નવી દિલ્હી : દેશમાં છ અઠવાડિયાથી ઓછા સમયમાં પેટ્રોલના ભાવ (petrol price)માં લિટર દીઠ 5.72 રૂપિયાનો અને ડીઝલ (Diesel)ના ભાવમાં 6.25 રૂપિયાના વધારા (prize hike) સાથે દેશભરમાં ઈંધણના ભાવ સર્વાધિક સપાટીએ પહોંચી ગયા છે ત્યારે કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી (petroleum minister) ધર્મેન્દ્ર પ્રધાને (dharmendra pradhan) કહ્યું છે કે હાલ રોગચાળાના સમયમાં ગરીબોને મફત અનાજ વહેંચવા, મફત રસીકરણ માટે સરકારને નાણાની જરૂર છે અને તેથી પેટ્રોલ, ડીઝલ જેવા ઇંધણો પરનો વેરો ઘટાડી શકાય તેમ નથી. આ સાથે તેમણે સંકેત આપી દીધો છે કે નજીકના ભવિષ્યમાં આ ઇંધણો પરના ભાવવધારામાં કોઇ રાહત નહીં મળે.
પેટ્રોલ-ડીઝલમાં ભાવવધારો ઈંધણની આંતરરાષ્ટ્રીય કિંમતો અને કેન્દ્રીય અને રાજ્ય વેરાના સંયોજનના કારણે છે. ઉંચા વેરાને કારણે ઘર આંગણે પેટ્રોલ, ડીઝલના ભાવ ખૂબ વધી જાય છે. છેલ્લા કેટલાક સમયમાં કેન્દ્ર સરકારે આ ઇંધણો પરની એક્સાઇઝ ડ્યુટી અનેક વખત વધારી છે અને આ ઇંધણોમાં કેન્દ્ર અને રાજ્યોના વેરાઓનો મોટો હિસ્સો છે. મહારાજા અગ્રસેન હોસ્પિટલમાં ઇન્દ્રપ્રસ્થ ગેસ લિમિટેડ દ્વારા સ્થાપવામાં આવેલા ઑક્સિજન પ્લાન્ટના ઉદ્ઘાટન માટેના કાર્યક્રમમાં તેમણે જણાવ્યું હતું કે, કોરોના મહામારી સામે લડવા માટેના ખર્ચને પહોંચી વળવા કેન્દ્ર અને રાજ્ય સરકારોએ પેટ્રોલ અને ડીઝલ પરના ટેક્સમાંથી વધારાના નાણાંની જરૂર છે.તેમણે કહ્યું કે, હું સ્વીકારું છું કે ઇંધણના ભાવ ગ્રાહકોને અસર કરે છે. તેમણે ઉમેર્યું હતું કે, સરકાર આ વર્ષે ગરીબોને મફત અનાજ આપવા માટે 1 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કરી રહી છે. આ ઉપરાંત રસીઓ અને હેલ્થકેર માળખા પર પણ નાણાં ખર્ચ કરશે.
કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ઈંધણની કિંમતો અંગે મોદી સરકાર પર વારંવાર કરવામાં આવેલા હુમલાઓ વિશે પૂછતાં પ્રધાને કહ્યું હતું કે, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને પંજાબ (જ્યાં કૉંગ્રેસનું શાસન છે)માં ઈંધણ કેમ મોંઘુ છે? તેમણે કહ્યું કે, જો રાહુલ ગાંધીને ઇંધણના ભાવથી ગરીબને નુકસાન થવાની ચિંતા છે, તો તેમણે કૉંગ્રેસ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓને ટેક્સ ઘટાડવા કહ્યું છે ?પ્રધાને કહ્યું કે, તેમણે ક્યારેય ટેક્સ અંગે રાજકારણ કર્યું નથી. પરંતુ જો કોઈને વધારે ટેક્સનો મુદ્દો ઉઠાવવો હોય તો તેણે પહેલા પોતાનું ઘર ગોઠવવું જોઈએ.
દેશમાં સાત રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો – રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, તેલંગણા, કર્ણાટક અને લદ્દાખમાં પેટ્રોલ 100 રૂપિયા પ્રતિ લિટરના સ્તરને પાર કરી ગયું છે.દેશમાં 4 મેથી પછી પેટ્રોલ-ડીઝલના ભાવમાં 23 વખત વધારો કરવામાં આવ્યો છે. આ સાથે પેટ્રોલ લિટર દીઠ 5.72 રૂપિયા અને ડીઝલ લિટર દીઠ 6.25 રૂપિયા મોંઘું થયું છે. દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ રેકોર્ડ ઊંચાઈ પર પહોંચવાની સાથે ઑઇલ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રવિવારે કહ્યું કે, જો કોંગ્રેસને સામાન્ય માણસ પર ઈંધણના ભાવના બોજની ચિંતા હોય તો રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં કૉંગ્રેસ સરકારોએ ઊંચા વેચાણવેરામાં ઘટાડો કરવો જોઇએ.