ઇંધણના ભાવો દેશમાં બે દિવસના વિરામ પછી આજે ફરી વધ્યાં હતાં ત્યારે રાષ્ટ્રીય રાજધાનીમાં પેટ્રોલનો ભાવ લિટરે રૂ. ૯૧ની નજીક પહોંચી ગયો હતો અને મુંબઇમાં તો રૂ. ૯૭ને વટાવી ગયો હતો.
પેટ્રોલ અને ડિઝલના ભાવો આજે લિટરે ૩૫-૩૫ પૈસાના દરે વધ્યાં હતાં જેની સાથે તેમની છૂટક કિંમતો ઓલ-ટાઇમ હાઇ લેવલ પર પહોંચી હતી એમ સરકારી માલિકીની ઇંધણની છૂટક વિક્રેતા કંપનીઓનું એક કિંમત જાહેરનામુ આજે જણાવતું હતું. વધારાથી દિલ્હીમાં પેટ્રોલની કિંમતો લિટરે રૂ. ૯૦.૯૩ અને મુંબઇમાં રૂ. ૯૭.૩૪ થઇ ગઇ હતી.
ડિઝલ કે જે દેશમાં સૌથી વધુ વપરાતું ઇંધણ છે તે દિલ્હીમાં રૂ. ૮૧.૩૨ પ્રતિ લિટર અને મુંબઇમાં રૂ. ૮૮.૪૪ પ્રતિ લિટર થઇ ગયું હતું. ૨૧ અને ૨૨ ફેબ્રુઆરી – એમ બે દિવસ માટે પોઝ બટન દબાવાયું તે પહેલા દેશમાં સતત ૧૨ દિવસ સુધી પેટ્રોલ અને ડિઝલની કિંમતો વધી હતી.
દેશમાં ફેબ્રુઆરીમાં પેટ્રોલની કિંમતો લીટર દીઠ રૂ. ૪.૬૩ અને ડીઝલની કિંમતો લિટરે રૂ. ૪.૮૪ વધી છે જ્યારે આ કિંમતો ૨૦૨૧માં અત્યાર સુધીમાં અનુક્રમે રૂ. ૭.૨૨ અને રૂ. ૭.૪૫ પ્રતિ લિટર વધી છે. રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં તો કેટલાક સ્થળે પેટ્રોલની કિંમતો રૂ. ૧૦૦ની સપાટી વટાવી ગઇ છે જે રાજ્યો ઇંધણ પર સૌથી ઉંચા દર વેટ વસૂલે છે.
સ્થાનિક વેરાઓ(વેટ) અને પરિવહન ખર્ચના આધારે આ ઇંધણોની છૂટક કિંમતો રાજ્યે રાજ્યે જુદી રહે છે. આ ઇંધણોના ભાવવધારા અંગે વિપક્ષો મોદી સરકારની ટીકા કરતા રહ્યા છે જે સરકારે ગયા વર્ષે એપ્રિલ અને મે મહિનામાં ઓઇલની વૈશ્વિક કિંમતો જ્યારે બે દાયકાના નીચા સ્તરે પહોંચી હતી ત્યારે તેનો લાભ ઉઠાવવા એક્સાઇઝ ડ્યુટીમાં મોટો વધારો કર્યો હતો પરંતુ હવે વૈશ્વિક કિંમતો વધી છે ત્યારે ડ્યુટીમાં ઘટાડો કરવામાં આવતો નથી.
આંતરરાષ્ટ્રીય બજારમાં ઉછાળા ચાલુ: બ્રેન્ટ ક્રૂડ ૬૬ ડૉલરને પાર
આ ભાવવધારો આંતરરાષ્ટ્રીય બજારમાં ઓઇલની કિંમતોમાં ઉછાળાને પગલે આવ્યો છે જેના પર ભારત પોતાની ક્રૂડ ઓઇલની કુલ જરૂરિયાતના ૮પ ટકા માટે આધાર રાખે છે. બ્રેન્ટ ક્રૂડની સપાટીએ આજે બેરલ દીઠ ૬૬ ડૉલરનો ભાવ વટાવ્યો હતો કારણ કે ટેક્સાસમાં ગયા સપ્તાહે સખત બરફ વર્ષાના કારણે ડીપ ફ્રીઝની સ્થિતિ વચ્ચે ઓઇલનું ઉત્પાદન બંધ થઇ ગયું હતું જે હવે ધીમી ગતિએ શરૂ થયું છે.