સુરતઃ સુરતના (Surat) પેટ્રોલ પંપો (Petrolpump) પર પણ ‘ડીઝલ નથી’નાં પાટીયા (Board) લાગાડવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ સુરતમાં દૈનિક 60 લાખ લિટર પેટ્રોલ- ડિઝલની જરૂરિયાત ઉભી રહે છે. આ જરૂરિયાત સમયસર પૂરી ન થવાના કારણે વાહનચાલકોએ મુસીબતોનો સામનો કરવો પડી રહ્યો છે. આ સાથે તેઓનો સમયનો પણ વ્યય થતો હોય છે. પેટ્રોલપંપ સંચાલકોનો દાવો છે કે ઓઈલ કંપનીઓ (Oil Company) પૂરતા પ્રમાણમાં પુરવઠો ન પૂરો પાડવાના કારણે ડિઝલનું સંકટ મંડરાઈ રહ્યું છે. આ ઉપરાંત વઘુમાં સંચાલકોએ જણાવ્યું હતું કે તેઓને 21 રૂપિયા પ્રતિ લિટર ખોટ વેઠવી પડી રહી છે.
ચિંતાની જરૂર નથી, પેટ્રોલ-ડીઝલ મળતું રહેશે: ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડીલર્સ
જો કે ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશન પાસેથી મળતી માહિતી મુજબ BPCL, HPCL તરફથી ડીઝલ અને પેટ્રોલની સપ્લાય 30-40% જેટલી ઓછી થઈ છે. વારંવાર રજૂઆત કરવા છતાં પણ પેટ્રોલ, ડીઝલનો પુરવઠો નિયમિત પણે તેમજ યોગ્ય જથ્થામાં મળી રહેતો નથી. પેટ્રોલ પંપ એસોસિએશન પાસેથી મળેલી જાણકારી પેટ્રોલ-ડીઝલની સપ્લાય ઓછી છે પણ તેનાથી ગ્રાહકોએ ગભરાવાની જરૂર નથી તેમજ પેટ્રોલ, ડીઝલ ભરાવવા માટે લાઈનો લગાવવાની જરુર નથી. લોકોને પૂરતા પ્રમાણમાં પેટ્રોલ મળી રહ્યું છે તેમજ આગળ પણ મળતું રહેશે.
પેટ્રોલ પંપોને પૂરતા પ્રમાણમાં પેટ્રોલ- ડીઝલનો જથ્થો નહીં મળતા અછતની મોકાણ સર્જાઇ
ઘેજ : ચીખલી તાલુકામાં પણ પેટ્રોલ -ડીઝલની (Petrol-Diesal) અછતની સમસ્યા સર્જાતા વાહન – ચાલકોને આંટાફેરા કરવાની નોબત આવી છે. જ્યારે વાહન – ચાલકો સહિત ટ્રાન્સપોર્ટ (Transport) ઉદ્યોગને પણ તકલીફ વેઠવાની નોબત આવી છે. ઓઇલ (Oil) ઉત્પાદન કરતી કંપનીઓને (Company) ડીઝલમાં પ્રતિ લિટરે ૧૮ અને પેટ્રોલમાં પ્રતિ લિટરે ૧૦ રૂપિયા જેટલું નુકશાન (Loss) થતું હોય ઓઇલ કંપનીઓએ ઉત્પાદન ઘટાડતા પેટ્રોલ પંપોને (Petrol Pump) પૂરતા પ્રમાણમાં પેટ્રોલ- ડીઝલનો જથ્થો નહીં મળતા અછતની મોકાણ સર્જાઇ હોવાનું જાણવા મળી રહ્યું છે.
ચીખલી તાલુકામાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ, રાજ્ય ધોરીમાર્ગ ઉપર વિવિધ વિસ્તારમાં ૨૦ થી વધુ પેટ્રોલપંપો કાર્યરત છે. પરંતુ પેટ્રોલ-ડીઝલના પુરતા જથ્થાના અભાવે ચીખલીમાં ક્વોરી ઉદ્યોગ અને તેની સાથે કાર્ટિંગ કરતા ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને પણ માઠી અસર ઊભી થાય તેવી સ્થિતિ સર્જાવા પામી છે. ચીખલીના કેટલાક પંપો પર પેટ્રોલ નથી. ડીઝલ નથીના પાટિયા જોવા મળી રહ્યા છે. જેને લઇને પેટ્રોલ-ડીઝલ ભરાવવા વાહનચાલકોએ એક પંપ પરથી બીજા પંપ પર ભટકવાની નોબત આવી છે. જેને લઇને સમય સાથે આર્થિક નુકશાન વેઠવાના દિવસો આવ્યા છે.
