગમે ત્યાં દેશ-વિદેશમાં ફરવા જાય ત્યારે ત્યાંની યાદગાર ક્ષણો ટચૂકડા કેમેરમાં કેદ કરી લેતાં અને તેની પ્રિન્ટ કઢાવી ફોટો આલ્બમ બનાવી તેને કાયમી સંભારણું બનાવી લેતાં. પણ હવે જમાનો મોબાઈલ ફોનનો છે અને તેમાં કેમેરાનું એક ફીચર એડ થયેલું છે. બસ જ્યારથી કેમેરાવાળા મોબાઈલ ફોનનો જમાનો આવ્યો છે ત્યાંરથી ઘણાખરા લોકોએ હેન્ડ કેમેરાને સાઈડ પર ધકેલી દીધા છે. પણ હકીકત તો એ છે કે મોબાઈલ ફોન અને DSLR કેમેરા (ડિજિટલ સિંગલ-લેન્સ રીફલેક્સ કેમેરા) વચ્ચે સરખામણી નહીં થઈ શકે. મોબાઈલ ફોન ફોટો કેપ્ચર કરી શકે છે પરંતુ તેની મુખ્ય ભૂમિકા કેમેરાની નથી એટલે જ મોબાઈલ ફોનથી કરવામાં આવતી ફોટોગ્રાફીની ઘણી મર્યાદાઓ હોય છે તેમ છતાં ફોન આપણી સાથે હંમેશા રહેતો હોવાથી DSLR કેમેરા કરતા ફોનથી ફોટો લેવાની વધારે તકો મળે છે. મોબાઈલ ફોનને તમે ખિસ્સામાં રાખી શકો છો એટલે તે સુગમ છે જ્યારે DSLR કેમેરાને રાખવા અલગથી બેગ જોઈએ. કેમેરાને લટકાવવા ગર્દન અને ખભા પર ભાર આપવો પડે છે. આપણે સુરતીઓ પાસેથી જાણીએ કે, શું કેમેરાવાળા મોબાઈલ ફોનના વધતા ચલણ વચ્ચે શુ આઉટિંગ પ્લેસીસ પર હેન્ડ કેમેરાથી ફોટોગ્રાફીનો ક્રેઝ ઘટી રહ્યો છે?
મોબાઈલ ફોનને કારણે ડિજિટલ કેમેરાનો ટ્રેન્ડ ઓછો થયો: કેકીન ઝવેરી
ફોટોગ્રાફીના વ્યવસાય સાથે સંકળાયેલા કેકીનભાઈ ઝવેરીએ જણાવ્યું કે જેમને ખરેખર ફોટોગ્રાફીનો શોખ છે તેઓ ઘરગથ્થુ પણ DSLR કેમેરા વસાવે છે. હા મોબાઈલ ફોનમાં કેમેરાનું ફીચર ઉમેરાયા બાદ પોઇન્ટ એન્ડ શૂટ કેમેરાનો ટ્રેન્ડ ઓછો થયો છે. ટ્રાવેલિંગ વેળા બજેટમાં ફોટોગ્રાફી કરવી હોય તેઓ ફોન-ફોટોગ્રાફી કરે છે. પોઇન્ટ એન્ડ શૂટ કેમેરાનું ચલણ ઓછું થયું તેનું કારણ એ છે કે લોકોને નાના-મોટા પ્રસંગોની ફોટોગ્રાફી વધારે સગવડભર્યું લાગે છે. જેમને પ્રિન્ટ આઉટ નથી કાઢવી કે સોશ્યલ મીડિયા પર ફોટો અપલોડ કરવા છે તે લોકો મોબાઈલ ફોન ફોટોગ્રાફી પસંદ કરે છે. ડે ટૂ ડે ફોટોગ્રાફી લોકો મોબાઈલ ફોનથી કરે છે. જયારે પ્રસંગો અનુસાર કેમેરા ફોટોગ્રાફી લોકો પસંદ કરે છે.
હું પ્રોફેશનલ ફોટોગ્રાફર નથી એટલે મોબાઈલ ફોટોગ્રાફી વધુ કરું છું: ડૉ. અલ્પના પરમાર
અડાજણ વિસ્તારના ડૉ. અલ્પનાબેન પરમારે જણાવ્યું કે હું પ્રોફેશનલ ફોટોગ્રાફર નથી એટલે ફોન ફોટોગ્રાફી મને પસંદ છે. સાથે જ ફોન હાથમાં રહી શકે છે. જ્યારે કેમેરામાં નો ડાઉટ ફોટોની ક્લેરિટી સારી હોય છે. પણ જ્યારે ફરવા જાવો ત્યારે તેને માટે અલગ બેગ રાખવી પડે. લેન્સ રાખવા પડે. તે મોટો પ્રશ્ન રહે છે. પછી ફોટો પાડયા પછી કેમેરાને સાચવીને રાખવો પડે. રાજસ્થાનમાં ડુંગરપુર ગઈ હતી ત્યારે કેમેરા નહીં કાઢેલો બસ ફોન ફોટોગ્રાફી કરી હતી. જ્યારે ઉત્તરાખંડ ગઈ હતી ત્યારે બર્ડ એન્ડ લેન્ડસ્કેપ માટે કેમેરા ફોટોગ્રાફી કરી હતી. મોબાઈલ ફોન કેમેરા સેલ્ફી લેવા માટે બેસ્ટ છે. તરત ફોટો લીધા તરત fb પર ઇન્સ્ટા પર મૂકી શકાય છે. ફોન ફોટોગ્રાફી મને કમ્ફર્ટેબલ પણ લાગે છે. મારી પાસે સેમસંગ S-21 ફોન છે જેની ફોટો ક્લેરિટી સારી છે. ફોન ફોટોગ્રાફી પર્સનલ મેમરી માટે બેસ્ટ છે.મેં મિલ્કી વે (આકાશગંગા) ની ફિટોગ્રાફી પણ મોબાઈલ ફોનથી કરી છે.
