દર વખતે કેન્દ્રનું બજેટ આવે ત્યારે નિષ્ણાતો તેનું વિશ્લેષણ કરવા બેસી જાય છે. બજેટમાં આ વર્ષની ફિસ્કલ ડિફિસીટ કેટલી હશે? તેની વિગતો આપવામાં આવતી હોય છે, પણ દેશના સામાન્ય નાગરિકને તેમાં ઝાઝી ગતાગમ પડતી નથી. આ વખતના બજેટમાં નાણાંપ્રધાન નિર્મલા સીતારામને જાહેર કર્યું કે વર્ષ ૨૦૨૨-૨૩ માટે ફિસ્કલ ડેફિસીટ જીડીપીના ૬.૪ ટકા જેટલી રહેશે. આ હકીકત આપણને ચોંકાવનારી લાગતી નથી; પણ આપણને કહેવામાં આવે કે સરકારની જાવક અને આવક વચ્ચે ૧૪.૯૫ લાખ કરોડ રૂપિયાની ખાઈ રહેશે, તો આપણને કદાચ પરિસ્થિતિની ગંભીરતા સમજાશે. આપણને એવો વિચાર પણ આવશે કે આ ખાઈ સરકાર કેવી રીતે પૂરશે? તેનો જવાબ મળશે કે સરકાર દેવું કરીને આ ખાઈ પૂરશે, ત્યારે પણ વિચાર આવશે કે આટલું બધું દેવું કરવાને બદલે સરકાર ખર્ચા ઘટાડતી હોય તો કેવું? સરકાર તેમ વિચારતી નથી. સરકારની દલીલ એવી હોય છે કે દેશના વિકાસને વેગ આપવા માટે ફિસ્કલ ડેફિસીટ ચલાવી લેવી જોઈએ.
નાણાં પ્રધાન નિર્મલા સીતારામને વર્ષ ૨૦૨૨-૨૩ નું બજેટ રજૂ કર્યું તેમાં કહ્યું કે, આવતાં વર્ષમાં કેન્દ્ર સરકાર કુલ ૩૯.૪૫ લાખ કરોડ રૂપિયાનો ખર્ચો કરશે; પણ તેની આવક ૨૨.૮૪ લાખ કરોડ રૂપિયાની જ હશે. જો કોઈ પણ ગૃહસ્થ આવકના પ્રમાણમાં આટલો વધુ ખર્ચો કરે તો તેને દેવાળું કાઢવાનો વખત આવે, પણ ભારત સરકારને તેમ કરવું પડતું નથી; કારણ કે ભારતના લોકો તેને જેટલા જોઇએ તેટલા રૂપિયા ઉધાર આપવા તૈયાર હોય છે. દાખલા તરીકે કોઈ મધ્યમ વર્ગના પરિવારની વાર્ષિક આવક ૨૨ લાખ રૂપિયા હોય તો તે વર્ષે ૪૦ લાખ રૂપિયાનો ખર્ચો કરવાની કલ્પના કરે ખરો? તેને દર વર્ષે ૧૮ લાખ ઉધાર આપનારા મળી જાય તો પણ તે તેવી મૂર્ખાઇ કરે ખરો? આપણી સરકાર તેવી મૂર્ખાઇ કરી રહી છે, જેની સજા જનતા મોંઘવારીના રૂપમાં ભોગવી રહી છે. મોંઘવારી વધવાનું મુખ્ય કારણ સરકાર દ્વારા બેફામ કરવામાં આવતા ખર્ચાઓ જ છે.
