નવી દિલ્હી : રાજસ્થાન અને મધ્ય પ્રદેશના કેટલાંક ભાગોમાં પેટ્રોલના ભાવ આજે લિટરે 102 રૂપિયાને પાર ગયા હતા. આજે સતત ચોથા દિવસે પેટ્રોલ અને ડિઝલના ભાવમાં વધારો ઝીંકાયો હતો. પશ્ચિમ બંગાળ જેવા રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીને પગલે બે સપ્તાહ સુધી પેટ્રોલ અને ડિઝલના ભાવ યથાવત રહ્યા હતા.
શુક્રવારે પેટ્રોલના ભાવમાં લિટરે 29 પૈસા અને ડિઝલના ભાવમાં લિટરે 31 પૈસાનો તીવ્ર વધારો કરાયો હતો. આને પગલે દિલ્હીમાં પેટ્રોલના ભાવ લિટરે 91.27 અને ડિઝલના લિટરે રૂ. 81.73 થયા હતા. રાજસ્થાનના શ્રીગંગાનગર જિલ્લામાં પેટ્રોલના ભાવ રૂ. 102.15 થયા હતા. મધ્ય પ્રદેશના અનુપ્પુરમાં પેટ્રોલ હવે લિટરે 101.86 જ્યારે મહારાષ્ટ્રના પરભાણીમાં ભાવ રૂ. 99.95 થયો છે. આ વર્ષે આ બીજી વાર છે કે દેશના અમુક ભાગોમાં પેટ્રોલના ભાવ લિટરે 100ને પાર થયા હોય. ફેબ્રુઆરી મધ્યમાં ભાવ 100ને પાર થયા હતા. વેટ જેવા સ્થાનિક વેરાને લીધે રાજ્યોમાં ઈંધણના ભાવ અલગ અલગ હોય છે.
છેલ્લા ચાર દિવસમાં પેટ્રોલના ભાવમાં લિટરે 88 પૈસા અને ડિઝલના ભાવમાં લિટરે 1નો વધારો થયો છે. આનાથી 24 માર્ચ અને 15 એપ્રિલ વચ્ચે જે નજીવો ઘટાડો થયો હતો એ ધોવાઇ ગયો છે. આ ગાળા દરમ્યાન પેટ્રોલના ભાવમાં લિટરે 74 પૈસા અને ડિઝલમાં 74 પૈસા ઘટ્યા હતા. ક્રુડનો ભાવ બેરલે 70 ડૉલરની આસપાસ છે. કેન્દ્ર સરકાર પેટ્રોલ પર લિટરે 32.90 રૂ. અને ડિઝલ પર લિટરે રૂ. 31.80 એક્સાઇઝ ડ્યુટી વસૂલે છે.