ટ્રાવેલિંગમાં કેમેરા બેઝડ ફોટોગ્રાફી પસંદ છે: અનુજ જરીવાલા
પાર્લેપોઇન્ટ વિસ્તારમાં રહેતા અનુજભાઈ જરીવાલા વ્યવસાયે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (C.A.) છે. તેમણે જણાવ્યું કે વાઈલ્ડ ફોટોગ્રાફી અને ટ્રાવેલિંગનો શોખ છે. ગત મે મહિનામાં હું સાસણ ગીર ફેમેલી સાથે ગયો હતો ત્યારે મેં DSLR કેમેરાનો જ ફોટોગ્રાફી માટે યુઝ કર્યો હતો. DSLR કેમેરા લકઝુરિયસ વસ્તુ છે એનાથી ફોટોગ્રાફીનો આંનદ જ અનેરો હોય છે. અમે જોધપુર-જેસલમેર ફરવા જવાના છીએ ત્યારે પણ કેમેરા ફોટોગ્રાફી કરવાના છીએ. મોબાઈલ ફોન ફાસ્ટ ફૂડ છે તરત જ એનાથી ફોટો પાડી શકાય પણ પિકચર કલેરિટી પરફેકટ નથી હોતી. જ્યારે કેમેરા લંચ અને ડીનર છે તેનાથી કરવામાં આવતી ફોટોગ્રાફી બેસ્ટ અને કલેરિટી લોંગ ટાઈમ રહે છે. જોકે, ગેટ ટૂ ગેધર હોય કે પછી મેરેજ ફંકશનમાં ગયા હોઈએ ત્યારે મોબાઈલ ફોનથી ફોટો પાડવાનું પસંદ કરું છુ.
આકાશગંગા નું દ્રશ્ય જોતી વેળા કેમેરા નહીં હોવાનો અફસોસ થયો: ડૉ. કલ્પન પટેલ
અડાજણ એરિયામાં રહેતા ડૉ. કલ્પનભાઈ પટેલે જણાવ્યું કે ડેફીનેટલી મોબાઈલ ફોનના જમાના માં કેમેરાથી ફોટોગ્રાફી નો ટ્રેન્ડ ઘટ્યો છે. જોકે, હું છેલ્લાં 20-22 વર્ષથી DSLR કેમેરા જ યુઝ કરું છું. પણ હું ઇન્ડોનેશિયા ગયો હતો ત્યારે ઘણા ફોટો મોબાઈલ ફોનથી પણ કેપ્ચર કર્યા હતા. આ ફોટો મેં આઈ-ફોન મોબાઈલથી પાડયા હતા. ઉતાવળમાં ફોટો લેવાનો હોય ત્યારે મોબાઈલ ફોન યુઝ કરું છું. કેમેરા લઈ જતી વખતે સાથે સ્ટેન્ડ ઉંચકીને લઈ જવું પડે, બે લેન્સ રાખવા પડે એટલે સામાન વધી જાય છે જે અગવડભર્યું લાગે છે. હું લેહ-લદાખ ગયો હતો ત્યારે પેંગીંગ લેક પર મિલકી વે (આકાશગંગા) નું દ્રશ્ય કેપ્ચર કરવા કેમેરા સાથે નહીં લીધો હતો તેનો અફસોસ હજી થાય છે.
આઉટિંગમાં ઇન્સ્ટન્ટ રિઝલ્ટ માટે મોબાઈલ ફોન જ પ્રીફર કરું છું: નેન્સી દલાલ
નેન્સીબેન દલાલે જણાવ્યું કે, હું છેલ્લાં 7-8 વર્ષથી ફોન ફોટોગ્રાફી જ પસંદ કરું છું કારણકે મોબાઈલ ફોન એવી વસ્તુ છે જે હમેશા સાથે જ હોય છે તેના માટે અલગ બેગ રાખવાની જરૂર નથી હોતી. જ્યારે કેમેરાને સાચવવાની જરૂર રહે છે. હવે સ્માર્ટ ફોનથી સેલ્ફી લીધી અને ઇન્સ્ટા કે FB પર ફોટો અપલોડ કરો એટલે લોકોને ખબર પડી જાય કે આપણે મસૂરીમાં છીએ કે આસામ કે રાજસ્થાન. મોબાઈલ ફોનમાં ઇસ્ટન્ટ રિઝલ્ટ મળતું હોવાથી મોબાઈલ ફોન સારો લાગે છે. આઈ-ફોનમાં ફોટોની ક્લેરિટી સારી હોય છે. મોબાઈલ ફોનથી ફોટો લઈએ અને તે સારો નહીં લાગે તો તરત ડીલીટ કરી શકીએ છીએ. અમે હમણાં જ ઈગતપુરી, મસૂરી અને ગોવા ગયા હતાં ત્યારે ફોટો માટે મોબાઈલ ફોનનો જ ઉપયોગ કર્યો હતો.