જૈન ધર્મનું મુખ્ય સૂત્ર છે અહિંસા પરમો ધર્મ. ધાર્મિક, આધ્યાત્મિક અને અહિંસા જેવા ઉચ્ચ ધ્યેયનું જ્ઞાન પ્રદાન કરતા જૈન ધર્મમાં જીવનનાં મૂલ્યોની મહત્તા સમજાવતાં અનેક જૈન મુનિઓ થઈ ગયા. એવા જ એક માત્ર 7 વર્ષની વયે પૂર્વજન્મનું જ્ઞાન પામેલા જૈન કવિ, તત્ત્વચિંતક, અધ્યાત્મમૂર્તિ, વિદ્વાન અને સમાજસુધારક શ્રીમદ્ રાજચંદ્રને થોડા નજીકથી ઓળખવાનો આજે અહીં એક પ્રયાસ છે. મોરબી પાસેના વવાણિયા ગામના વૈષ્ણવ વણિક રવજીભાઈ મહેતાને ત્યાં 11 નવેમ્બર-1867ના રોજ જન્મેલ લક્ષ્મીનંદન નામનો બાળક બાળપણથી તેજ દિમાગનો અને ચપળ હતો.
ઘરમાં ધાર્મિક વાતાવરણમાં ઉછરેલ લક્ષ્મીનંદનની માતા દેવબાઈ શ્વેતાંબર સ્થાનકવાસી જૈન પરિવારમાંથી આવેલા એટલે જૈન અને હિન્દુ બંને ધર્મસંસ્કૃતિનું જ્ઞાન સંસ્કાર સાથે જ વારસામાં મળ્યું હતું. 4 વર્ષની ઉંમરે તેનું નામ માતા-પિતાએ બદલીને રાયચંદ રાખ્યું હતું. પછીથી આ નામ પણ સંસ્કૃત અર્થપર્યાય સાથે રાજચંદ્રમાં પરિવર્તિત થયું હતું. 7 વર્ષની વયે રાજચંદ્રને પૂર્વજન્મનું જ્ઞાન થયું હોવાનું કહેવાય છે. માત્ર 8 વર્ષે બાળકો અક્ષરજ્ઞાન મેળવતા માંડ થાય છે તે ઉંમરમાં રાજચંદ્રે કવિતા લખવાનો પ્રારંભ કર્યો હતો. 9 વર્ષની ઉંમરે રામાયણ અને મહાભારત જેવા મહાકાવ્યોને સંક્ષિપ્ત પદોમાં લખ્યાં હતાં. અભ્યાસની સાથે 12 થી 16 વર્ષની ઉંમરે આધ્યાત્મિક લેખો અને પુસ્તકોનુ સર્જન કર્યું.
ઈ.સ. 1888માં શ્રીમદ્ રાજચંદ્રજીના લગ્ન ઝબકબાઈ સાથે થયા હતા. પરિવારમાં બે પુત્ર અને પુત્રી સાથે રહેતા રાજચંદ્રજીને તેના સસરા મુંબઈ ઝવેરાતના ધંધામાં સેટ કરવા ઈચ્છતા હતા પણ ધર્મ અને અધ્યાત્મને માર્ગે વળેલા મનને સમજાવવું અઘરું હતું. 1890માં ઉત્તરસંડા ખાતે તેઓ તળાવકાંઠે આંબાના વૃક્ષ નીચે ધ્યાન ધરી બેઠા હતા ત્યારે તેમને પ્રથમ વખત આત્મસાક્ષાત્કારનો અનુભવ થયો હતો. વર્તમાનમાં આ જગ્યાએ એ વૃક્ષ તો નથી પણ ઘટનાના સાક્ષીરૂપ એક સ્મારક મંદિર બનાવવામાં આવ્યું છે.
