Business

વિસર્જન યાત્રાના લીધે ડુમસ તરફ જતો રસ્તો બંધ કરાતા એરપોર્ટ જતા લોકો અટવાયા, લોકોએ ડિવાઈડર કુદાવ્યા

સુરતઃ ગણેશ વિસર્જન યાત્રાના પગલે તંત્ર દ્વારા ડુમસ ઓવારા તરફ જતા રસ્તાને વાહનચાલકો માટે બંધ કરી દેવામાં આવ્યો હતો, જેના પગલે સવારથી જ એરપોર્ટ તરફ જતા પેસેન્જરો અટવાયા હતા. પેસેન્જરોના ખાનગી વાહનોને પોલીસ દ્વારા ડુમસ તરફ જતા રોકવામાં આવ્યા હતા, જેના પગલે લોકો અને પોલીસ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો જોવા મળ્યા હતા. જોકે, બાદમાં એરપોર્ટ પર જવા માટે પોલીસ તંત્ર દ્વારા મંજૂરી આપવામાં આવી હતી, જેના પગલે લોકો એરપોર્ટ સુધી જઈ શક્યા હતા. એરપોર્ટથી આગળ પોલીસ તૈનાત થઈ ગઈ હતી. આગળ ખાનગી વાહનોને જવા દેવામાં આવ્યા ન હતા.

દરમિયાન ડુમસ તરફ જતો રસ્તો બંધ કરી દેવામાં આવતા લોકો પોતાના વાહનો ડિવાઈડર કુદાવતા જોવા મળ્યા હતા. લોકો પોતાનો તથા અન્યોનો જીવ જોખમમાં મુકતા હતા.

તાપથી બચવા છત્રીનો સહારો લીધો
આ વર્ષે ચોમાસું ભરપુર રહ્યું છે. ગણેશ ઉત્સવ દરમિયાન પણ મેઘરાજા મન મુકીને વરસ્યા છે, પરંતુ આજે અનંત ચતુર્દશીના દિવસે વાદળો હટી ગયા હતા અને આકાશ કોરુંધાકર થઈ ગયું હતું. તડકો નીકળ્યો હતો. બપોર થતા તાપ પડી રહ્યો હતો. લોકોએ તાપ અને તડકાથી બચવા માટે છત્રીનો સહારો લીધો હતો.

ડુમસ રોડ પર રસોડા લાગ્યા
ગણેશ વિસર્જન યાત્રામાં જોડાતા શ્રદ્ધાળુઓની સેવા માટે દર વર્ષે રસ્તાઓ પર ઠેરઠેર નાસ્તા-પાણીના સ્ટોલ લાગતા હોય છે. આ વર્ષે પણ આવા સ્ટોલ જોવા મળ્યા હતા. ડુમસ ઓવારાના રોડ પર રસોડા લાગ્યા હતા. ભંડારા ચાલતા જોવા મળ્યા હતા. જ્યાં સ્વયંસેવકો દ્વારા વિનામૂલ્યે લોકોને પ્રસાદી સ્વરૂપે ભોજન પીરસવામાં આવી રહ્યું હતું.

ગુલાલની છોળો ઉડી, ખૂબ ફટાકડા ફૂટ્યા
કોરોના બાદ આ પહેલું વર્ષ છે જ્યારે ભક્તો ગણેશ ઉત્સવમાં ખૂબ જ ઉત્સાહથી જોડાયા છે. આ વર્ષે ગણેશ વિસર્જન યાત્રામાં ડીજે અને સાઉન્ડ સિસ્ટમ ખૂબ વગાડવામાં આવી હતી. ગુલાલની છોળો ઉડાડ્વામાં આવી હતી અને ભક્તો દ્વારા ખૂબ ફટાકડા ફોડવામાં આવ્યા હતા. સ્થાનિકો ઉપરાંત પરપ્રાંતિયો પણ વિસર્જન યાત્રામાં જોડાયા હતા. વિસર્જન યાત્રાના દર્શન માટે રસ્તાની બંને તરફની ફૂટપાથ પર ભીડ જોવા મળી હતી.

Most Popular

To Top