સુરત: પાંડેસરાની (Pandesara) 10 વર્ષીય બાળકીને પોતાની વાસનાનો શિકાર બનાવનાર ઇસમને આજે સુરત ક્રાઇમ બ્રાન્ચ (Surat Crime Branch) દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો. આરોપી ઇસમ મૂળ યૂપીનો (U.P) વતની અને હાલ વરેલીમાં (Vareli) રહેતો હોવાનું સામે આવ્યું છે. આરોપી પાંડેસરામાં પોતાના મિત્રને (Friend) મળવા આવ્યો હતો. પરંતુ મિત્ર ન મળતા અને બાળકી ઉપર નજર પડતા તેની દાનત બગળી હતી. તેમજ તે બાળકીને પોતાના રૂમ ઉપર લઇ ગયો હતો.
પ્રપ્ત વિગતો મુજબ વરેલીનો રહેવાસી જયસિંગ રામેશ્વરસિંગ પ્રજાપતિ પાંડેસરામાં પોતાના મિત્રને મળવા આવ્યો હતો. દરમિયાન નજીકમાં જ ઘર આંગણે રમતી બાળકી ઉપર તેની નજર પડી હતી. ત્યાર બાદ તેની દાનત બગળતા તે બાળકીને ચપ્પલ અપાવવાની લાલચે પોતાની સાથે લઇ ગયો હતો. તેમજ ચપ્પલ અપાવ્યા બાદ પોતાના વરેલી સ્થિત રૂમમાં લઇ જઇ આખી રાત દુષ્કર્મ આચરતો રહ્યો. સવાર થતાં જ બાળકીને 600 રુપિયા આપી રિક્ષામાં બેસાડી સુરત મોકલી આપી હતી. જે સીવીલ હોસ્પીટલ નજીક આવેલા કડીવાલા ચાર રસ્તા પાસેથી પોલીસને મળી હતી. ત્યાર બાદ બાળકી સાથે અનહોની થઇ હોવાની આશંકા થતા જ સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો.
સમગ્ર મામલે પોલીસે જણાવ્યું હતું કે ઘટના શુક્રવારની સાંજે બની હતી. સીવીલ હોસ્પીટલ નજીક આવેલા કડીવાલા ચાર રસ્તા ઉપર એક 10 વર્ષની બાળકી રઝળતી હાલતમાં મળી આવી હતી. તેમજ બાળકી સાથે કંઈ અનહોની થઈ હોવાની આશંકા થતાં જ પોલીસે તબીબી તપાસ કરાવી હતી. જેમાં બાળકી સાથે દુષ્કર્મ થયું હોવાનું બહાર આવ્યું હતું. ત્યાર બાદ પોલીસે અજાણ્યા વિરુદ્ધ ગુનો દાખલ કરી આરોપીની શોધખોળ શરૂ કરી હતી. તેમજ સી.સી.ટી.વી.કેમેરા, ટેકનીકલ વર્ક આઉટ અને હ્યુમન સ્ત્રોત આધારે આરોપીને ઝડપી પાડવાના પ્રયત્નો હાથ ધર્યા હતા.
પરિણામે આજરોજ શનિવારની વહેલી સવારે આરોપી જયસિંગને વરેલી મુકામેથી ઝડપી પાડવામાં આવ્યો હતો. 38 વર્ષીય જયસિંગે પુછપરછ દરમિયાન બાળકી ઉપર દુષ્કર્મ આચર્યુ હોવાની કબુલાત કરી હતી. તેમજ પોતે વીસ વર્ષ પહેલા સુરત રોજગારી અર્થે આવ્યો હોવાનું જણાવ્યું હતું. તેમજ હાલ વરેલી મુકામે આવેલી જે.કે.એન્જીનીયરીંગ કંપનીમાં કામ કરી ગુજરાન ચલાવતો હોવાનું અને કંપનીની ઉપર આવેલા રૂમમાં એકલો રહેતો હોવાનું જણાવ્યું હતું.