બાંગ્લાદેશની હાલત દિવસેને દિવસે ખરાબ થઈ રહી છે. નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા અર્થશાસ્ત્રી મોહમ્મદ યુનુસે હિંસા, રાજકીય ઉથલપાથલ, સ્થળાંતર અને આગચંપીની ઘટનાઓ વચ્ચે દેશની કમાન સંભાળી હોવા છતાં તેમના માટે પરિસ્થિતિને સંભાળવી મુશ્કેલ બનશે. તે પણ એવા સમયે જ્યારે તાજેતરમાં એક ભારતીય ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં તેમણે ભારતને ધમકી આપી હતી. બાંગ્લાદેશને લગતી નવીનતમ અપડેટ એ છે કે આર્થિક મોરચે બધું જ ખરાબ રીતે નિષ્ફળ થઈ રહ્યું છે. ઘણા એટીએમ ખાલી છે અને દેશમાં રોકડની તીવ્ર તંગી છે. દેશના લોકો એક એક પૈસા માટે તરસવા લાગ્યા છે.
ઘણી બેંકોએ એટીએમ બુથ અને બેંકો બંધ કરી દીધી છે. લૂંટને ધ્યાનમાં રાખીને બાંગ્લાદેશની ઘણી બેંકોએ સાવચેતીના પગલા તરીકે તેમના શટર ઉતારી દીધા છે. દેશમાં ઘણી જગ્યાએ ઘણી બેંકોના એટીએમ છે અને તે બંધ છે. ઘણા એવા છે જેમની પાસે એક પૈસો પણ નથી. આ સાથે ભારતથી જતો કાચો માલ, ચોખા, ઘઉં પણ ભારત અને બાંગ્લાદેશની સરહદે અટવાયેલા છે. લોકો રોકડ પૈસા માટે તરસી રહ્યા છે. લોકોને માલ સામાન ખરીદવાના ફાંફા પડી રહ્યા છે.
બેંકર્સને ટાંકીને ડેઈલી સ્ટારના અહેવાલમાં જણાવાયું છે કે ઘણા એટીએમ છે જેમાં રોકડ નથી કારણ કે રોકડ લઈ જતી સુરક્ષા એજન્સીઓએ વર્તમાન પરિસ્થિતિમાં સેવાઓ ન આપવાનો નિર્ણય લીધો છે. બાંગ્લાદેશની સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ ઓબેદુલ હસને પણ રાજીનામું આપવાની જાહેરાત કરી છે. વાસ્તવમાં તેમના રાજીનામાની માંગ સાથે વિદ્યાર્થીઓનો વિરોધ ચાલી રહ્યો હતો. વધુ છ જજોએ રાજીનામા આપ્યા છે. જો કે બાંગ્લાદેશની વચગાળાની સરકારનું પ્રથમ કાર્ય હસીનાના પતનથી શરૂ થયેલી કાયદો અને વ્યવસ્થાની ખરાબ પરિસ્થિતિને સંભાળવાનું છે ત્યારે હવે આર્થિક સંકટનું નિવારણ પણ તેમના માટે એક પડકાર સાબિત થઈ રહ્યો છે.