ગાંધીનગર : રાજ્ય સરકાર દ્વારા બનાસકાંઠા જિલ્લાને વિભાજન કરીને નવો જિલ્લો બનાવવાની જાહેરાત કરતા જ સ્થાનિકોમાં ભારે આક્રોશ સાથે વિરોધ પ્રદર્શન શરૂ થયા છે. સતત ત્રણ દિવસથી સ્થાનિક લોકો બનાસકાંઠાના વિભાજનના મુદ્દે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આજે ધાનેરાના લોકોએ સ્વયંભૂ બંધ પાડીને વિરોધ પ્રદર્શન કર્યું હતું.
બનાસકાંઠાનું વિભાજન કરી નવો વાવ થરાદ જિલ્લો બનાવવાની જાહેરાત કરાતા જ સ્થાનિકોમાં રોસ ફેલાયો છે. નવા જિલ્લામાં આઠ જેટલા તાલુકાનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ આઠ તાલુકામાં વાવ, ભાંભર, થરાદ, ધાનેરા, સુઈ, લાખણી, દિયોદર અને કાંકરેજનો સમાવેશ થાય છે. જ્યારે બનાસકાંઠા જિલ્લામાં છ તાલુકા રાખવામાં આવ્યા છે. જેમાં પાલનપુર, દાતા, અમીરગઢ, દાંતીવાડા, વડગામ અને ડીસાનો સમાવેશ થાય છે.
નવો જિલ્લો વાવ થરાદની જાહેરાત કરતા જ ધાનેરા શહેરના લોકોએ નવા જિલ્લામાં જવાની ના પાડી અમને બનાસકાંઠા જિલ્લામાં રહેવા દો તેવી વાત કરી છે. જો ધાનેરાને વાવ થરાદ જિલ્લામાં સમાવેશ કરાશે તો ઉગ્ર આંદોલનની ચિંમકી પણ આપી છે. ધાનેરાના ધારાસભ્ય માવજી દેસાઈએ કહ્યું હતું કે વર્ષોથી અમારો વ્યવહાર અને સંપર્ક બનાસકાંઠા ના પાલનપુર સાથે જોડાયેલો છે, જેથી હવે જો નવા જિલ્લામાં સમાવેશ કરવામાં આવે તો ઘણી મુશ્કેલીઓ ઊભી થાય તેવી છે. તેથી ધાનેરાને બનાસકાંઠા જિલ્લામાં યથાવત રહેવા દેવામાં આવે. આજે ધાનેરાના સ્થાનિક લોકોએ વેપાર ધંધા રોજગાર બંધ રાખીને વિરોધ પ્રદર્શન કર્યો હતો. સાથે જ જો માંગણી પૂરી નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ આપી હતી. આ સાથે જ થરા અને સિહોરી પણ બંધમાં જોડાયા હતા, અને સ્થાનિક લોકોએ વિરોધ પ્રદર્શન કરી વેપારીઓએ ધંધા રોજગાર બંધ પાડ્યો હતો.