National

જળસંકટથી ઝઝૂમી રહેલા દિલ્હીમાં કોંગ્રેસે કર્યું AAP વિરુધ્ધ ‘મટકા ફોડ’ આંદોલન તો ભાજપે માર્યો ટોણો

નવી દિલ્હી: દિલ્હી (Delhi) હાલમાં જળ સંકટથી (Water crisis) ઝઝૂમી રહ્યું છે. કારણકે રાજધાનીના ઘણા વિસ્તારોમાં પાણીની તંગી થઇ રહી છે, જેના કારણે વિપક્ષના કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટી (AAP) સરકારને સતત ઘેરી રહ્યા છે. ત્યારે ઇન્ડીયા ગઠબંધનમાં (India Coalition) સામેલ પાર્ટી કોંગ્રેસ પાર્ટીએ (Congress Party) હવે AAP વિરુદ્ધ મોરચો શરૂ કર્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ દિલ્હી કોંગ્રેસના અધ્યક્ષ દેવેન્દ્ર યાદવે પાર્ટી કાર્યકર્તાઓ સાથે રાજધાનીના યુસુફ સરાય વિસ્તારમાં ‘મટકા ફોડ’ આંદોલન કર્યું હતું. ત્યારે ભાજપે હવે આ વિરોધને ટોણો મારતું નિવેદન આપ્યું છે. ભાજપે આ મામલે કહ્યું કે ચૂંટણી પહેલા પણ પાણીની સમસ્યા હતી, પરંતુ ત્યારે અવાજ ઉઠાવવામાં આવ્યો ન હતો કારણ કે બંને પક્ષો ગઠબંધનમાં હતા. તે સમયે બેઠક વહેંચણીની વાત હતી, તેથી કોંગ્રેસે પાણીની સમસ્યાનો મુદ્દો ઉઠાવ્યો ન હતો.

બીજી તરફ કોંગ્રેસે કહ્યું હતું કે જો હરિયાણા અને ઉત્તર પ્રદેશ દિલ્હીને પાણી નથી આપી રહ્યા તો કેન્દ્ર સરકારે આ મામલે દખલગીરી કરીને સમસ્યાનો ઉકેલ શોધવો જોઈએ. તેમજ બહેરી અને મૂંગી સરકારને જગાડવા માટે આ મટકા ફોડ આંદોલન કરવામાં આવી રહ્યું છે.

રાજ્ય-કેન્દ્ર સરકાર આક્ષેપ-પ્રત્યાક્ષેપની રમત રમી રહી છેઃ કોંગ્રેસ
દિલ્હી કોંગ્રેસના અધ્યક્ષ દેવેન્દ્ર યાદવે મટકા ફોડ પ્રદર્શનનું નેતૃત્વ કર્યું હતું. તેમની સાથેના કાર્યકરોએ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની આગેવાની હેઠળની રાજધાની દિલ્હી અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. તેમણે કહ્યું કે, “છેલ્લા કેટલાક દિવસોથી દિલ્હી સરકાર અને કેન્દ્ર સરકાર આક્ષેપ-પ્રતિઆક્ષેપની રમત રમી રહી છે. દિલ્હીના જળ સંકટનો કોઈ ઉકેલ આપવામાં આવ્યો નથી. જો હરિયાણા કે યુપી પાણી નથી આપી રહ્યા તો કેન્દ્ર સરકારે હસ્તક્ષેપ કરવો પડશે અને ઉકેલો ઓફર કરવા પડશે.”

તેમણે વધુમાં કહ્યું હતું કે, “જનતા પાણીના દરેક ટીપા માટે સંઘર્ષ કરી રહી છે. ત્યારે કોંગ્રેસ પાર્ટી મૂંગી અને બહેરી સરકારને જગાડવા માટે દિલ્હીમાં પોટ બ્રેકિંગ પ્રદર્શન કરી રહી છે. ટેન્કર માફિયા અને પાણીની યોગ્ય તપાસ થવી જોઈએ. કારણ કે દિલ્હીવાસીઓને બોટલોમાં પાણી સપ્લાય કરવામાં આવે છે.”

તમે માત્ર ભ્રષ્ટાચાર કર્યોઃ ભાજપ
ભાજપે કોંગ્રેસના પોટ બ્રેકીંગ વિરોધને આડે હાથ લીધો છે. ભાજપના નેતા શહેઝાદ પૂનાવાલાએ કહ્યું, “આ જળ સંકટ ગઈકાલથી શરૂ થયું ન હતું. તે સમગ્ર ચૂંટણી દરમિયાન ચાલુ રહ્યું કારણ કે ઉનાળો શરૂ થઈ ગયો હતો. તેઓ (કોંગ્રેસ) દિલ્હીમાં AAP સાથે ગઠબંધનમાં હતા અને બેઠકો વહેંચી હતી, તેથી તેમણે આ મુદ્દો ત્યારે ઉઠાવ્યો ન હતો. “

તેમણે વધુમાં કહ્યું કે, “દિલ્હી આજે પાણીની તંગીનો સામનો કરી રહી છે કારણ કે આમ આદમી પાર્ટીએ છેલ્લા 10 વર્ષમાં ભ્રષ્ટાચાર સિવાય કંઈ કર્યું નથી. દિલ્હીને સપ્લાય કરવામાં આવતા 50% પાણીનો વેડફાટ થાય છે. AAPએ સુપ્રીમ કોર્ટના આદેશ બાદ પણ પાણીના ટેન્કર, માફિયાઓને આપ્યા છે. જ્યારે પાણીના ટેન્કર માફિયાઓ સામે કોઈ તપાસ કરવામાં આવતી નથી. ત્યારે આ AAP અને પાણી માફિયાઓ વચ્ચેના સંબંધો ઘણું કહી જાય છે.

Most Popular

To Top