Comments

લોકોને મોંઘવારીથી મુક્તિ જોઈએ છે

હવે મોટી મોટી વાતો કરવાથી આપણે મહાન અને વિશ્વગુરુ એમ કહીને પ્રજાને પોરસાવવાથી, હિંદુઓને મુસલમાનોનો ડર બતાવવાથી, નિરર્થક વિદેશપ્રવાસો કરવાથી, જગતમાં ભારતનાં ડંકા વાગતા થઈ ગયા છે એવા દાવા કરવાથી અને વાસ્તવિકતા સામે આંખ આડા કાન કરી લેવાથી ચાલવાનું નથી. દસ વર્ષ આ બધું ચાલ્યું અને દસ વર્ષની આવરદા આજના સોશ્યલ મિડિયાના યુગમાં ઘણી લાંબી કહેવાય. જો કે સાચી વાત તો એ પણ છે કે આને લાંબી આવરદા સોશ્યલ મિડિયાને કારણે જ મળી હતી.

જ્યાં સુધી મિડિયા મેનેજ થઈ શકતા હતા ત્યાં સુધી આ બધું ચાલ્યું અને ખાસો લાંબો સમય એ બધું થઈ શક્યું. હવે સ્વતંત્ર મિડિયાએ મેનેજ કરવામાં આવેલા મિડિયા કરતાં લાંબી લાઈન ખેંચી લીધી છે અને સ્થિતિ પલટાઈ રહી છે. આ સિવાય લોકોને પણ હવે જોડો ડંખવા લાગ્યો છે. જો એમ ન હોત તો લોકસભામાં બીજેપીએ બહુમતી ન ગુમાવી હોત. જો ચૂંટણી ખરા અર્થમાં મુક્ત અને ન્યાયી હોત તો બીજેપીને બસો બેઠકો પણ ન મળી હોત. જો એમ હોત તો વિવિધ રાજ્યોની પેટા ચૂંટણીઓમાં બીજેપીનો પરાજય ન થયો હોત. કુલ ૧૩ બેઠકોમાંથી માત્ર બે બેઠકો મળી છે અને પશ્ચિમ બંગાળમાં ત્રણ ગુમાવી છે.

હિમાચલ પ્રદેશમાં હમીરપુર અને મધ્ય પ્રદેશમાં અમરવાડાની જે બે બેઠક બીજેપીએ જીતી છે તેમાં જીતની સરસાઈ અનુક્રમે માત્ર ૧૫૦૦ અને ત્રણ હજાર મતની છે. જો એમ હોત તો પાંચ દિવસ પહેલાં અંકલેશ્વરમાં અને મંગળવારે મુંબઈમાં જે દૃશ્યો જોવા મળ્યાં એ ન જોવા મળ્યાં હોત. વિશ્વમાં ભારતના ડંકા વાગે છે કે નથી વાગતા એ મહત્ત્વનું નથી, મહત્ત્વનું એ છે કે ભારતમાં ઘરઆંગણે ચેતવણીના ડંકા વાગવા માંડ્યા છે. લોકોને સુખાકારી જોઈએ છે. યુવાઓને કામ જોઈએ છે. લોકોને મોંઘવારીથી મુક્તિ જોઈએ છે અને કાં મોંઘવારીનો સામનો કરી શકાય એવી આવક જોઈએ છે.

ખેડૂતોને ખેતીમાં ટકી શકાય એવા ખેતપેદાશના ભાવ જોઈએ છે. ચૂંટણી મુક્ત અને ન્યાયી થાય એમાં સૌથી મોટું હિત શાસકોનું હોય છે. મોટો ભડકો થાય એ પહેલાં ચેતી જવાનો તેમાં મોકો મળે છે. શ્રીલંકામાં રાજપક્સાબંધુઓએ લોકતંત્રનો આદર કર્યો હોત તો દેશ છોડીને ભાગવું ન પડ્યું હોત. સ્વતંત્ર મિડિયા અને ચૂંટણીઓ થર્મોમીટરનું કામ કરે છે. સમાજમાં તાપ વધે તો ખબર પડી જાય. એટલે તો ૧૮૫૭ના વિદ્રોહ પછી ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની સ્થાપના થાય તેમાં અંગ્રેજોએ રસ લીધો હતો. ખબર તો પડે કે લોકોના મનમાં શું ચાલી રહ્યું છે. લોકમાનસમાં શાસકો સામે તાપ વધી રહ્યો છે કે કેમ?

