મજુરા અને ઉધના મામલતદાર નાગરિક સુવિધા કેન્દ્રની બહાર કલાકો સુધી લોકો કતારમાં જોવા મળ્યા
સુરતઃ સુરત શહેરમાં અત્યારે આવકના દાખલા માટે નાગરિક સુવિધા કેન્દ્ર ઉપર લોકોની ભારે પડાપડી જોવા મળી રહી છે. આ દ્રશ્યો અને લોકોની હાલાકીને જોતા સૌ કોઈના મનમાં એવો પ્રશ્ન થઈ રહ્યો છે કે આ નાગરિક સુવિધા કેન્દ્ર છે કે પછી નાગરિક દુવિધા કેન્દ્ર!
કોઈપણ પ્રકારની સરકારી યોજના માટે મામલતદાર માંથી આવકનો દાખલો મેળવવો ખૂબ અગત્યનું હોય છે. મા કાર્ડ હોય, માં અમૃતમ કાર્ડ હોય કે પછી કોઈ સરકારી યોજના હોય તે માટે આવકનો દાખલો જરૂરી પુરાવા તરીકે લેવાય છે. અત્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા આવાસ યોજનાના ફોર્મ વિતરણ કરવામાં આવી રહ્યા છે. આ ફોર્મ માટે પણ આવકનો દાખલો એક મહત્વના પુરાવા તરીકે લેવાય છે. આવા સંજોગોમાં શહેરના મજૂરા, ઉધના, કતારગામ, પૂણા અને અડાજણ મામલતદાર કચેરીની બહાર આવકનો દાખલો મેળવવા માટે લોકોની ભારે પડાપડી જોવા મળી રહી છે. લોકો વહેલી સવારે આઠ વાગ્યાથી જ લાઇનમાં ઊભા રહી જાય છે. જેને કારણે ભારે અવ્યવસ્થા જોવા મળી રહી છે. એક બાજુ તંત્ર બીજી કામગીરીઓમાં વ્યસ્ત છે અને ત્યાં બીજી બાજુ લોકોને ભારે હાલાકીનો સામનો નાગરિક સુવિધા કેન્દ્રમાં જ કરવો પડી રહ્યો છે.
નાગરિક સુવિધા કેન્દ્રની બહાર એજન્ટોને અડીંગો
નાગરિક સુવિધા કેન્દ્રની બહાર ઉભા કેટલાક નાગરિકોએ આક્ષેપો કર્યા હતા કે જે વ્યક્તિ બહાર જમાવડો કરીને બેસેલા એજન્ટ પાસે આવકનો દાખલો લે તેમને વગર હાજરીએ આવકનો દાખલો મળી રહ્યો છે. તેમને માત્ર ફોટો પડાવવા માટે આવવું પડે અને પછી સાહેબ દાખલા ઉપર સહી કરીને તુરંત આપી દે છે.
આ તે કેવી સિસ્ટમ! એક દાખલો મેળવવા ત્રણ-ચાર દિવસ બગાડે છે
લાઈનમાં ઊભા રહેલા લોકોને પહેલા ટોકન માટે એક દિવસ બગાડવો પડે છે. ત્યાર પછી બીજા દિવસે દાખલો લેવા અને જમા કરવા માટે એક દિવસ બગાડવો પડે છે. ત્યારબાદ ફોર્મ તપાસવા માટે તલાટી પાસે સમય બગાડવો પડે છે. તેમાએ તલાટી મળે તો નસીબ નહીતર ફરી ત્રીજા દિવસે ધક્કો ખાવો પડે છે. ત્યારબાદ તેમને ફોટો પાડવા માટે બોલાવવામાં આવે છે અને ફરી બીજા અઠવાડિયે એક દિવસ ફાળવી આવીને આવકનો દાખલો લઈ જવા માટે કહેવામાં આવે છે. આમ એક દાખલો મેળવવા માટે એક વ્યક્તિને ત્રણથી ચાર દિવસ બગાડવામાં આવી રહ્યા છે.