જથ્થો આવવામાં વહેલુ મોડુ થયુ છે અછત નથી
નવસારી જિલ્લા પેટ્રોલિયમ ડિલર્સ એસો.ના પ્રમુખ જસ્મીન દેસાઇએ જણાવ્યુ હતુ કે પેટ્રોલ ડીઝલના જથ્થાની અછત નથી. આવવામાં વહેલુ – મોડુ થાય છે. જેને લઇને થોડી ઘણી તકલીફ થતી હોય છે. પેટ્રોલના જથ્થામાં તો કોઇ તકલીફ રહેતી નથી. પરંતુ ડીઝલમાં થોડી-ઘણી તકલીફ પડે છે.
ભરૂચ જિલ્લાના પણ ૧૦૦થી વધુ પેટ્રોલ પંપો પર ઇંધણ ઉપર ૫૦ ટકા કાપ, વાહનચાલકોની કતાર
ભરૂચ: ઇંધણના ભાવો ઘટતાં હવે ભરૂચ શહેર અને જિલ્લામાં પણ વિચિત્ર પરિસ્થિતિની નિર્માણ થયું છે. ઓઇલ કંપનીઓએ પેટ્રોલ પંપો ઉપર જથ્થામાં ૫૦ ટકા કાપ કરતાં વાહનચાલકોની કતારો જોવા મળી રહી છે. સરકારી એસ.ટી. બસો અને ખેડૂતોને પણ ડીઝલનો પૂરતો જથ્થો મેળવવામાં હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. ડીઝલનો ભાવ રૂ.૯૨ આસપાસ છે. જો કે જથ્થાબંધ ડીઝલના ભાવમાં પહેલેથી વધારો ઝીંકાયો હતો. આજની તારીખે જથ્થાબંધ ગ્રાહકો માટે ડીઝલનો ભાવ રૂ.૧૦૦થી ઉપર જ છે. ક્યાંક રૂ.૧૧૭ તો ક્યાંક રૂ.૧૨૫ પણ છે. ST, ફેક્ટરી સંચાલકો, ફિઝરીઝ, અન્ય ઉધોગો જેવા જથ્થાબંધ ગ્રાહકો માટેના ડીઝલના ભાવમાં અસહ્ય વધારો થતાં આ ગ્રાહકોએ કંપની પાસેથી ડીઝલ ખરીદવાનું બંધ કર્યું હતું. તેના બદલે પેટ્રોલ પંપ પરથી ડીઝલ ખરીદવાનું શરૂ કર્યું. આ કારણથી કંપનીઓને ખોટ જવા લાગી. આથી આ ખોટ સરભર કરવા માટે કંપનીઓએ પેટ્રોલ પંપ સંચાલકોના ઉપાડ પર ૫૦ ટકા કાપ મૂકી દીધો છે.
પેટ્રોલિયમ કંપનીઓએ પંપ સંચાલકોને ઉપાડના ૫૦ ટકા ડીઝલનો જથ્થો જ આપવાનો નિર્ણય કર્યો છે. ખાસ કરીને STને ડીઝલ નહીં આપવા તાકીદ કરી છે. આવી સ્થિતિમાં એસ.ટી. પણ સરકારી ડીઝલ ડેપો છોડી ખાનગી પંપો ઉપર વળી છે. બીજી બાજુ વાવણી સમયે ખેડૂતોને ડીઝલનો પૂરતો જથ્થો મળી રહ્યો નથી. પેટ્રોલ-ડીઝલના ભાવો ઘટવા છતાં વાહનચાલકો આવી સ્થિતિને લઈ પરેશાન થઈ રહ્યા છે. પેટ્રોલ પંપ ઉપર ઓછા જથ્થાને લઈ વાહનચાલકોની કતારો લાગી રહી છે. ઓઇલ કંપનીઓની મનમાનીને લઈ પેટ્રોલ પંપ સંચાલકો અને ફિલરોને વાહનચાલકો સાથે રકઝકમાં ઊતરવું પડી રહ્યું છે.