બાળકની સામે ગમે એટલાં હાલરડાં ગાવ, જો છોકરું ભૂખ્યું હોય તો સૂવાનું નથી. માટે વાસ્તવિકતા એ છે કે ડંકા વાગવા માંડ્યા છે અને દિવાસ્વપ્નોના મીઠા ડંકાઓ કરતાં વાસ્તવિકતાના ડંકા કાન ફાડી નાખે એવા છે. હવે તાતા જુથની માલિકીની બનેલી એર ઇન્ડિયાએ જાહેરખબર આપી હતી કે તેને ૨,૨૧૬ મજૂરોની જરૂર છે, જે વિમાનમાં ઉતારુઓનો સામાન ચડાવવાનું અને વિમાનમાંથી ઉતારીને લગેજ-બેલ્ટ પર ચડાવવાનું કામ કરે. પગાર ૨૨,૫૦૦ રૂપિયા. જે ઈચ્છુક હોય તે પોતાનો બાયોડેટા લઈને સીધા જ મંગળવાર ૧૬મી જુલાઈએ એર ઇન્ડિયાની મુંબઈ ઍરપોર્ટ પરની ઓફિસે આવી જાય.

અરજી કરવાની જરૂર નથી. ઉમેદવારના આ પ્રકારના ઈન્ટરવ્યુઝને વૉક ઇન ઈન્ટરવ્યૂ તરીકે ઓળખાવવામાં આવે છે. મંગળવારે દરેકના આશ્ચર્ય વચ્ચે મુંબઈ ઍરપોર્ટ પર ૨૫,૦૦૦ કરતાં વધુ યુવાનો નોકરી મેળવવા પહોંચી ગયા. ૨,૨૧૬ નોકરી અને ૨૫ હજાર કરતાં પણ વધુ ઉમેદવારો. આખા દેશમાંથી યુવાનો આવી પહોંચ્યા અને કેટલાક તો સોમવાર સાંજથી લાઈનમાં ઊભા રહી ગયા હતા અને ભણતર? કેટલાકનું તો યુનિવર્સિટીમાં પ્રોફેસરની કક્ષાનું. આવી જ એક ઘટના અંકલેશ્વરમાં બની હતી. ખાનગી કંપનીની માત્ર દસ જગ્યા માટે બે હજાર યુવાનો પહોંચી ગયા હતા. એક જગ્યા માટે ૨૦૦ દાવેદાર.

મને ખરેખર આશ્ચર્ય થાય છે કે કોઈ આવી સ્થિતિમાં નિશ્ચિંત કેવી રીતે રહી શકે? ઉકળતા ચરુ જેવી સ્થિતિ છે. દેશ જ્વાળામુખીના મોઢા ઉપર બેઠો છે અને છતાં શાસકો નિશ્ચિંત છે. યોગાનુયોગ એવો છે કે જ્યારે યુવાનો એરપોર્ટ પર લાઈન લગાવતા હતા એ જ દિવસે ભારતની રીઝર્વ બેંકે આંકડા બહાર પાડ્યા કે દેશમાં ૨૦૨૦-૨૧માં ત્રણ કરોડ દસ લાખ, ૨૦૨૧-૨૨માં એક કરોડ ૨૦ લાખ, ૨૦૨૨-૨૩માં એક કરોડ ૯૦ લાખ લોકોને રોજગારી મળી છે.

કોવીડની મહામારી શરૂ થઈ તેના આગલા વર્ષે ૨૦૧૯-૨૦૨૦માં ચાર કરોડ વીસ લાખ લોકોને રોજગારી મળી હતી અને વડા પ્રધાને રીઝર્વ બેંકનો હવાલો આપીને કહ્યું કે કોવીડની મહામારી શરૂ થઈ ત્યારથી અત્યાર સુધીમાં આઠ કરોડ લોકોને રોજગારી મળી છે. (જરા ફેરગણતરી કરી જુઓ, આંકડાનો મેળ બેસે છે?) આની સામે ભારતની પ્રતિષ્ઠિત અને વિશ્વપ્રસિદ્ધ આર્થિક અધ્યયન સંસ્થા સેન્ટર ફોર મોનીટરીંગ ઇન્ડિયન ઈકોનોમી (સીએમઆઈઈ)ના અહેવાલ મુજબ કમાવાની ઉંમર ધરાવતાં લોકોમાં બેરોજગારીનું પ્રમાણ ઝડપથી વધી રહ્યું છે.

૨૦૨૪ના મે મહિનામાં બેરોજગારીનું પ્રમાણ ૭ ટકા હતું જે માત્ર એક મહિનામાં જૂન મહિનામાં વધીને ૯.૨ ટકા થયું હતું. રીઝર્વ બેંક અને સીએમઆઈઈમાં આજે કોણ વધારે પ્રતિષ્ઠા ધરાવે છે એ કોઈ પણ ડાહ્યા માણસને પૂછી જોજો અને જો ન પૂછવું હોય તો મુંબઈના એરપોર્ટ પર અને અંકલેશ્વરમાં જે જોવા મળ્યું એ કોના આંકડા સાચા સાબિત કરે છે એ વિચારી જુઓ. નરેન્દ્ર મોદી અને કેન્દ્ર સરકાર માટે ત્રીજી મુદત એક રીતે તક બનીને મળી છે અને જો તકનો ઉપયોગ ન કર્યો તો વમળ બનવાની છે એ લખી રાખજો.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top