અમુક વ્યક્તિઓને ભગવાને જન્મથી જ કોઈ ને કોઈ ખામી એમના શરીરના ભાગમાં આપેલી હોય છે. આવી વ્યક્તિઓને આપણે અપંગ, પંગુ કે વિકલાંગ તરીકે ઓળખીએ છીએ. પરંતુ આપણા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આવી વ્યક્તિઓને દિવ્યાંગ તરીકે સંબોધવાની સૌને સલાહ તથા પ્રેરણા આપી છે. પરંતુ આવાં દિવ્યાંગ વ્યક્તિઓનાં દિલની વ્યથા કોઈ સમજતું નથી. દિવ્યાંગ વ્યક્તિઓને ઝડપથી કોઈ નોકરીમાં પણ રાખતું નથી. એ લોકોને એટલી બધી હાલાકી પડતી હોય છે છતાં ભાગ્યે જ કોઈ વ્યક્તિ એમની મદદે આવે છે. દિવ્યાંગ વ્યક્તિઓને અમુક લાભ આપવાના હેતુથી સરકારે ઘણી યોજનાઓ અમલમાં મૂકી છે, પરંતુ સરકારી બાબુઓ આવાં વ્યક્તિઓને મદદ કરવાની પરવા કરતાં નથી.
સમાજ સુરક્ષા ખાતામાં પણ ઘણી વખત દિવ્યાંગ વ્યક્તિઓને ધક્કા ખવડાવવામાં આવે છે. વિકલાંગતાનું પ્રમાણપત્ર મેળવવા માટે સરકારી હોસ્પિટલમાં લાંબી લાઈનો લાગેલી હોય છે તો અમુક સમયે પેનલ ડૉક્ટરોમાંથી એકાદ બે ડૉકટર ગેરહાજર હોય છે, તેથી દિવ્યાંગોને પરત જવું પડે છે. દિવ્યાંગ વ્યક્તિઓને જલદીથી વર કે કન્યા પણ પ્રાપ્ત થઈ શકતાં નથી. બસમાં દિવ્યાંગ વ્યક્તિઓને બેસવા માટેની બે કે ત્રણ બેઠકો ખાલી રાખવાની સૂચના લખેલી હોવા છતાં પણ સામાન્ય લોકો એ જગા ઉપર કબજો જમાવી દેતાં હોય છે અને કોઈ દિવ્યાંગ વ્યક્તિ આવે તો તેને જગા આપવાની માણસાઈ પણ બતાવતાં નથી. ખરેખર દિવ્યાંગ વ્યક્તિઓની વેદના કોઈ સામાન્ય વ્યક્તિ સમજી શકતો નથી તેથી દિવ્યાંગોને લગભગ દરેક સ્થળે હાલાકીનો સામનો કરવો પડે છે.
હાલોલ – યોગેશભાઈ આર. જોશી – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
સર્જરીમાં લેસર, રોબોટ અને સામાન્ય દર્દી
મેડિકલ સાયન્સમાં સર્જરી (શૈલ્ય ચિકિત્સા) માં રોબોટ અને લેસર ઉપયોગ વિદેશમાં બહોળા પ્રમાણમાં થાય છે અને ભારતમાં પણ થોડા પ્રમાણમાં થાય છે. આ પ્રકારની સર્જરીમાં મોટો ફાયદો ચોકસાઈનો છે તથા લેસરના ઉપયોગથી કાપ મૂકવા અને મૂકેલો કાપ જોડવામાં પણ થાય જેથી લોહી ઓછું વહે અને એન્ટી બાયોટિકનો ઉપયોગ પણ મર્યાદિત થાય અને તેની સાઈડ ઈફેક્ટ જેવી કે એસિડિટી, મૂત્રપિંડનો બગાડની શક્યતાઓ પણ ઘટે. હા, દવા ઉદ્યોગ આ વાત નહીં જ ઈચ્છે. ઉપરાંત આ સાધનો મોંઘાં આવતાં હોવાથી ડોકટરો મૂડીરોકાણ અને વળતરની અપેક્ષા પણ વધારે જ રાખે અને સર્જરી જો વધુ ખર્ચાળ બને તો મોટો મેડિક્લેમ ચૂકવવામાં વીમા કંપનીઓ પણ અખાડા કરે અને છેવાડાનાં લોકો આવી ઉપયોગી અને માનવકલાક બચાવતી સારવારથી વંચિત જ રહે તો આ સારવારની વાસ્તવિક ઉપયોગિતા કેટલી?
સુરત – પિયુષ મહેતા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.