નવસારી: (Navsari) નવસારીના 3 પીએચસી (PHC) પર વેક્સિન લેવા માટે લોકોનો ધસારો થઇ રહયો હોવાથી ત્યાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. નવસારી જિલ્લાના અર્બન હેલ્થ સેન્ટર, પીએચસી અને સીએચસી હોસ્પિટલોમાં વેક્સિન લેવા માટે લોકોની લાંબી લાઇનો લાગી રહી છે. જિલ્લામાં વેક્સિનના (Vaccine) ડોઝ ઓછા આવી રહયા હોવાથી લોકો વેક્સિન લેવા માટે પડાપડી કરી રહયા છે. નવસારી પીએચસી સેન્ટરો પર કોરોના ટેસ્ટીંગ કરાવવા અને વેક્સિન લેવા માટે આવતા હોય છે. એક જ જગ્યાએ 100થી વધુ લોકો ભેગા થઇ જતા હોવાથી સોશ્યલ ડિસ્ટન્સીંગનો ભંગ થઇ થાય છે. જેને પગલે તંત્ર દ્વારા પોલીસ (Police) બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.
નવસારીમાં ધેલખડી પીએચસી, પુષ્પક સોસાયટી ખાતેની પીએચસી અને રમાબેન હોસ્પિટલ પાસેની પીએચસી સેન્ટર સૌથી વધુ લાઇનો લાગી રહી હોય છે. એક તરફ વેક્સિનના ડોઝ જેટલા ફાળવ્યા હોય તેના કરતા વધુ લોકો વેક્સિન લેવા ઉમટી પડતા હોય છે. ત્યારે ડોક્ટરો અને મેડીકલ સ્ટાફ સાથે માથાકુટ પણ થતી હોય છે. જેથી જિલ્લા આરોગ્ય વિભાગે નવસારી ટાઉન પોલીસ પાસેથી બંદોબસ્તની માંગણી કરી હતી. જેથી આજથી નવસારીના 3 પીએચસી સેન્ટરો પર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
સોશ્યલ ડિસ્ટન્સીંગનો ભંગ થતો હોવાથી પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો : ડો. મેહુલ ડેલીવાલા
નવસારી : નવસારી જિલ્લા આરોગ્ય વિભાગના અધિકારી ડો. મેહુલ ડેલીવાલાએ જણાવ્યુ હતુ કે, પીએચસી સેન્ટરો પર વેક્સિન લેવા માટે પડાપડી થઇ રહી છે. અને ડોક્ટરો સાથે માથાકુટ પણ થતી હોય છે. તેમજ લોકો સોશ્યલ ડિસ્ટન્સીંગનું પાલન ન કરતા હોવાથી પીએચસી સેન્ટરો પર પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે.
નવસારી સિવિલ હોસ્પિટલની કેસ બારી મોડી ખુલતા દર્દીઓને હાલાકી
નવસારી : સોમવારે નવસારી સિવિલ હોસ્પિટલની કેસ બારી મોડી ખુલતા દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડયો હતો. નવસારી સિવિલ હોસ્પિટલ ગરીબોની જીવાદોરી સમાન છે. જ્યાં હોસ્પિટલમાં જિલ્લાના અલગ-અલગ તાલુકાઓમાંથી દર્દીઓ સારવાર માટે આવતા હોય છે. ઓપીડી બહાર સવારથી જ દર્દીઓની લાઇનો લાગતી હોય છે. સોમવાર ઉધડતો દિવસ હોય છે. ત્યારે સોમવારે ઓપીડી બહાર દર્દીઓની લાંબી લાઇનો લાગતી હોય છે. સોમવારે નવસારી સિવિલ હોસ્પિટલની બહાર દર્દીઓની લાંબી લાઇનો લાગી હતી. પરંતુ ઓપીડીની કેસ બારી સમયસર શરૂ થઇ ન હતી. જેના પગલે લોકોએ ઓપીડી ખુલવાની રાહ જોવી પડી હતી. કેસ બારી ખુલવાનો સમય સવારે 9 વાગ્યેનો હોય છે. પરંતુ આજે કેસ બારી અડધો કલાક મોડી ખુલી હતી. જોકે દર્દીઓનું એવુ કહેવુ છે કે કેસ બારી કોઇ દિવસ સમયસર ખુલતી નથી. ત્યારે સિવિલ સર્જન આ બાબતે પગલા ભરે એ જરૂરી છે.
તપાસ કરાવી લઉં છુ : આરએમઓ
નવસારી : નવસારી સિવિલ હોસ્પિટલના આરએમઓ કિરણ શાહે જણાવ્યુ હતુ કે, ઓપીડી સમયસર ચાલુ થઇ જાય છે. પરંતુ કેસ બારી અડધો કલાક મોડી ખુલે છે તે બાબતે મને નથી ખબર. 5 કે 10 મીનીટ મોડી ખુલે તો તે સમજી શકાય છે. પરંતુ અડધો કલાક મોડી ખુલે છે તો તે બાબતે તપાસ કરાવી લઉં છુ.