સ્ટ્રીટ ડોગ બાદ હવે પાલતું ડોગ દ્વારા હુમલાની ઘટના સામે આવી છે. સુરતના પર્વત પાટિયા વિસ્તારની એક સોસાયટીમાં પાલતું જર્મન શેફર્ડ ડોગે સાત વર્ષના બાળક પર જીવલેણ હુમલો કર્યો હોવાની ઘટના બની છે. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં ફરતા થયા છે. ડોગ બાઈટના લીધે બાળકને ગંભીર ઈજા થઈ છે. તેને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરાયો છે.
બીજી તરફ પાલતું ડોગના માલિક ટીચર અને તેના દીકરાએ બાળકના પરિવારને ધમકી આપી હોવાની વિગતો સપાટી પર આવી છે. તેથી પીડિત બાળકના પરિવારે પાલતુ ડોગના માલિક વિરુદ્ધ પુણા પોલીસ અને મ્યુનિસિપલ કમિશનર તથા આરોગ્ય અધિકારીને અરજી આપી છે.
- સુરતના પર્વત પાટિયા વિસ્તારની ઘટના, રૂદ્રમણી સોસાયટીમાં પાલતું ડોગનો બાળક પર હુમલો
- ગંભીર રીતે ઘાયલ બાળક હોસ્પિટલમાં દાખલ, જાણીજોઈને હુમલો કરાવાયો હોવાનો પરિવારજનોનો આક્ષેપ
- પીડિત બાળકના પરિવારે પુણા પોલીસ સ્ટેશન, પાલિકા કમિશનર અને આરોગ્ય અધિકારીને અરજી કરી
- પાલતુ શ્વાનના માલિક ધમકી આપતા હોવાનો અરજીમાં ઉલ્લેખ
- જ્યાં ફરિયાદ કરવી હોય ત્યાં કરો કોઈ અમારું કશું ઉખેડી નહીં શકે , કોર્ટમાં બધાને જોઈ લઈશ તેવી ધમકી આપી
પર્વત પાટિયા વિસ્તારમાં આવેલી રૂદ્રમણી સોસાયટીમાં ગંભીર ઘટના બની છે. અહીં પાલતુ જર્મન શેફર્ડ ડોગે 7 વર્ષના બાળક પર હુમલો કરી તેને ગંભીર રીતે ઘાયલ કર્યો છે. બાળકને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયો છે. બાળકના પરિવારે હુમલા માટે પાલતુ ડોગના માલિક પર આક્ષેપ કર્યા છે. પીડિત બાળકના પરિવારનો આરોપ છે કે જાણી જોઈને ડોગને હુમલો કરવા ઉશ્કેરવામાં આવ્યો હતો. આ મામલે પીડિતના પરિવારે પોલીસ અને પાલિકા કમિશનરને લેખિતમાં અરજી કરી છે.
અરજીમાં લખ્યું છે કે પાલતુ ડોગના માલિકે ધમકી આપતા કહ્યું હતું કે, તમે અમારું કંઈ ઉખેડી નહીં શકો, અમારો કૂતરો આજ રીતે ફરશે. ઘટનાને નજરે જોનારાઓએ કહ્યું કે, કૂતરો બાળક પર હતો અને બાળક રડી રહ્યું હતું. માંડ બાળકનો જીવ બચ્યો છે. આ મોટું બાળક હતું, જો નાનું બાળક હોત તો તે મરી જતે..
પીડિત બાળકના પરિવારે આ મામલે પુણા પોલીસ સ્ટેશન, પાલિકા કમિશનર અને આરોગ્ય અધિકારીને લેખિત અરજી કરી કાયદેસરની કાર્યવાહીની માંગ કરી છે.
શું ઘટના બની?
સુનિતા મનોજ ગોદારા (રહે. રૂદ્રમણી એવન્યુ, પર્વત પાટિયા, સુરત) એ પુણા પોલીસ, પાલિકા કમિશનરને ફરિયાદમાં કહ્યું કે, ગઈ તા. 19 સપ્ટેમ્બર 2025ના રોજ સાંજે 6 વાગ્યાની આસપાસ મારો 7 વર્ષનો દીકરો સોસાયટીમાં રમતો હતો. ત્યારે અરવિંદ ગોસ્વામીની પત્ની તેના પાલતુ ડોગને મારા દીકરા પર હુમલો કરવા લાવી હતી. કૂતરાએ મારા દીકરાને બાચકાં ભરતા તે ઘાયલ થયો હતો. આખી સોસાયટી ભેગી થઈ ગઈ હતી. મારા સંબંધી સાથે હું દીકરાને ખાનગી હોસ્પિટલમાં લઈ ગઈ હતી.
સોસાયટીના લોકોએ હુમલાની ઘટના મામલે વિરોધ કર્યો ત્યારે આરોપી શ્વાનના માલિકે કહ્યું, જ્યાં ફરિયાદ કરવી હોય ત્યાં કરો. કોઈ અમારું કશું ઉખેડી શકે નહીં. અમારો કૂતરો અહીં આ રીતે જ ફરશે.
ઘટનાને નજરે જોનારે શું કહ્યું..
આ ઘટનાને નજરે જોનાર સુમિત્રા રાજપુરોહિતે કહ્યું કે, હું બાંકડા પર બેઠી હતી ત્યારે બૂમો સંભળાઈ. જઈને જોયું તો છોકરો નીચે સૂતેલો હતો અને તેના ઉપર કૂતરો હતો. છોકરાને બહુ ખરાબ રીતે કૂતરો લોટપોટ કરી રહ્યો હતો. ટીચર ખેંચતી હતી અને હટાવી રહી હતી. છોકરો રડી રહ્યો હતો. કૂતરો ભસી રહ્યો હતો. થોડીવાર પછી કૂતરાને માંડ હટાવ્યો. કૂતરો ભાગી ગયો અને છોકરો દોડીને અમારી પાસે આવ્યો.