સુરત: ટેક્સટાઇલ (Textile) ઉદ્યોગમાં કોલસા (coal ) અને લિગ્નાઇટના (lignite) વપરાશથી વાયુ પ્રદુષણ (Air Pollution) ફેલાવા સાથે નાગરિક આરોગ્ય જોખમાતું હોવાથી બંને ઇંધણ પર પ્રતિબંધની માંગ કરતી રિટ પિટિશન ગુજરાત હાઇકોર્ટમાં (High Court) દાખલ થઈ છે. હાઇકોર્ટે આ મુદ્દે જીપીસીબી સહિત સરકારને નોટિસ ઇસ્યુ કરી વૈકલ્પિક ઇંધણના વપરાશને લઈ ખુલાસો કરવા જણાવ્યું છે. 25 એપ્રિલે પીઆઇએલ 110/2021ની વધુ સુનાવણી 25 એપ્રિલે જસ્ટિશ જેબી.પારડીવાલા અને વૈભવી ડી.નાણાવટીની કોર્ટમાં થશે.
- સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગ વતી ચેમ્બર કન્ફર્મિંગ પાર્ટી તરીકે જોડાઈ, 25મીએ સુનાવણી થશે
- કોલસો અને લિગ્નાઇટ સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગની જરૂરિયાત છે, પ્રતિબંધ મુકાય તો લાખો કારીગરો બેરોજગાર થવાનો ભય: આશિષ ગુજરાતી
આ મામલે સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કૉમર્સ દ્વારા એડવોકેટ પ્રકાશ શાહને રોકી કન્ફર્મિંગ પાર્ટી તરીકે જોડાવા અરજી નોંધાવી છે એ અંગે 25મીએ કોર્ટ નિર્ણય લેશે. ચેમ્બરના પ્રમુખ આશિષ ગુજરાતીએ જણાવ્યું હતું કે, કોલસો અને લિગ્નાઇટ સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગની જરૂરિયાત છે. જો એના પર પ્રતિબંધ મુકાય તો લાખો કારીગરો બેરોજગાર થવાનો ભય ઉપસ્થિત થશે. કોલસો અને લિગ્નાઇટનો યોગ્ય અને વ્યાજબી વિકલ્પ આપ્યા વિના તેનો ઉપયોગ કરતા ઉદ્યોગકારોને અટકાવવા ન જોઇએ. સુરત ટેક્સટાઇલ કલસ્ટરમાં 400 કાપડ મિલો આવી છે. આ મિલો દિવસમાં 3 શિફ્ટ પ્રમાણે મિલ દીઠ 800 લોકોને રોજગારી આપે છે. અન્ય એકમો પણ કોલસા અને લિગ્નાઇટનો વપરાશ કરે છે. એ મુજબ જો કોઈ બાધ ઊભો થાય તો હજારો કામદારો રોજગારી ગુમાવી શકે છે. આ ઉદ્યોગ વર્ષે કરોડોનું વિદેશી હૂંડિયામણ રળી આપે છે.
કોલસો અને લિગ્નાઇટના ઔદ્યોગિક વપરાશ પર પ્રતિબંધ મુકવામાં આવે તો સુરતના ડાઇંગ, પ્રોસેસિંગ, કેમિકલ એકમોને મોટું નુકસાન થઈ શકે છે. જીપીસીબીના સૂત્રોના જણાવ્યાં મુજબ સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગમાં પોલ્યુશન ઓછું કરવા જીપીસીબી અને સાઉથ ગુજરાત ટેક્સટાઇલ પ્રોસેસર્સ એસોસિએશન અને પાંડેસરા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા એમિશન ટ્રેડિંગ સ્કીમ 324 એકમોમાં અમલી બનાવવામાં આવી છે. એને લીધે પાર્ટિકલ્સનું 18 ટકા સુધી પ્રદુષણ ઘટ્યું છે. ભારતમાં આ પ્રથમ પ્રોજેકટ સુરતમાં ચાલી રહ્યો છે. જેને વિખ્યાત સ્કોચ ગોલ્ડ એવોર્ડ પણ જીપીસીબીને એનાયત કરવામાં આવ્યો છે.