આણંદ : પેટલાદ સ્થિત એસએસજી હોસ્પિટલમાં ડોક્ટરની ટીમ દ્વારા લેપ્રોટોમી દ્વારા મહિલાના ગર્ભાશયમાંથી બે કિલોથી વધુની ગાંઠનું સફળ ઓપરેશન કરી નવજીવન બક્ષવામાં આવ્યું છે. સરકારી હોસ્પિટલમાં ઉમદા અને શ્રેષ્ઠ સારવારનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડવામાં આવ્યું છે. બોરસદ તાલુકાના બોદાલની 44 વર્ષીય મહિલા એસ.એસ.હોસ્પિટલ, પેટલાદમાં ગર્ભાશયની ગાંઠના ઓપરેશન માટે આવ્યા હતા. આ મહિલાને બે ચાર મહિનાથી માસિક આવવાની તકલીફ હોવાથી તેઓ પહેલા બોરસદની ખાનગી હોસ્પિટલ ત્યાંથી તેઓ અન્ય ખાનગી હોસ્પિટલમા સારવાર માટે ગયા હતા.
પરંતુ દર્દીને સંતોષકારક સારવાર ન મળવાને કારણે આ મહિલા દર્દી સરકારી હોસ્પિટલ,પેટલાદમાં દાખલ થયા હતા. દર્દીના લોહીની ટકાવારી ખુબ જ ઓછી હોવાથી હોસ્પિટલના નિષ્ણાત તબીબોના માર્ગદર્શન હેઠળ લોહીની ચાર બોટલ ચઢાવીને તેમને રજા આપ્યા બાદ ફરીથી જોખમી ગર્ભાશયની ગાંઠના ઓપરેશન માટે દાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં ડૉ. નિમીત એસ. કુબાવત તથા તેમની ટીમ દ્વારા લેપ્રોટોમી દ્રારા 2.200 કિલોગ્રામ ગર્ભાશયની ગાંઠનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું હતું. જે પૂર્ણ થતા દર્દીને રાહતનો અનુભવ થયો હતો.
આ મહિલા દર્દીનું વિનામૂલ્યે ઓપરેશન કરવામાં આવ્યું છે, તેમની સારી સારવાર કરવામાં આવી છે અને તેમને પીએમજય યોજના હેઠળનું કાર્ડ પણ તાત્કાલિક કાઢી આપવામાં આવ્યું હતું. આ કામગીરી સિવિલ હોસ્પિટલ પેટલાદના ઇન્ચાર્જ સિવિલ સર્જન ડો. નિમિત કુબાવત અને તેમની ટીમ દ્વારા કરવામાં આવી હતી. દર્દી અને તેમનો પરિવાર ડોક્ટર અને સિવિલ હોસ્પિટલની ટીમની કામગીરીથી ખૂબ જ ખુશ છે અને વિનામૂલ્યે લાભ મળવાથી આભાર માની રહ્યા છે.