વર્તમાન સમય દરમિયાન જે પ્રકારે રાજકીય પક્ષોની હુંસાતુસી જણાય છે એ જોતાં એવું થઈ રહ્યું છે કે લોકકલ્યાણના કાર્યોમાં એમને રસ જ નથી! મોંઘવારી એ તમામ મર્યાદા નેવે મૂકી છે! કોરોનાકાળ બાદ અત્ર, તત્ર સર્વત્ર ‘‘ઉઘાડી લૂંટ’’ દૃશ્યમાન થાય છે! શાકભાજી, તેલ, ખાંડ મસાલા વિ. અનેક જીવન જરૂરિયાતની ચીજ વસ્તુના ભાવ આસમાને છે! સામાન્ય વર્ગનો પ્રજા સદા મોંઘવારીની ભીંસમાં ભીંસાતી જ જાય છે. અત્યારે સત્તારૂઢ સરકારે મોંઘવારી નાથવાની પ્રથમ આવશ્યક્તા છે. રાજકારણીઓને મોંઘવારી નડતી નથી ને નડવાની નથી!
એમના પગાર ભથ્થા અને અપાતી સવલતો પર દૃષ્ટિપાત કરીએ તો એમનો આર્થિક પરિસ્થિતી અત્યંત સધ્ધર જ હોય! અમીર વર્ગને મોંઘવારીની ખાસ અસર થતી નથી, જે ભપકાદાર લગ્ન સમાંરભનો ખબરોથી સદા ચર્ચામાં હોય છે! અસર તો મધ્યમવર્ગ અને ગરીબ પરિવારોને જ થાય છે. રાજકીય પક્ષોએ ચૂંટણી ટાણે આપેલા વચનો નિભાવવા પ્રજાકલ્યાણ કાર્યો પર ધ્યાન કેન્દ્રિત કરે તો બીજીવાર મત માંગવાને યોગ્ય લેખાશે! બાકી ટી.વી. પર એકમેકને આક્ષેપો દ્વારા ઉતરતી કક્ષાના સિધ્ધ કરવા એ અયોગ્ય કહેવાય. પ્રજાને લોકકલ્યાણના કાર્યોમાં રસ છે નહીં કે તમારા ‘સમારંગણ’’માં!
સુરત – નેહા શાહ આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
વૃક્ષો જેવા પરોપકારી બનો
સરકારનું ‘વધુ વૃક્ષ વાવો’ નામનું સ્લોગન બહુ જાણીતું છે. વૃક્ષો પર્યાવરણની સમતુલા જાળવે છે. પાંખા થતા જંગલોના કારણે ઘણીવાર પર્યાવરણની સમતુલા જળવાતી નથી જેથી ગ્લોબલ-વોર્મિંગની અસર ઉભી થાય છે. જેના કારણે વાતાવરણ પર અસર પડે અને વધારે ગરમી પડે અને વરસાદ ઓછો પડે એવી અસર અનુભવાતી હોય છે. હાલમાં વરસાદની મૌસમ છે, એટલે પડતર કે ખરાબાની જમીન પર વધુ વૃક્ષો વાવવાં જોઇએ.
કેમ કે ‘છોડમાં રણછોડ’ છે. ભગવાનનો વાસ છે. એટલે વૃક્ષોનું નિકંદન ન કરવું જોઇએ. માણસ જાત કોઇએ કરેલો ઉપકાર ભુલી જાય છે. પરંતુ વૃક્ષો જેવા પરોપકારી બનો, વૃક્ષો પોતે તાપ-તડકો, સહન કરે છે અને રાહદારીઓને છાંયડો આપે છે. તેમજ ચોમાસામાં વૃક્ષો, વરસાદ સહન કરે છે અને રાહદારી બાઇક ચાલકોને રક્ષણ આપે છે. આમ વૃક્ષોનું વાવેતર તો કરી દેવાય છે પરંતુ પછી વૃક્ષોનું જતન કે માવજત નથી કરાતી જેથી વૃક્ષો નાશ પામે છે. વૃક્ષોના ગુણધર્મ બહુ ઉંચા હોય છે.
તરસાડા – પ્રવીણસિંહ મહીડા આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.