ફિસ્કલ ડેફિસીટ એટલે સરકારની તમામ પ્રકારની જાવક અને આવક વચ્ચેની ખાઇ, જેને પૂરવા માટે સરકારે નાણાં ઉધાર લેવા પડે છે. સરકારની જે આવક છે તે મુખ્યત્વે કરવેરાના રૂપમાં હોય છે. તેમાં કોર્પોરેટ ટેક્સ, ઇન્કમ ટેક્સ, જીએસટી, કસ્ટમ ડ્યૂટી ઉપરાંત કરવેરા સિવાયની આવકોનો સમાવેશ થાય છે, જેમાં બહારની મદદ, વ્યાજની આવક, ડિવિડન્ડ વગેરે આવે છે. આપણી સરકારનો રૂપિયો ક્યાંથી આવે છે અને ક્યાં જાય છે? તેનું ગણિત સમજીશું તો ખ્યાલ આવશે કે દેશ દેવાળાં તરફ ધસમસી રહ્યો છે. સરકારની આવક જો કુલ ૧૦૦ પૈસાની હોય તો તે પૈકી ૫૮ પૈસા વિવિધ કરવેરાની આવક છે. આ ૫૮ પૈસામાં કોર્પોરેટ ટેક્સ ૧૫ પૈસા, ઇન્કમ ટેક્સ ૧૫ પૈસા, જીએસટી ૧૬ પૈસા, કસ્ટમ ડ્યૂટી ૫ પૈસા અને કેન્દ્રની એક્સાઇઝ ડ્યૂટી ૭ પૈસા હોય છે. જો ખરેખરા રૂપિયાની વાત કરીએ તો ૨૦૨૨-૨૩ ના બજેટ મુજબ ૬ લાખ કરોડ રૂપિયા કોર્પોરેટ ટેક્સની આવક, ૬ લાખ કરોડ રૂપિયા ઇન્કમ ટેક્સ, ૬.૪ લાખ કરોડ રૂપિયા જીએસટી, બે લાખ કરોડ રૂપિયા કસ્ટમ ડ્યૂટી અને ૨.૮ લાખ કરોડ રૂપિયા એક્સાઇઝ ડ્યૂટી હશે. તેની સામે સરકાર દ્વારા ૩૫ ટકા અથવા કુલ ૧૫ લાખ રૂપિયા ઉધાર લેવામાં આવશે. બીજા શબ્દોમાં ઇન્કમ ટેક્સ અને જીએસટી મળીને જેટલી આવક છે, તેના કરતાં પણ સરકાર વધુ રૂપિયા ઉધાર લેશે.
સરકારની આવકનું સરવૈયું કાઢ્યા પછી સરકાર ક્યાં ખર્ચાઓ કરે છે? તે પણ જોઈએ. ૨૦૨૨-૨૩ ના બજેટ મુજબ સરકાર કુલ ૨૨.૮૪ લાખ કરોડ રૂપિયાની આવક સામે ૩૯.૪૫ લાખ કરોડ રૂપિયાનો ખર્ચો કરવાની છે. આ પૈકી ૮ ટકા ખર્ચો સંરક્ષણ પાછળ, ૮ ટકા સબસિડી પાછળ, ૯ ટકા કેન્દ્ર સરકાર દ્વારા પ્રેરિત યોજનાઓ પાછળ, ૧૫ ટકા કેન્દ્ર સરકારની પોતાની યોજનાઓ પાછળ, ૧૦ ટકા નાણાં પંચ પાછળ, ૧૭ ટકા રાજ્યોના હિસ્સા પાછળ અને ૯ ટકા અન્ય ખર્ચાઓ હશે. આ બધાને ટપી જાય તેવો ખર્ચો વ્યાજનો હશે. કેન્દ્ર સરકાર દ્વારા જે દેવું કરવામાં આવ્યું છે, તેનું વ્યાજ ચૂકવવા પાછળ જ ૨૦ ટકા અથવા તો ૮ લાખ રૂપિયા ખર્ચાઇ જાય છે. સરકારની ઇન્કમ ટેક્સની જેટલી આવક છે તેના કરતાં પણ વધુ રકમ વ્યાજ પાછળ ખર્ચાઈ જાય છે. સરકાર દ્વારા વર્ષ ૨૦૨૨-૨૩ દરમિયાન જે ૧૫ લાખ કરોડ રૂપિયા ઉધાર લેવામાં આવશે તેના ૮ લાખ કરોડ રૂપિયા તો વ્યાજ પાછળ જ ખર્ચાઈ જશે. બીજા શબ્દોમાં સરકારે અગાઉ જેટલા રૂપિયા ઉધાર લીધા છે, તેનું વ્યાજ ચૂકવવા વધુ રૂપિયા ઉધાર લેવામાં આવી રહ્યા છે. કેન્દ્ર સરકારની જીએસટીની આવક ૬.૪ લાખ કરોડ રૂપિયા સામે વ્યાજનો ખર્ચો ૮ લાખ કરોડ રૂપિયા હશે.
