Charchapatra

છીછરી મર્દાનગી

તા. 6-04-2026 ના રોજ નેહાબહેન શાહના ચર્ચાપત્રના અનુસંધાનમાં ઝઘડાની ચરમસીમાએ અપશબ્દો બોલાય છે ત્યારે તે માતૃલક્ષી અને ભગિનીલક્ષી હોય છે. સમાજમાં એવાં બગડેલાં સંતાનો (કપૂતો) પણ હોય છે કે જે પોતાની જન્મદાત્રી કે જેણે કેટલીય શારીરિક તકલીફો વેઠીને આ દુનિયામાં અસ્તિત્વ આપ્યું, તેને પણ આવી અસભ્ય ગાળો બોલતાં શરમાતાં નથી. બહેન કે જેણે ભાઈના વિશે શુભ જ ઈચ્છયું હોય તેને પણ ગંદી ગાળો આપી અસભ્ય ભાષા બોલતાં ખંચકાતાં નથી. પોતાની જ પત્નીને ગાળો આપી આવા પુરુષો પોતાની મર્દાનગી બતાવે છે. વળી અસભ્ય ગાળો બોલી આવાં લોકો પોતાને બહુ પાવરફુલ માનતા હોય છે. પણ કુટુંબની જવાબદારી નિભાવવાની મર્દાનગી કે પાવર બતાવાતો નથી. આપણા સભ્ય સમાજે આવા કપૂતોને ઉઘાડા પાડીને સ્ત્રીઓનું સન્માન જળવાય એવા પ્રયત્નો કરવા જોઈએ.
સુરત     – ધારિણી પટેલ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

માસિક ધર્મ અસ્પૃશ્ય નથી જ
કેરળના સબરીમાલા મંદિરમાં પારંપરિક રીતે 10થી 50 વર્ષની મહિલાને પ્રવેશ નિષેધ હતો. કારણ કે મહિનાના ત્રણ દિવસ મહિલા અસ્પૃશ્ય ગણાય અને ચોથે દિવસે એ અછૂતપણું અદૃશ્ય થઇ જાય! વૈજ્ઞાનિક અભિગમની દૃષ્ટિએ માસિક એ માતૃત્વનું પ્રથમ સોપાન ગણી શકાય. જે મહિલા માતા બનવાને યોગ્ય હોય એ મહિલા દર અઠ્ઠાવીસ અથવા ત્રીસ દિવસે ગર્ભબીજ છૂટુ પડતાં માસિકમાં આવે જ એ કુદરતી નિયમ છે. પણ તેથી એ અછૂત નથી થઇ જતી. પ્રાચીન સમયમાં એ દિવસોમાં એને આરામની જરૂર હોય તો એને અલગ ઓરડામાં રાખવામાં આવતી અને ધાર્મિક પ્રક્રિયામાં અલગ રખાતી. પણ હવે વર્તમાન સમયમાં મહિલાઓ તમામ ક્ષેત્રે કાર્યરત હોવાથી માનસિકતામાં બદલાવ જરૂર આવ્યો છે. ઘણાં પરિવારો હજુ એ પરંપરા જાળવી રાખે છે. એ એમની અંગત માન્યતા છે અને એ દિવસો દરમિયાન તમામ મહિલાઓ સમજીને જ મંદિરે કે અન્ય ધાર્મિક સ્થાનોમાં જતી નથી. પણ સબરીમાલામાં દસ વર્ષથી 50 વર્ષની મહિલાને સંપૂર્ણ પ્રવેશ બંધ એ વાત અયોગ્ય! કદાચ 50 વર્ષ પછી મેનોપોઝ આવી જતો હોવાથી ત્યાં પ્રવેશ મહિલાઓ માટે કાયદેસર ગણાતો હશે એવું માની શકાય. માતૃત્વ પ્રત્યેક મહિલાનો ઇચ્છિત જન્મસિધ્ધ હક છે. જે માસિક ધર્મ દ્વારા જ પૂર્ણ થાય છે એમાં અછૂતપણાનો પ્રશ્ન જ નથી.
સુરત     – નેહા શાહ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top