Gujarat

મા અંબેના ધામ અંબાજીમાં ગુનેગારોથી ત્રાહિમામ પ્રજાએ સ્વૈચ્છાએ સજ્જડ બંધ પાળી વિરોધ દર્શાવ્યો

અંબાજીઃ માતાજીના ધામ અંબાજીમાં ગુનાહિત પ્રવૃત્તિઓ ચરમસીમાએ પહોંચી છે. ગુનેગારોથી ત્રાસી અંબાજીના વેપારીઓએ મંગળવારે બપોરે માનસરોવર ખાતે મિટિંગ કરી હતી. વેપારીઓએ ભેગા થઈ અંબાજી ગામ બંધ રાખવાનો નિર્ણય લીધો હતો.

વેપારીઓના આ નિર્ણયના પગલે પોલીસ તંત્ર દોડતું થયું હતું. અંબાજી પોલીસ સ્ટેશનમાં વેપારીઓ સાથે પોલીસે મિટિંગ કરી આશ્વસન આપ્યું હતું. મિટિંગના અંતે બજાર ચાલુ રાખવાનો નિર્ણય લેવાયો હતો પરંતુ રાત્રે ફરી અંબાજીમાં અલગ અલગ ઠેકાણે ગ્રામજનો અને વેપારીઓની મિટિંગો મળી હતી, જેમાં ગ્રામવાસીઓ અને વેપારીઓ એકમતે અંબાજીમાં બંધનું એલાન કર્યું હતું.

આજે વેહલી સવારે અંબાજી બજાર સજ્જડ બંધ જોવા મળ્યું હતું. અંબાજીમાં આવેલી નાની-મોટી દુકાનો, ચા સ્ટોલ, લારી ગ્લલાઓ બંધ જોવા મળ્યા હતા. જેથી સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે કે, અંબાજીના વેપારીઓ અને ગ્રામજનો પોતાની અને પરિવારની સુરક્ષાને લઇ ચિંતિત છે. વેપારીઓએ અને ગ્રામજનોએ અંબાજી બંધને સમર્થન આપી પોતાના ધંધા-રોજગાર બંધ રાખ્યા છે. આજે અંબાજીના વેપારીઓ અને ગ્રામજનો ભેગા મળીને પોલીસને અંબાજીમાં વધતી ગુનાહિત પ્રવૃત્તિઓને લઇ આવેદન પત્ર આપશે.

શું છે સમગ્ર મામલો?
અંબાજીમાં ભરબજારે લુખ્ખા તત્ત્વોએ એક મેડિકલ સ્ટોર પર પથ્થરમારો કર્યો હતો. આ મેડિકલ સ્ટોર્સ રાજ્યના આરોગ્ય મંત્રીના મોટાભાઈનો હતો. તો સાથે સાથે અંબાજીમાં બાઈક ચોરી, મોબાઈલ છીનવી લેવા, ઘરફોડ જેવી અનેક ઘટનાઓને પગલે અંબાજીના લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

પોલીસે અંબાજીને ભયમુક્ત બનાવવાનું આશ્વસન આપ્યું
વેપારીઓ સાથેની મિટિંગમાં પોલીસે ગ્રામજનો અને વેપારીઓને સુરક્ષાનું આશ્વસન આપ્યું હતું. પોલીસે કહ્યું હતું કે, સોમવારે અંબાજીમાં જે ગુનો બન્યો હતો, તે ઘટનામાં બે આરોપીઓની ધરપકડ કરી લેવાઈ છે. અંબાજી ગામની સુરક્ષાને મામલે પેટ્રોલિંગ પણ વધારવામાં આવશે. આ સાથે ઘોડેસવારી સાથે વોચ રાખવા અને વાહન ચેકિંગની ઝૂંબેશ પણ વધારવામાં આવશે. અંબાજીને ભયમુક્ત બનાવવાનું આશ્વસન પોલીસે આપ્યું હતું.

Most Popular

To Top