ફિસ્કલ ડેફિસીટના આંકડાઓ ખરેખરા જાહેર કરવાને બદલે જીડીપીના ટકાના રૂપમાં જાહેર કરવા પાછળ પણ કરામત છે કે પ્રજાને સાચા આંકડાની કલ્પના આવતી નથી. દાખલા તરીકે વર્ષ ૨૦૨૨-૨૩ દરમિયાન ભારતનો જીડીપી ૨૩૪ લાખ કરોડ રૂપિયા રહેવાનો અંદાજ છે. તેના ૬.૪ ટકા લગભગ ૧૫ લાખ કરોડ રૂપિયા થાય છે. જો પ્રજાને કહેવામાં આવે કે ફિસ્કલ ડેફિસીટ ૧૫ લાખ કરોડ રૂપિયા રહેશે, તો તે ભડકી જાય; માટે કહેવામાં આવે છે કે ફિસ્કલ ડેફિસીટ જીડીપીના ૬.૪ ટકા રહેશે. અહીં આમ આદમી માટે ફિસ્કલ ડેફિસીટ અને જીડીપી જેવા બે શબ્દો અજાણ્યા છે. માટે સરકાર પ્રજાના હિસાબે અને જોખમે કેટલી મોટી રમત રમી રહી છે? તેનો ખ્યાલ આવતો નથી.
કોઈ પણ દેશના બજેટમાં ફિસ્કલ ડેફિસીટ અમુક લઘુતમ પ્રમાણથી વધી જાય તો દેશ દેવાળાં તરફ આગળ વધે છે. આ કારણે કાયમ ફિસ્કલ ડેફિસીટને અંકુશમાં રાખવાની કોશિશ કરવામાં આવે છે. ઇ.સ. ૨૦૦૩ માં ભારતની સંસદમાં ફિસ્કલ રિસ્પોન્સિબિલિટી એન્ડ બજેટ મેનેજમેન્ટ એક્ટ નામનો કાયદો ઘડવામાં આવ્યો હતો, જે મુજબ ૨૦૦૭-૦૮ ની સાલમાં ફિસ્કલ ડેફિસીટ ઘટાડીને જીડીપીના ૩ ટકા કરવાની હતી. સરકાર તેમાં સફળ થઈ હતી. ૨૦૦૭-૦૮ માં ફિસ્કલ ડેફિસીટ ૨.૫ ટકા પર પહોંચી ગઈ હતી, પણ તે પછી સતત વધતી રહી હતી. સંસદે કાયદાઓ કરીને ૨૦૦૭-૦૮ ની ડેડલાઈન વારંવાર વધારી હતી. છેલ્લી ડેડલાઈન ૨૦૨૧ ની હતી, પણ સરકાર તે ચૂકી ગઈ હતી. ૨૦૨૧-૨૨ માં તો કોરોનાનું બહાનું આપીને ફિસ્કલ ડેફિસીટ વધારીને જીડીપીના ૬.૮ ટકા પર પહોંચી ગઇ હતી. હવે કાયદામાં ફેરફાર કરીને ૨૦૨૫-૨૬ સુધીમાં ફિસ્કલ ડેફિસીટ ઘટાડીને ૪.૫ ટકા પર લાવવાની વાત ભારતનાં નાણાં પ્રધાન કરી રહ્યાં છે.
સરકારની આવક અને જાવક વચ્ચે જે ખાઈ રહી જાય છે તે સરકાર નોટો છાપીને સરભર કરે છે; અથવા પ્રજા પાસેથી રૂપિયા ઉધાર લઈને પૂરી કરે છે. બીજા શબ્દોમાં પ્રજાના કલ્યાણ પાછળના ખર્ચાઓ સરકાર પ્રજા પાસેથી જ રૂપિયા ઉધાર લઈને કરે છે. સરકાર પ્રજા પાસેથી રૂપિયા ઉધાર લે છે તેની સામે પ્રજાને ટ્રેઝરી બોન્ડ વેચે છે, જેના પર તેણે સાતથી આઠ ટકા જેટલું વ્યાજ ચૂકવવું પડતું હોય છે. સરકાર અગાઉ રિઝર્વ બેન્કના માધ્યમથી જ ટ્રેઝરી બોન્ડ વેચતી હતી, પણ હવે તેણે પ્રજાને સીધા બોન્ડ વેચવાનું ચાલુ કર્યું છે. પ્રજાને સરકાર પર વિશ્વાસ છે કે તે દેવું ચૂકવી દેશે, માટે તે દર વર્ષે ટ્રેઝરી બોન્ડ ખરીદ્યા કરે છે. પ્રજાને જાણ નથી કે સરકાર જૂના દેવા પરનું વ્યાજ ચૂકવવા નવું દેવું કરે છે. પ્રજાનો જે દિવસે વિશ્વાસ ઊઠી જશે તે દિવસે સરકાર દેવાળું કાઢશે.
આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.