સુરત: એ.કે.રોડ પર રહેતી અને નવસારી કોલેજમાં ફિઝિયોથેરાપીનો અભ્યાસ કરતી યુવતીનો એક અજાણ્યો એક મહિનાથી સુરતથી નવસારી અને નવસારીથી સુરત ટ્રેનમાં પીછો કરતો હતો. ગઈકાલે યુવતીને રોકીને નામ અને સરનામું પૂછતાં યુવતીએ બૂમાબૂમ કરી હતી. લોકોની ભીડે તેને પકડી મેથીપાક આપી પોલીસના હવાલે કર્યો હતો. મહિધરપુરા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
- એકતરફી પ્રેમમાં રોમિયો છેલ્લા એક મહિનાથી યુવતી સાથે સુરત-નવસારી અપડાઉન કરતો હતો
- અજાણ્યાએ પીછો કરતાં યુવતીએ બૂમાબૂમ કરી, તો લોકોએ તેને પકડી મેથીપાક આપી પોલીસના હવાલે કર્યો
એ.કે.રોડ ફૂલપાડા ખાતે રહેતી 22 વર્ષીય મીના (નામ બદલ્યું છે) નવસારી ખાતે આવેલી કોલેજમાં ફિજિયોથેરાપીનો અભ્યાસ કરે છે. મીના છેલ્લાં ત્રણ વર્ષથી નવસારી ટ્રેનમાં અપ-ડાઉન કરે છે. છેલ્લા એક મહિનાથી એક અજાણ્યો માણસ મીના સાથે સુરત રેલવે સ્ટેશનથી ટ્રેનમાં બેસીને નવસારી રેલવે સ્ટેશન આવતો હતો.
શરૂઆતમાં મીનાને આ વ્યક્તિ તેના કામથી આવતો હોય તેવું લાગ્યું હતું. પરંતુ આ વ્યક્તિ મીના સાથે સુરતથી નવસારી જતો અને નવસારીથી પરત તેની સાથે જ સુરત ટ્રેનમાં આવતો હતો. રોજ આ જોઈને મીનાને અજૂગતું લાગ્યું હતું. બાદમાં તે નવસારી રેલવે સ્ટેશનમાં મીના જે જગ્યાએ ઊભી હોય ત્યાં બાજુમાં આવીને ઊભો રહી જતો હતો.
આ વ્યક્તિ નવસારી રેલવે સ્ટેશનના બહાર જવાના ગેટ સુધી મીનાની પાછળ-પાછળ આવી નામ તથા ક્યાં જાય છે તેવું વારંવાર પૂછતો હતો. મીનાએ આ અંગે તેના ઘરમાં વાત કરી હતી. જેથી છેલ્લા વિસેક દિવસથી મીનાના પિતાજ અથવા તો ભાઇ સુરત રેલવે સ્ટેશન લેવા-મૂકવા માટે આવવા લાગ્યા હતા. ત્યારે પણ આ અજાણ્યા પાછળ જતો હતો. પરંતુ સુરત પાર્સલ ઓફિસ પાસે તેનો ભાઇ કે પિતાજને ઊભેલા જોઇને તે રસ્તો બદલાવીને ક્યાંક જતો રહેતો હતો. અને કોઈ ન દેખાય ત્યારે પાછળ આવી મીનાને ઘરનું સરનામું પૂછીને ઘરે મૂકવા માટે આવવાનું જણાવતો હતો.
ગઈકાલે સાંજે નવસારીથી સુરત ટ્રેનમાં આવ્યા બાદ પીછો કરતો-કરતો મહિધરપુરા પાર્સલ ઓફિસ સુધી આવ્યો હતો. વરસાદ હોવાના કારણે મીનાના પિતા કે ભાઇ કોઈ લેવા આવ્યું ન હતું. ત્યારે અજાણ્યાએ ઘરે મૂકવા આવું કહેતાં મીનાએ કંટાળીને તું મારો પીછો કેમ કરે છે તેમ પૂછ્યું હતું. અજાણ્યાએ હું તને પસંદ કરું છું. તારા ઘરનું સરનામું તથા તારું નામ જણાવ તેમ કહેતાં મીનાએ બૂમાબૂમ કરતાં રાહદારીઓનું ટોળું ભેગું થયું હતું. લોકોના ટોળાએ તેને પકડી લીધો હતો. તેનું નામ પૂછતાં હિમ્મતભાઇ છગનભાઇ વાનાણી (રહે.,નંદપાર્ક સોસાયટી, એ.કે.રોડ) હોવાનું જણાવ્યું હતું. લોકોએ તેને માર મારી પોલીસના હવાલે કર્યો હતો.