Charchapatra

કર્મચારીઅનામત દળ

દેશમાં સમયાંતરે ચૂંટણીવિષયક, વસ્તીગણતરી વિષયકની કામગીરી નિયમિત ચાલુ રહે છે. આ SIRની કામગીરી ખૂબ જ મહત્ત્વની છે. BLO તથા અન્ય અધિકારી પણ રાતદિવસ તનતોડ મહેનત કરીને ફરજ બજાવી રહ્યાં છે, જે અભિનંદનને પાત્ર છે. પરંતુ શાળાના શિક્ષણકાર્ય પર અસર થઇ રહી છે. SIRની કામગીરી તમામ કર્મચારી ખંતથી જવાબદારીપૂર્વક મતદારોની મુલાકાત લઇને જરૂરી ફોર્મ ભરે છે. પરંતુ તાજેતરમાં કેટલાક BLOના થતા દુ:ખદ અવસાન અંગે પણ થોડી ગંભીર વિચારણા કરવાનો સમય આવી ગયો છે. આ બાબતમાં એક સૂચન રજૂ કરું છું. જેમકે દેશ અને રાજયમાં કાયદો વ્યવસ્થાની વધુ જાળવણી માટે પોલીસ ખાતાને મદદરૂપ થવા માટે કુમક તૈનાત કરવામાં આવે છે. એવું જ કર્મચારી અનામત દળ (સ્ટેટ સર્વન્ટ રિઝર્વ ફોર્સ SSRF) તથા કેન્દ્રીય કર્મચારી અનામત દળ (SRF)ની રચના કરવામાં આવે એમાં દેશમાં યુવાન બેરોજગારને સામેલ કરી વિવિધ વિભાગની ટ્રેનિંગ આપવામાં આવે તો વસ્તીગણતરી, ચૂંટણી કે અન્ય કામગીરી કરી શકે. એમને જરૂરી મહેનતાણું મળે તો આર્થિક રીતે પણ એમને મદદ મળે તથા શિક્ષકો પર કામગીરીનું ભારણ ઓછું થાય અને શિક્ષણની સમસ્યા પણ ન રહે. આ અનામત દળને અન્ય મહેસુલ, આરોગ્ય જેવા વિભાગની પણ હળવી તાલીમથી સજ્જ કરી શકાય અને કર્મચારીની ઘટતી જગ્યાએ સામાન્ય પેપરવર્ક જેવી ફરજ બજાવી શકે. થોડા બેરોજગારી તથા ભરતીના પ્રશ્ન પણ હલ થાય.
સુરત- મગનલાલ એલ. પટેલ

Most Popular

To Top