SURAT

ડિંડોલીમાં યુવકની જાહેરમાં હત્યાના વિરોધમાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા, બ્રિજ પર ટ્રાફિક જામ

સુરત: ડિંડોલીમાં જાહેરમાં યુવકની હત્યાના વિરોધમાં આજે સ્થાનિક રહીશો રસ્તા પર ઉતરી આવ્યા હતા. લોકોએ બ્રિજ પરનો વાહન વ્યવહાર બંધ કરાવી દીધો હતો, જેના લીધે પોલીસ દોડતી થઈ ગઈ હતી. રોષે ભરાયેલા લોકોએ રિક્ષામાં તોડફોડ પણ કરી હોવાની વિગતો સામે આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ડિંડોલીના બિલિયાનગર સોસાયટીમાં યુવકની જાહેરમાં હત્યા કરાઈ હતી. અતુલ યાદવ નામના યુવકને બે લોકોએ હથિયારોના ઘા ઝીંકી પતાવી દીધો હતો. બે યુવકો જાહેરમાં યુવકની હત્યા કરી ફરાર થઈ ગયા હતા. આ ઘટનામાં પોલીસે આનંદ ઉર્ફે કાલુપુરે રમાશંકર યાદવ (ઉં. વ.21), અભિષેક ઉર્ફે કાલીયા અખિલેશ પાઠક (ઉં. વ.18), મુકેશ ભનુભાઇ મેર તથા અન્ય એક બાળ કિશોરની ધરપકડ કરી હતી.

આરોપીઓની ધરપકડ કરી લેવાયા બાદ પણ સ્થાનિક લોકોનો રોષ ઓછો થયો નથી. વિશાલ ઉર્ફે અતુલ વિનોદભાઇ સોનીની હત્યાને લઈને સ્થાનિક લોકોમાં આક્રોશ ભભૂકી ઉઠ્યો છે. આજે બિલિયાનગર સોસાયટીના રહીશો રસ્તા પર ઉતરી આવ્યા હતા. તોડફોડ કરી હતી. બ્રિજ બંધ કરી વિરોધ દર્શાવાયો હતો. બે રિક્ષામાં ટોળા દ્વારા તોડફોડ કરાઈ હતી.

આ અંગે ડીસીપી ભગીરથ ગઢવીએ કહ્યું કે, મૃતકના પરિવારજનોએ રસ્તો જામ કરવા પ્રયાસ કર્યો હતો. જેથી પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. સામાન્ય જનતાને તથા હોસ્પિટલના લોકોને હેરાનગતિ ન થાય તે માટે સમજણપૂર્વક પ્રયાસ કરાયો હતો. ઘણા લોકો તેમને મીસગાઈડ કરતાં હતાં. જેથી ઓછામાં ઓછી પોલીસ ફોર્સનો ઉપયોગ કરીને લોકોને દૂર ભગાડાયા હતાં. હાલ વિસ્તારમાં સંપૂર્ણ શાંતિ છે. અમે પરિવારની સાથે છીએ. તે લોકો જે પૂરાવા આપે તેના આધારે કાર્યવાહી કરવા ખાતરી અપાય છે.

Most Popular

To Top