SURAT

મેરેજ ફંકશનમાં પણ મહિલાઓ સેફ નથી!, લેડિઝ ટોઈલેટમાં ઘુસી વીડિયો રેકોર્ડ કરતો યુવક પકડાયો

સુરતઃ લગ્નની સિઝન ચાલી રહી છે. પાર્ટી પ્લોટ, ફાર્મ, હોલમાં લગ્નોના ધામધૂમપૂર્વક આયોજન થઈ રહ્યાં છે. મહિલાઓ પાર્ટી પ્લોટ, હોલમાં તૈયાર થતી હોય છે, પરંતુ જાણીને આઘાત લાગશે કે લગ્ન પ્રસંગોમાં પણ મહિલાઓ સુરક્ષિત નથી. સુરત બનેલી ઘટનાએ સભ્ય સમાજ અને પોલીસને પણ ચોંકાવી મુકી છે.

પાર્ટી પ્લોટ ફાર્મમાં યોજાતા કાર્યકર્મોમાં આંખ ઉઘાડતો કિસ્સો સામે આવ્યો છે. શહેરના ઉત્રાણ, મોટા વરાછા, અમરોલી, સરથાણા, અબ્રામા સહિતના વિસ્તારોના પાર્ટી પ્લોટ અને ફાર્મમાં ચાલતા લગ્ન પ્રસંગોમાં લેડીઝ ટોઈલેટમાં ઘુસી જઈ એક મનોવિકૃત મહિલાઓના અશ્લીલ વીડિયો રેકોર્ડ કરતો હતો.

લેડીઝ ટોઈલેટમાં ઘુસી મહિલાઓની જાણ બહાર તેમના વીડિયો રેકોર્ડ કરનાર 25 વર્ષીય મનોવિકૃતને ઉત્રાણ પોલીસે ઝડપી પાડ્યો છે. એક સફાઈ કામદારની સતર્કતાને પગલે તે પકડાયો હતો. આ મનોવિકૃત યુવકનો મોબાઈલ ચેક કરતા તેમાંથી 50થી વધુ વીડિયો મળતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી.

આ રીતે મનોવિકૃત પકડાયો
લગ્નપ્રસંગોમાં જમવા કે ચોરીના ઈરાદે કેટલાં ઈસમો ઘુસી જતા હોય છે. પરંતુ ઉત્રાણ પોલીસે લગ્નપ્રસંગમાં મહિલાઓનો વીડિયો રેકોર્ડ કરતા મનોવિકૃતને પકડ્યો છે. વાત એમ છે કે મોટા વરાછા વિસ્તારના ક્રિષ્ણા ફાર્મમાં લગ્નપ્રસંગના એક કાર્યક્રમ માટે સાંજે 6 વાગ્યાના અરસામાં જમણવાર શરૂ થયો હતો.

લગ્નમાં આમંત્રિત મહેમાનો જમવામાં બિઝી હતા અને ફાર્મનો સફાઈ કામદાર લેડીઝ ટોઈલેટમાં સફાઈ કરવા ગયો હતો. ત્યારે તે સફાઈ કર્મીએ લેડીઝ ટોઈલેટમાંથી એક યુવકને બહાર નીકળતા જોયો હતો. સફાઈ કર્મીએ યુવકને પૂછ્યું કે તે અંદર શું કરતો હતો. પરંતુ તું તારું કામ કર એમ કહી ગાળો દઈ બે તમાચા મારી દીધા હતા. જેથી સફાઈકર્મીએ ફાર્મના સ્ટાફને જાણ કરી હતી.

ફાર્મના સ્ટાફે પકડીને ઉત્રાણ પોલીસને સોંપ્યો
સફાઈકર્મી સાથે ગેરવર્તન કર્યું એટલે ફાર્મનો સ્ટાફ ભેગો થઈ ગયો હતો, ત્યારે યુવકે ભાગવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ફાર્મના સ્ટાફે પકડીને પોલીસને બોલાવી હતી. પોલીસે યુવકની પૂછપરછ કરતા તેનું નામ પૂર્વીલ જગદીશ સભાયા (ઉં.વ. 25, રહે ઈડન ઈમ્પિરીયા, ગોપીન ગામ રોડ, મોટા વરાછા) હોવાનું જાણવા મળ્યું હતું.

સફાઈ કામદારે શંકા વ્યક્ત કરતા પોલીસે પૂર્વીલનો મોબાઈલ ચેક કર્યો હતો. પૂર્વીલના મોબાઈલમાં વીડિયો જોઈ પોલીસ ચોંકી ઉઠી હતી. તેના મોબઈલમાં 50થી વધુ વીડિયો મળી આવ્યા હતા. પોલીસે વોટર પ્યુરિફાયર રિપેરિંગનું કામ કરતા પૂર્વીલ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તેનો ફોન એફએસએલમાં મોકલી આપ્યો છે.

પૂર્વીલે પોલીસ સમક્ષ કબૂલાત કરી
પોલીસ પૂછપરછમાં પૂર્વીલે કહ્યું કે તે પોતે ફાર્મમાં લગ્ન પ્રસંગમાં લેડીઝ ટોઈલેટમાં છુપાઈ જતો હતો. મહિલાઓના વીડિયો ઉતારતો હતો. આ રીતે તે પોતાની મનોવિકૃતિ સંતોષતો હતો. પોલીસ હવે એ તપાસી રહી છે કે આ વીડિયો પૂર્વીલે વાઈરલ કર્યા છે કે નહીં. તે માટે પૂર્વીલનો મોબાઈલ એફએસએલમાં મોકલાયો છે.

Most Popular

To Top