વલસાડઃ વલસાડમાં અનેક ગામોમાં તળાવમાંથી માટી ખોદવા સામે ગામ લોકોએ વિરોધ દર્શાવ્યો છે. તાજેતરમાં જ ભદેલી ગામે તળાવના ખોદકામ સામે ભારે ઉહાપો થયો અને સરપંચને હોદ્દા પરથી દૂર કરવાની રજૂઆત પણ પાંચ સભ્યોએ કરી હતી. ત્યારબાદ હવે પીઠા ગામે તળાવ ખોદકામ બંધ કરવા ગામના લોકોએ ખાણ ખનિજ વિભાગને રજૂઆત કરી છે.
વલસાડના પીઠા ગામે આવેલા તળાવ ફળિયામાં આવેલા તળાવમાં ખોદકામ કરવા ગામના લોકોએ વિરોધ દર્શાવ્યો છે. આ તળાવ 25 ફૂટ ખોદાઇ ગયું છે. ગામલોકોએ કરેલી ફરિયાદ મુજબ ચોમાસામાં તળાવમાંથી માટીનું ધોવાણ થઇ ગયું છે. જેના કારણે અહીં નજીકના ગરનાળામાંથી પાણીનો નિકાલ મુશ્કેલ બન્યો છે. અને આજુ બાજુના રહીશો માટે અવર જવરની મોટી તકલીફ ઉભી થઇ છે. આ તળાવ ખોદવાથી ભવિષ્યમાં પણ મોટી તકલીફ ઉભી થવાની સંભાવના સાથે તેમણે આ ખોદકામ અટકાવવા વલસાડ ખાણ ખનિજ વિભાગને રજૂઆત કરી છે.
તળાવનો કોન્ટ્રાક્ટ અપાય એ પહેલાં જ વિરોધ જરૂરી
ગામોમાં તળાવ ઉંડું કરવા સામે અનેક લોકો દ્વારા વિરોધ થતો હોય છે, પરંતુ આ વિરોધ ગ્રામ પંચાયત દ્વારા તેમને કોન્ટ્રાક્ટ અપાય એ પહેલાં થાય તો વિરોધ કારગર નિવડે છે. કોન્ટ્રાક્ટ અપાઇ જાય અને પછી કોન્ટ્રાક્ટર તળાવ ખોદવા માટે ખાણ ખનિજ વિભાગમાં રોયલ્ટી ભરી દે પછી કામ અટકાવવું મુશ્કેલ બની જતું હોય છે. ત્યારે પહેલાં જ કામ અટકાવવા માટે રજૂઆત થાય એ જરૂરી બન્યું છે.