ઘરગૃહસ્થી સાથે વ્યવસાયમાં પણ સફળતા મળી પણ ધર્મ અને આધ્યાત્મિકતા તરફનો ઝુકાવ સમાજસુધારણા અને ધર્મ વિશે ઘણું બધું લખવાને પ્રેરિત કરતો હતો. બધા જ ધર્મનો એમણે ગૂઢ અભ્યાસ કર્યો હતો. અંતે જૈન ધર્મના અહિંસાના સિધ્ધાંત પ્રત્યે આકર્ષાયા હતા. મોક્ષનો શ્રેષ્ઠ માર્ગ જૈન ધર્મ દર્શાવે છે એવી લાગણીથી જૈન ધર્મને અંગીકાર કર્યો.મહાત્મા ગાંધીના આધ્યાત્મિક માર્ગદર્શક તરીકે શ્રીમદ્ રાજચંદ્ર ખૂબ જાણીતા છે. તે બંનેનો પરિચય સને-1891માં મુંબઈમાં થયો હતો. ગાંધીજી દક્ષિણ આફ્રિકા ગયા પછી પણ બંને વચ્ચે આધ્યાત્મિક પત્રવ્યવહાર ચાલુ રહ્યો હતો.
ગાંધીજી ‘મારા સત્યના પ્રયોગો’ પુસ્તકમાં નોંધે છે કે શ્રીમદ્ રાજચંદ્ર મારા માર્ગદર્શક અને સહાયક તથા આધ્યાત્મિક સંશયોમાં આશ્રયરૂપ બન્યા હતા. ગાંધીજીની અહિંસાવાદી વિચારસરણી શ્રીમદ્ રાજચંદ્રની પ્રેરણા હતી. શ્રીમદ્ રાજચંદ્રજીના આધ્યાત્મિક જ્ઞાનની પ્રશંસાથી પ્રભાવિત ઘણા અનુયાયીઓ બની ગયા. સત્સંગ અને ધર્મપ્રચાર સૌનો ઉધ્ધારક છે એવું સમજી શ્રીમદ્ રાજચંદ્રજી માત્ર 30 વર્ષની વયે ગૃહસ્થીજીવન અને વ્યવસાયમાંથી નિવૃત્ત થઈ ગયા.
ઈડરમાં તેમણે ત્રણેક મહિના ગાળ્યા જ્યાં પુઢવી શિલા અને સિધ્ધશિલા પર બેસીને 7 જૈનમુનિઓને ધર્મોપદેશ આપ્યો હતો. આ સ્થળે સ્મારકમંદિર અને વિહારભવન બનાવવામાં આવ્યા છે. ઈ.સ. 1900માં તેમનું વજન ખૂબ ઘટી ગયું હતું. દ.ગુજરાતના ધરમપુરમાં રોકાણ દરમ્યાન પેટનો અસાધ્ય રોગ લાગુ પડયો જેમાંથી તે ક્યારેય સારા ના થઈ શક્યા. 1901માં અમદાવાદ, વઢવાણમાં રોકાણ કરી તેઓ રાજકોટ પહોંચ્યા. 9મી એપ્રિલ 1901માં મિત્રો, અનુયાયીઓ અને પરિવારજનો વચ્ચે રાજકોટના નર્મદા મેન્શનમાં તેમણે દેહત્યાગ કર્યો. આ સ્થળ પણ શ્રીમદ્ રાજચંદ્ર સમાધિ ભવનરૂપે જાળવવામાં આવ્યું છે. માત્ર 33 વર્ષનું ટૂંકું પણ પ્રેરણાદાયી જીવન જીવીને શ્રીમદ્ રાજચંદ્રએ ધર્મ અને અધ્યાત્મમાં અદભુત યોગદાન આપ્યું છે.
શ્રીમદ રાજચંદ્રની સાહિત્ય સફરમાં સ્ત્રીનીતિ બોધકમાં સ્ત્રી કેળવણી વિશે વિશેષ ભાર મૂક્યો છે. સદ્ધોધશતકમાં તેમની નીતિવિષયક વિચારધારાનું પ્રતિબિંબ છે. મોક્ષમાળા નામનો ગ્રંથ તરુણવર્ગ પણ સરળતાથી સમજી શકે એટલો જૈન ધર્મ અને મોક્ષનું નિરુપણ કરાવે છે. મોક્ષમાળા ગ્રંથના પ્રકાશનમાં વિલંબ થયો એટલે ભાવનાબોધ નામની 50 પાનાંની પુસ્તિકાની રચના કરી જેમાં વૈરાગ્યમય જીવન જીવવાની 12 ભાવના કેળવવાની સમજ આપી છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચાર પુરુષાર્થનું સ્વરૂપ સમજાવતી 5000 શ્લોકની ‘નમિરાજ’ની પણ રચના કરી હતી.
