Gujarat

ગુજરાત સરકારે કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં આઠ ટકાનો વધારો કર્યો

ગાંધીનગર: ગુજરાત સરકારે (Gujarat Government) પોતાના કર્મચારીઓ (Employees) અને પેન્શનરોના (Pensioners) મોંઘવારી ભથ્થામાં ૪-૪ ટકાની અસરના બે વધારા આપવાનો નિર્ણય કર્યો છે, જો કે જે કર્મચારીઓ સાતમા પગારપંચની ભલામણો હેઠળ આવે છે તેમને જ આ વધારો મળશે એમ જણાવાયું છે.

ગુજરાત સરકારના કર્મચારીઓના અને પેન્શનર્સના મોંઘવારી ભથ્થામાં કેન્દ્ર સરકારના ધોરણે ૪ ટકાનો વધારો તા-૦૧-૦૭-૨૦૨૨ની અસરથી તેમજ બીજા ૪ ટકાનો વધારો તા.-૦૧-૦૧-૨૦૨૩ની અસરથી આપવાનો નિર્ણય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યો છે. આ વધારાનો લાભ જે કર્મચારીઓને સાતમા પગારપંચનો લાભ અપાયેલો છે, તેમને જ મળવાપાત્ર થશે, તેવું પણ નિયત કરવામાં આવ્યું છે. સરકારના આ નિર્ણય અનુસાર રાજ્ય સરકારના, પંચાયત સેવાના તથા રાજ્ય સરકારના અન્ય કર્મચારીઓ અને પેન્શનર્સ મળી અંદાજે કુલ ૯.૩૮ લાખ લોકોને મોંઘવારી ભથ્થાનો આ વધારાનો લાભ મળશે.

સરકારે લીધેલા નિર્ણય મુજબ , તા-૦૧-૦૭-૨૦૨૨ તથા તા.૦૧-૦૧-૨૦૨૩ની અસરથી આપવાના થતા મોંઘવારી ભથ્થામાં આ આઠ ટકા વધારાથી જે એરિયર્સની રકમ આપવાની થાય છે, તે ત્રણ હપ્તામાં આપવાનો નિર્ણય કર્યો છે.તદઅનુસાર, તફાવતની રકમનો પ્રથમ હપ્તો જૂન-૨૦૨૩ના પગાર સાથે, બીજો હપ્તો ઓગસ્ટ-૨૦૨૩ના પગાર સાથે અને ત્રીજો હપ્તો ઓકટોબર-૨૦૨૩ના પગાર સાથે ચૂકવવામાં આવશે. મોંઘવારી ભથ્થાના આ વધારાના પરિણામે રાજ્ય સરકારને અંદાજે વાર્ષિક રૂપિયા ૪,૫૧૬ કરોડનું નાણાકીય ભારણ વધશે.

રાજ્ય સરકારના પરિપત્રમાં જણાવાયા મુજબ રાજ્ય સરકારના કર્મચારીઓ અને પેન્શનરોના પગાર, પેન્શનમાં પ્રવર્તમાન ૩૪ ટકા મોંઘવારી ભથ્થું મળતું હતું જેમાં ઉપર જણાવ્યા મુજબના ૪-૪ ટકાના બે વધારા સાથે આઠ ટકાનો વધારો કરવાનું વિચારણા હેઠળ હતું, જે મુજબ આ વધારો કરવાનો નિર્ણય કરાયો છે. આ સાથે પહેલા ૪ ટકાના વધારા સાથે મોંઘવારી ભથ્થું મૂળ પગારના ૩૮ ટકા અને બીજા ૪ ટકાના વધારા સાથે કુલ મોંઘવારી ભથ્થું હવે ૪૨ ટકા થશે. અને પાછલી અસરથી અમલ ગણતા ચુકવવાની બાકી રકમ ત્રણ હપ્તામાં ચુકવી આપવામાં આવશે એમ પણ જણાવાયું છે.

Most Popular

To Top