SURAT

સુરતીઓ જોરદાર વરસાદમાં ટ્રાફિક સિગ્નલ પર ભીંજાયા: ઉકાઈથી આવ્યા આ સમાચાર

સુરત: શહેરમાં આજે સવારથી વાદળછાયું વાતાવરણ હતું. સવારે 8 વાગ્યાથી ઝરમર વરસાદ વરસી રહ્યો હતો. દરમિયાન લોકોના નોકરી જવાના સમયે સવારે 10.30 કલાકે સમગ્ર શહેરમાં વરસાદે ધડબડાટી બોલાવવાનું શરૂ કર્યું હતું. સતત એક કલાક સુધી જોરદાર વરસાદ વરસ્યો હતો, જેના લીધે નોકરી ધંધા પર જતા લોકો હેરાન થયા હતા.

બપોરના 12 વાગ્યા સુધીના આંકડા(મીમી)માં

  • ઓલપાડ    11
  • માંગરોળ    0
  • ઉમરપાડા    0
  • માંડવી    0
  • કામરેજ    12
  • સુરત શહેર    16
  • ચોર્યાસી    12
  • પલસાણા    16
  • બારડોલી    1
  • મહુવા    3

જોરદાર વરસાદ વચ્ચે રેડ સિગ્નલ પર ફરજિયાત ઉભા રહેવાની મજબૂરી વાહનચાલકોના ચહેરા પર સ્પષ્ટ દેખાતી હતી. પહેલો જ જોરદાર વરસાદ હોય કેટલાંય વાહન ચાલકો રેઈનકોડ લીધા વિના નીકળ્યા હતા. સિગ્નલ પર ઉભા રહી પલળવું તેમની મજબૂરી બની હતી. કેટલાંય વાહન ચાલકો ઝાડ નીચે કે રોડ સાઈડની ઈમારતોની આડશમાં વરસાદથી બચતા જોવા મળ્યા હતા.

વિતેલાં કેટલાક વરસથી સિટીમાં વરસાદની પેર્ટનમાં બદલાવ
સુરત શહેરમાં વરસાદની પેર્ટનમાં અસામાન્ય બદલાવ જોવા મળ્યો છે. પહેલા સુરતમાં વરસાની હેલીથી શરૂ કરી પાણીની રેલમછેલ જોવા મળતી હતી. પરંતુ તે સમય હવે વિસરાઇ ગયો છે. હવે વરસાદ છુટક છૂટક તેમજ અમુક અમુક વિસ્તારોમાં જોવા મળે છે. એ સાથે સાથે મોટાભાગે રાતે અને સવારના સમયે ઠંડક ભરેલા વાતાવરણમાં વરસાદ ખાબકે છે. આખો દિવસ શહેરમાં ઉઘાડ રહે છે.

ઉમરપાડામાં 1.25 ઇંચ સહિત સાર્વત્રિક વરસાદ નોંધાયો
સુરત શહેર અને જિલ્લામાં વરસાદ ધડબડાટી બોલાવી રહ્યો છે. ઉમરપાડામાં 29 એમએમ વરસાદ સાથે જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. જેના પગલે ઉકાઇ ડેમમાં પણ નવા નીરની શરૂઆત થઇ છે. તે સિવાય વાત કરીએ તો ઓલપાડમાં 9, કામરેજમાં 3 સિટીમાં પલસાણામાં 2 અને બારડોલી તેમજ કામરેજમાં 1-1 એમએમ વરસાદ ખાબકયો છે. ચોયાર્સી તાલુકામાં પણ 7 એમએમ વરસાદ નોંધાયો છે.

ઉકાઇ ડેમમાં 6300 ક્યૂસેક પાણીની આવક
ઉકાઇ ડેમ કંટ્રોલરૂમના સાધનોના જણાવ્યાનુસાર ઉકાઇ ડેમના ઉપરવાસમાં પણ બે ગેજ સ્ટેશનમાં વરસાદ ખાબકયો હતો. ઉપરવાસની વાત કરીએ તો ટેસ્કામાં 18.5 એમએમ, નરનેમાંમાં 17.6 એમએમ વરસાદ પડતા ડેમમાં 6300 કયુસેકસ સાથે પાણીની આવક શરૂ થઇ ગઇ છે.

ગયા વર્ષની સરખામણીએ આ વખતે બે દિવસ વહેલું ઉકાઈ ડેમમાં પાણી આવ્યું છે. ઉકાઇ ડેમના કેચમેન્ટના 52 રેઇનગેજ સ્ટેશનમાં સતત વરસાદ વરસતા ચોમાસાની સિઝનમાં સરેરાશ 3.96 ઇંચ વરસાદની સાથે જ હથનુર ડેમમાંથી 2 હજાર કયુસેક પાણી છોડાતા આજે તા. 28 જૂનની સવારે 10ના ટકોરે ઉકાઇ ડેમની સપાટી 305.40 ફુટ પર પહોંચી હતી ત્યારે 6300 કયુસેક ઇનફલોથી નવા નીર આવતા ડેમના સતાધીશો સાવધાન સ્થિતિમાં આવી ગયા હતા.

ઉપરવાસમાં અત્યાર સુધીનો સૌથી વધુ વરસાદ દુસખેડામાં
આ ચોમાસાની ઋતુમાં અત્યાર સુધીમાં સૌથી વધુ વરસાદ દુસખેડામાં 14.16 ઇંચ, દહીગાવમાં 10.05 ઇંચ, ઘુલીયામાં 10 ઇંચ, બેમ્બુ્રલ માં 8 ઇંચ, ચીખલધરામાં 9.5 ઇંચ સહિત ઉકાઇ થી લઇને ટેસ્કા સુધીના 52 રેઇનગેજ સ્ટેશનમાં 5150 મિ.મિ અને સરેરાશ 3.96 ઇંચ વરસાદ ખાબકયો છે. આ વરસાદ ઝીંકાતા જ હથનુર ડેમમાં પાણી આવતા દરવાજા ખોલીને 2 હજાર કયુસેક પાણી છોડાયુ હતુ. ત્યાંથી લઇને ઉકાઇ ડેમ પછીના પ્રથમ પ્રકાશા ડેમમાંથી 3500 કયુસેક પાણી છોડાયુ હતુ.

Most Popular

To Top