Editorial

કેટલો ખર્ચ થયો અને કેટલી વસૂલાત થઈ, લોકોને ખબર જ નથી! ટોલનાકાઓ પરની લૂંટ બંધ થવી જોઈએ

દેશમાં જો છડેચોક ઉઘાડી લૂંટ ચાલતી હોય તો તે છે હાઈવેના ટોલનાકા પર ટોલના નામે થતાં ઉઘરાણા. જે તે સમયે જ્યારે હાઈવે બનાવવામાં આવ્યો ત્યારે તેના થયેલા ખર્ચ અને હાલમાં થતાં મેઈન્ટેનન્સ માટે ટોલનાકા દ્વારા પ્રત્યેક વાહનચાલકો પાસેથી નાણાંની વસૂલાત કરવામાં આવે છે. દેખીતી રીતે આ કોન્સેપ્ટ ખૂબ સારો છે. પરંતુ તેમાં પડદા પાછળ મોટો ભ્રષ્ટાચાર સમાયેલો છે. દેશમાં અનેક ટોલનાકા એવા છે કે જેણે જે તે હાઈવેના ખર્ચની સામે અનેકગણી રકમની વસૂલાતો કરી લીધી છે. ટોલનાકાનો કોન્ટ્રાક્ટ લેનાર જે તે એજન્સી દ્વારા હાઈવેનું મેઈન્ટેનન્સ પણ કરવામાં આવતું નથી. ખાડાઓ પુરાતા નથી અને પટ્ટાઓ પાડવામાં આવતા નથી છતાં પણ ટોલની વસૂલાત તો ધોળે દહાડે થતી જ રહે છે અને વાહનચાલકો લૂંટાતા જ રહે છે. રાજસ્થાનમાં તો ખુદ સાંસદે જ હાઈવે પર ટોલનાકા દ્વારા ચલાવવામાં આવતી લૂંટનો પર્દાફાશ કર્યો છે.

સાંસદે કહ્યું છે કે, આ હાઈવે પર થયેલા ખર્ચની સામે 3000 કરોડ વધુ ટોલનું ઉઘરાણું કરી લેવામાં આવ્યું છે અને હજુ પણ અટકતું નથી. તાજેતરમાં રાજ્યસભામાં આ અંગે પ્રશ્ન પણ પુછવામાં આવ્યો હતો. જેમાં કેન્દ્રીય મંત્રી ગડકરીએ એવું જણાવ્યું હતું કે, સેટેલાઈટ આધારીત ટોલિંગ માટે સૂચન કરવામાં આવ્યું છે. જેમાં આગામી દિવસોમાં ધ્યાન અપાશે. ગડકરીએ જોકે, એવું પણ કહ્યું કે માળખાગત સુવિધાઓમાં રોકાણને કારણે ટોલચાર્જ જરૂરી છે. પરંતુ હકીકત એ છે કે ટોલચાર્જના નામે વાહનચાલકો લૂંટાવા પણ જોઈએ નહીં.

2008માં જ્યારે હાઈવે પર ટોલ પ્લાઝા માટેના નિયમો બનાવવામાં આવ્યા ત્યારે એવું નક્કી કરવામાં આવ્યું હતું કે એક જ હાઈવે પર ટોલપ્લાઝાઓ વચ્ચે ઓછામાં ઓછું 60 કિ.મી.નું અંતર હોવું જોઈએ. જોકે, અનેક ઠેકાણે આ નિયમને પાળવામાં આવતો નથી અને ટોલ ઉઘરાવાવમાં આવે છે.

જોવા જેવી વાત એ છે કે ટોલનાકાઓ પર થતી ઉઘાડી લૂંટને કારણે વર્ષ 2023-24માં ટોલ વસૂલાતનો આંક રૂપિયા 64809 કરોડ પર પહોંચી ગયો છે. જે ગયા વર્ષ કરતાં 35 ટકા વધુ હતો. આ ચોખ્ખું દેખાઈ રહ્યું છે કે ટોલનાકાઓ પર લૂંટ ચાલી જ રહી છે. જે ખરેખર બંધ થવી જોઈએ. આ દેશનો નાગરિક એટલો કમનસીબ છે કે જે તે હાઈવે પર કેટલા રૂપિયાનો ખર્ચ થયો અને મેઈન્ટેનન્સનો કેટલો ખર્ચ થાય છે તેનો કોઈ જ હિસાબ તેને મળતો નથી અને પરિણામે ટોલનાકાનો કોન્ટ્રાક્ટ ધરાવતી એજન્સીઓ બારોબાર તેને લૂંટી રહી છે.

જેમ જેમ હાઈવે બનાવવાનો ખર્ચ વસૂલ થતો રહે તેમ તેમ ટોલચાર્જમાં ઘટાડો થવો જોઈએ. બાદમાં માત્ર હાઈવેના મેઈન્ટેનન્સ માટે જ ચાર્જ ઉઘરાવવો જોઈએ પરંતુ એજન્સીઓ તમામને ઘોળીને પી જઈને વાહનચાલકો પાસેથી રીતસર કાયદેસરનો તોડ જ કરી રહી છે. જો કેન્દ્ર સરકાર પારદર્શક વહિવટ કરવા માંગતી હોય તો દરેક ટોલનાકા પર હાઈવેને બનાવવા માટે અને મેઈન્ટેનન્સ કરવા માટે કેટલો ખર્ચ થયો કે થઈ રહ્યો છે? તેની વિગતો મોટા અક્ષરે લખાવવી જોઈએ અને રોજ તેમાંથી કેટલી રકમ બાદ થઈ રહી છે તેની વિગતો પણ લખાવી જોઈએ. આમ થાય તો વાહનચાલકોને ખબર પડે કે તેના નાણાં ખરેખર હાઈવેના ખર્ચરૂપે વસૂલાઈ રહ્યા છે કે પછી લૂંટ થઈ રહી છે. સરકાર દ્વારા વાહન જ્યારે ખરીદવામાં આવે ત્યારે જ રોડ ટેક્ષ લઈ જ લેવામાં આવે છે. જો એક વખત રોડ ટેક્ષ લઈ જ લેવામાં આવતો હોય તો પછી ટોલ લેવામાં આવી રહ્યો છે તે ગેરકાયદે છે.

દેશના તમામ હાઈવેના ટોલનાકાઓ પર વાહનચાલકો લૂંટાઈ જ રહ્યા છે. ક્યાંય પારદર્શિતા નથી. ક્યાંય નિયમોનું પાલન કરવામાં આવતું નથી. સ્થાનિક લોકોને કોઈ જ રાહતો આપવામાં આવતી નથી. લોકોનો અવાજ ટોલચાર્જના મામલે કોઈ જ સાંભળવા તૈયાર નથી ત્યારે કેન્દ્ર સરકારે નવી પોલિસી તાત્કાલિક લાવીને આ મામલે પારદર્શિતા ઊભી કરવી જોઈએ. જો તેમ થશે તો જ લોકોનો ભરોસો રહેશે, અન્યથા ગમે ત્યારે ટોલચાર્જના મામલે ગમે ત્યારે લોકોનો ગુસ્સો વિસ્ફોટક બની શકે છે તે નક્કી છે.

Most Popular

To Top