નવસારી, વલસાડ : નવસારીમાં છેલ્લા થોડા દિવસોથી ઠંડીનો પારો સતત ગગડી રહ્યો છે. આજે ઠંડીનો પારો વધુ એક ડિગ્રી ગગડતા 10.6 ડિગ્રીએ આવી પહોંચ્યો છે. સાથે મહત્તમ તાપમાનમાં દોઢ ડિગ્રીનો ઘટાડો થયો હતો. જેથી નવસારીમાં ઠંડીએ લોકોને ધ્રુજાવ્યાં હતા. જ્યારે વલસાડમાં મહત્તમ તાપમાન 29 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી નોંધાયું હતુ.
નવસારીમાં ગત 9મીએ 8.8 ડિગ્રી નોંધાતા નવસારીમાં કાતિલ ઠંડી પડવા સાથે સિઝનનો સૌથી ઠંડો દિવસ નોંધાયો હતો. પરંતુ ત્યારબાદ ઠંડીનો પારો સતત વધી રહ્યો હતો. નવસારીમાં 5 દિવસમાં ઠંડીનો પારો 6.4 ડિગ્રી વધતા ગત 14મીએ 15.2 ડિગ્રી નોંધાયો હતો. જેના કારણે નવસારીમાં દિવસ દરમિયાન થોડી ગરમી અનુભવાતી હતી. જોકે સાંજે સુસવાટા મારતા ફૂંકાતા પવનો લોકોને ધ્રુજાવી રહ્યા હતા. ત્યારે હવે નવસારીમાં ઠંડીનો પારો ગગડી રહ્યો છે. આજે નવસારીમાં ઠંડીનો પારો વધુ એક ડિગ્રી ગગડ્યો છે. જેથી છેલ્લા 3 દિવસમાં ઠંડીનો પારો 4.6 ડિગ્રી જેટલો ગગડ્યો છે. સાથે જ આજે મહત્તમ તાપમાન પણ દોઢ ડિગ્રી ગગડ્યો હતો. જેના પગલે નવસારીની ઠંડીમાં લોકો ઠુંઠવાયા હતા.
મંગળવારે નવસારીમાં ઠંડીનો પારો વધુ 1 ડિગ્રી ગગડીને 10.6 ડિગ્રી નોંધાયું છે. જ્યારે મહત્તમ તાપમાન વધુ 1.5 ડિગ્રી ગગડીને 31.8 ડિગ્રી નોંધાયું છે. સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 88 ટકા હતું. જે બપોરબાદ ઘટીને 30 ટકા જેટલું નીચું રહ્યું હતું. જોકે દિવસ દરમિયાન 1.6 કિ.મી. ની ઝડપે પવનો ફૂંકાયા હતા.