સરળ ગુજરાતી ભાષામાં દોહરા-છંદમાં રચાયેલા 142 ગાથાના આત્મસિધ્ધિ ગ્રંથમાં આત્માના ષટ્પદ 6 મૂળભૂત સત્યોને પ્રકાશિત કર્યા છે. આ ‘આત્મસિધ્ધિ’ ગ્રંથ અનુયાયીઓને ખૂબ પ્રિય છે. તેમણે 29 વર્ષની ઉંમરે નડિયાદ ખાતે તા.22 ઓક્ટોબર 1896ની એક રાતે એક જ બેઠકે 142 ગાથાના આ કાવ્યગ્રંથની રચના ફાનસના અજવાળે કરી હતી. તેમની આધ્યાત્મિક યાત્રાના 900 જેટલા લખેલ પત્રો અનુયાયીઓ માટે બોધવાચક પુરવાર થયા છે. શ્રીમદ્ની જીવનસિધ્ધિ નામના પુસ્તકમાં શ્રીમદ્ રાજચંદ્રના 135 ગ્રંથોની યાદી આપી છે. ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય, આધ્યાત્મ, યોગસાધના જેવા વિષયો પરનું શ્રીમદ્જીનું ગદ્ય-પદ્ય સાહિત્ય અન્ય અનેક ભાષાઓમાં પણ ટ્રાન્સલેટ થયું છે.
શ્રીમદ્ રાજચંદ્રજીના નામ સાથે જોડાયેલ લગભગ 53 જેટલી સંસ્થાઓ ગુજરાતમાં સક્રિય છે. રાજકોટ, મોરબી, ઇડર, અમદાવાદ, સાયલા, બાંધણી, ખંભાત, સીમરડા, કાવિઠા, ઘાટકોપર, કોબા, અગાસ તેમજ ધરમપુર જેવા સ્થળોએ શ્રીમદ્ રાજચંદ્રજીના ઉપદેશને અનુસરી સંસ્થાઓ ધર્મપ્રચાર કાર્ય કરી રહી છે. દ.ગુજરાતના ધરમપુર ખાતે શ્રીમદ્ રાજચંદ્ર મિશન ખૂબ જ પ્રશંસનીય કાર્ય કરી રહ્યું છે. અહીં 223 એકરમાં પથરાયેલાં આધ્યાત્મિક અભયારણ્યમાં શ્રીમદ્ રાજચંદ્રની 35 ફૂટ ઊંચી બેઠેલી પ્રતિમા સાથે ભવ્ય જૈન મંદિર નિર્માણ પામ્યું છે. એક લાખ સ્કવેર ફૂટમાં નાગર શૈલીમાં નિર્માણ થયેલ આ જૈન મંદિર 108 સ્થંભ પર ઊભું છે. 5 શિખર ધરાવતા આ જૈન મંદિરમાં 2500 માણસો બેસી શકે તેવો ભવ્ય સભામંડપ છે. નીચે બેઝમેન્ટમાં 500 સાધકો યોગસાધના કરી શકે તેવા ધ્યાન કેન્દ્રમાં પણ શ્રીમદ્ રાજચંદ્રની પ્રતિમા પ્રસ્થાપિત કરાઇ છે.
અદ્ભુત કોતરણીવાળા આરસપહાણમાંથી નિર્મિત ભવ્ય જૈન મંદિરના દર્શને હજારો લોકો આવે છે. રહેવાની સગવડ અને 10 હજાર માણસો પ્રસાદ લઇ શકે તેવા વિશાળ ભોજનાલય સાથે અહીં બાગ-બગીચા અને બાળકોને ખેલકૂદના સાધનોની સુવિધા છે. શ્રીમદ્ રાજચંદ્ર મિશન દ્વારા આજે વિશ્વભરમાં 196 મિશન કેન્દ્ર, 89 યુવાકેન્દ્ર, 251 બાળકેન્દ્ર અને 108 જેટલા સેવાકેન્દ્ર કાર્યરત છે. જયારે પણ અનુકૂળતા મળે ત્યારે ધરમપુર ખાતેના આ શ્રીમદ્ રાજચંદ્ર મિશનના આધ્યાત્મ કેન્દ્ર સમા જૈન મંદિરની જરૂર મુલાકાત લેજો. સેવા, ધર્મ અને અધ્યાત્મ પ્રત્યેની આપણી લાગણી, ભાવનાઓ વધુ પ્રબળ અને મજબૂત થશે.