સુરત : અમદાવાદની વિમાની હોનારત બાદ સુરતમાં પણ વિમાનના રૂટમાં આવતી બિલ્ડિંગો પર શરૂ થયેલી તવાઈમાં પાલની કાસા રિવેરા અને વેસુની કેપીએમ બિલ્ડિંગને બીયુસી વિના વસવાટ શરૂ કરવાના મુદ્દે મનપા દ્વારા ફટકારવામાં આવેલી નોટિસના આવતીકાલે બે દિવસ પુરા થઈ રહ્યા છે. કેપીએમ બિલ્ડિંગમાં 60 અને કાસા રિવેરામાં 25 જેટલા ફ્લેટમાં વસવાટ શરૂ થઈ ગયો છે ત્યારે સુરત મનપાનું તંત્ર આવતીકાલે શું પગલા લે છે તેની પર સૌની નજર ઠરી છે.
- બીયુસી વિના વસવાટ શરૂ કરનાર કાસા રિવેરા અને કેપીએમની બે દિવસની મુદત આજે પુરી
- કેપીએમમાં 60 ફ્લેટ અને કાસા રિવેરામાં 25 ફ્લેટમાં વસવાટ શરૂ થઈ ગયો હોવાથી આજે તંત્ર શું કરે છે તેની પર નજર
આ બંને ઈમારતો વિમાની રૂટમાં આવતી હોવાથી બંનેને હજુ સુધી સુરત મહાપાલિકા દ્વારા બીયુસી આપવામાં આવ્યા નથી. છતાં બંને બિલ્ડિંગમાં વસવાટ શરૂ કરી દેવામાં આવતા સુરત મનપા દ્વારા ગત શનિવારે બંને બિલ્ડિંગોને બીયુસી વિના વસવાટ શરૂ કરવા બદલ નોટિસ આપવામાં આવી હતી.

મનપા દ્વારા બે દિવસમાં વસવાટ બંધ કરવા અન્યથા બંને બિલ્ડિંગના ગટર-પાણીના કનેકશન કાપી નાખવામાં આવશે તેવી તાકીદ પણ કરવામાં આવી છે. નોટિસમાં બંને બિલ્ડિંગને કાર્યવાહી કરવા માટે બે દિવસની મુદત આપવામાં આવી હતી. જે હવે આવતીકાલે બુધવારે પુરી થઈ રહી છે. આવતીકાલે હવે મનપા તંત્ર દ્વારા આ બંને બિલ્ડિંગ સામે શું પગલા લેવામાં આવે છે તે જોવું રહ્યું!
બીયુસી વિના જ વસવાટ શરૂ કરનાર સેલેસ્ટિયલ ડ્રીમની બે બિલ્ડિંગને નોટિસ
સુરત : સુરત એરપોર્ટની વિમાની રૂટમાં આવતી બિલ્ડિંગોમાં બીયુસી વિના જ વસવાટ શરૂ કરી દેનાર બે બિલ્ડિંગ બાદ આજે વેસુ ખાતે આવેલા જાણીતા સેલેસ્ટિયલ ડ્રીમ પ્રોજેક્ટમાં પણ બે બિલ્ડિંગમાં બીયુસી વિના વસવાટ શરૂ કરી દેવામાં આવ્યો હોવાનું ધ્યાને આવતા સુરત મહાપાલિકા દ્વારા આ પ્રોજેક્ટને પણ વસવાટ બંધ કરવા માટે નોટિસ ફટકારવામાં આવી છે. જો આ બંને બિલ્ડિંગમાં વસવાટ બંધ કરવામાં નહીં આવે તો મનપા દ્વારા બંનેના પાણી અને ગટરના કનેકશન કાપી નાખવામાં આવશે.
અમદાવાદની વિમાની હોનારત બાદ સુરતમાં વિમાનોના લેન્ડિંગ તેમજ ટેકઓફમાં અડચણરૂપ ઈમારતોનું ભૂત ફરી ધૂણવા પામ્યું છે. સોમવારે એરપોર્ટ ઓથોરિટી દ્વારા વેસુ વિસ્તારમાં પાંચ પ્રોજેક્ટની 19 બિલ્ડિંગોનું રિ-સરવે હાથ ધરવામાં આવ્યું હતું. આ સરવેનો રિપોર્ટ હજુ સુરત મહાનગરપાલિકા અને જિલ્લા કલેક્ટરને મળ્યો નથી, એક-બે દિવસમાં ટેકનિકલ માપદંડોની ખરાઈ બાદ રિપોર્ટ રજૂ થવાની શક્યતા છે.
બીજી તરફ તપાસમાં એવી વિગતો બહાર આવી હતી કે વેસુના જી.ડી. ગોએન્કા સ્કૂલ રોડ પર આવેલા સેલેસ્ટિયલ ડ્રીમ નામના પ્રોજેક્ટની બે બિલ્ડિંગોમાં બીયુસી નહી હોવા છતાં 41 ફ્લેટોમાં વસવાટ શરૂ થઈ ગયો છે. આ બંને બિલ્ડિંગોને પાર્ટલી બીયુસી આપવામાં આવ્યું હતું પરંતુ જે ફ્લેટ માટે બીયુસી નહોતું તેમાં પણ વસવાટ શરૂ કરી દેવામાં આવ્યો હતો. જેને પગલે મનપા દ્વારા વસવાટ બંધ કરવા માટેની નોટિસ ફટકારવામાં આવી છે.