કેન્દ્ર સરકારે જે હોસ્પિટલોમાં પુરતુ માળખું હોય તેવી હોસ્પિટલોમાં સૂર્યાસ્ત પછી પણ શબ પરીક્ષણની પ્રક્રિયા કરવાની છૂટ હવે આપી છે. જો કે આમાં હત્યા, આપઘાત, બળાત્કાર, કોહવાઇ ગયેલા મૃતદેહો અને જેમાં કંઇક ખોટું થયું હોવાની શંકા હોય તેવા મૃત્યુઓની બાબતનો અપવાદ રાખવામાં આવ્યો છે. અત્યાર સુધી પોસ્ટ મોર્ટમ એટલે કે શબ પરીક્ષણની ક્રિયા માત્ર દિવસે જ કરી શકાય તેવો નિયમ હતો અને મોટે ભાગે તેનું જડ રીતે પાલન કરવામાં આવતું હતું. ટેકનોલોજીકલ વિકાસ સાથે આ નિયમ હવે એટલો જરૂરી રહ્યો નથી અને તેમાં કેન્દ્ર સરકારે ફેરફાર કર્યો છે તે આવકાર્ય બાબત છે.
આ સોમવારે જ આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેરાત કરવામાં આવી કે હવે આ નિયમમાં ફેરફાર કરવામાં આવે છે અને જ્યાં પુરતી સવલતો હોય તેવી હોસ્પિટલોમાં હવે પોસ્ટ મોર્ટમ રાત્રે પણ કરી શકાશે. જો કે આ જાહેરાત કરતી વખતે પણ મોદી સરકારની ખાસિયત સમાન બની ગયેલ દરેક બાબતમાં કંઇક કટાક્ષનો સૂર રાખવાની અને મોદી સરકારે કેટલું મહત્વનું કામ કર્યું છે તેનો પ્રચાર કરવાની બાબતને અનુસરવામાં આવી! કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ હિન્દીમાં એક ટ્વીટ કરીને કહ્યું કે બ્રિટિશરો દ્વારા અમલમાં મૂકવામાં આવેલ એક સિસ્ટમનો અંત! હવે પોસ્ટ મોર્ટમ ૨૪ કલાકમાં ગમે ત્યારે કરી શકાશે. વડાપ્રધાન મોદીના સુશાસનના વિચારને આગળ વધારતા આરોગ્ય મંત્રાલયે નિર્ણય કર્યો છે કે જ્યાં આ પ્રક્રિયા રાત્રે પણ કરવા માટે સવલત હોય તેવી હોસ્પિટલોમાં પોસ્ટમોર્ટમ સૂર્યાસ્ત પછી પણ કરી શકાશે.
વિવિધ સૂત્રો તરફથી મળેલા સંદર્ભો અને સરકારી પ્રક્રિયાઓનો બોજ લોકોના જીવન પરથી ઘટાડવાની સરકારની પ્રતિબધ્ધતાના ભાગરૂપે કેન્દ્રીય આરોય મંત્રાલયે તરત જ અમલી બને તે રીતે પોસ્ટ મોર્ટમના નિયમોમાં ફેરફાર કર્યો છે અને આ પ્રક્રિયા હવે સૂર્યાસ્ત પછી પણ કરી શકાશે. એમ આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું. આનાથી મૃતકના મિત્રો અને સંબંધીઓને રાહત થશે અને આ નવી પ્રક્રિયાથી અંગદાન અને પ્રત્યારોપણને વેગ મળશે કારણ કે અંગો નિયમ સમય મર્યાદામાં કાઢી શકાશે એમ તેણે વધુમાં જણાવ્યું હતું.
આરોગ્ય મંત્રાલયને આ સંદર્ભમાં થયેલી અનેક રજૂઆતોની ચકાસણી આરોગ્ય સેવાઓના નિર્દેશાલય, કેન્દ્રીય આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલયની એક ટેકનિકલ કમિટિ દ્વારા કરવામાં આવી હતી. હાલમાં કેટલીક સંસ્થાઓ રાત્રે પોસ્ટ મોર્ટમ કરે જ છે અને ઝડપી વિકાસ અને ટેકનોલોજીમાં સુધારા, ખાસ કરીને પોસ્ટ મોર્ટમ માટે જરૂરી લાઇટીંગની વ્યવસ્થા અને માળખાની ઉપલબ્ધતા જોતા હવે હોસ્પિટલોમાં રાત્રે પણ પોસ્ટ મોર્ટમ શક્ય છે એમ મંત્રાલયે જણાવ્યું હતું.
અલબત્ત આપઘાત, હત્યા, બળાત્કાર, કોહવાયેલા મૃતદેહો અને શંકાસ્પદ મૃત્યુના કિસ્સાઓમાં પોસ્ટ મોર્ટમ રાત્રે કરી શકાશે નહીં સિવાય કે તેમાં કોઇ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિનો મુદ્દો હોય એમ મંત્રાલયે જણાવ્યું હતું. રાત્રે કરાયેલા પોસ્ટ મોર્ટમનું વિડીયો રેકર્ડીંગ કરવા જણાવાયું છે જેથી કોઇ શંકા ઉભી કરે તો ભવિષ્યમાં પુરાવા તરીકે તે રેકર્ડીંગ બતાવી શકાય. અહીં એ પણ જોઇ શકાય છે કે હત્યા, આપઘાત, શંકાસ્પદ મૃત્યુ જેવા કેસોમાં હજી પણ પોસ્ટ મોર્ટમ દિવસે જ કરવું પડશે. અને વક્રતા એ છે કે મોટે ભાગે આવા જ કેસોમાં પોસ્ટ મોર્ટમ કરવું પડતું હોય છે. એટલે કે હજી પણ મોટા ભાગના પોસ્ટ મોર્ટમ તો દિવસે જ કરવા પડશે.
અકસ્માતના કેસોમાં કે કોઇ દવાની અસર વગેરેને કારણે મૃત્યુ થયું છે કે કેમ? જેવી બાબતો જાણવા માટે કરવામાં આવતા પોસ્ટ મોર્ટમ રાત્રે કરી શકાશે. આ પોસ્ટ મોર્ટમ રાત્રે એવી જ હોસ્પિટલોમાં કરી શકાશે, જ્યાં પોસ્ટ મોર્ટમ રૂમમાં લાઇટીંગની તથા અન્ય જરૂરી પુરતી સવલતો હોય. એટલે નિયમમાં આ ફેરફાર પછી પણ ઘણા બધા શબ પરીક્ષણો તો હજી પણ દિવસે જ કરવા પડે તેવી પુરી શક્યતા છે. જો કે આમ છતાં, અકસ્માત જેવા કેસોમાં મૃતકોના મૃતદેહોનું રાત્રે પણ પોસ્ટ મોર્ટમ કરી શકાશે તે બાબત આમ પણ દુ:ખમાં મૂકાયેલા તેમના સ્વજનો અને સ્નેહીઓ માટે પરેશાની ઘટાડનારી બની શકે અને તે રીતે જોતા સરકાર દ્વારા આપવામાં આવેલી આ છૂટ આવકાર્ય જ છે.