Comments

પેન્શન યોજના અને ભયસ્થાનો

પંજાબમાં આપ સરકારે ગુજરાત વિધાનસભામાં પગપેસારો કરવાના ઇરાદે પંજાબમાં જૂની પેન્શન યોજના ફરી દાખલ કરવાનો નિર્ણય કર્યો છે. ગયા મે મહિનામાં કોંગ્રેસશાસિત બે રાજયો રાજસ્થાન અને છત્તીસગઢે જૂની પેન્શન યોજનાનો અમલ કરવાનો નિણરય કર્યો છે અને ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં ચૂંટાય તો ત્યાં પણ અમલ કરવાનું કોંગ્રેસે વચન આપ્યું છે. જૂની પેન્શન યોજનામાં કર્મચારીને તેમના છેલ્લે મળેલા મૂળ પગાર અને નિવૃત્તિ સમયના મોંઘવારી ભથ્થાના 50 ટકા મળે છે. આ યોજના હેઠળ કર્મચારીઓએ તેમના પેન્શન માટે ફાળો નથી આપવાનો રહેતો. આ ઉપરાંત મોંઘવારી ભથ્થું પણ ફુગાવાના આધારે ગણી દર છ મહિને ઉમેરીને આપવામાં આવે છે.

નવી પેન્શન યોજનામાં વ્યકિતની નોકરી દરમ્યાનના સમયમાં બચત ફાળામાં જમા કરવામાં આવે છે. વ્યકિત જાહેર ક્ષેત્રની બેંકો કે ખાનગી કંપનીઓ દ્વારા મૂકાયેલી યોજનાઓમાંથી કોઇની પસંદગી કરી શકે છે. આપણે સમજવું રહ્યું કે નવી પેન્શન યોજના એટલી નવી નથી. તે તા. 1લી એપ્રિલ 2003થી અમલમાં આવી. પણ જૂની પેન્શન યોજના પાછી આવે તો ચૂકવણી કોણ કરશે? પેન્શન ચૂકવણી હિમાચલ પ્રદેશની મળતા કરવેરાના 80 ટકા ખાઇ જાય છે. કોંગ્રેસ જીતે અને જૂની પેન્શન યોજના દાખલ કરે તો પેન્શનનો ખર્ચ અને તે જ રાજયની કરવેરાની આવક ખાઇ જશે!

છેલ્લા બે દાયકામાં કલ્યાણના નામે બેજવાબદાર રાજકારણ નાણાંકીય શિસ્તની કેવી ઐસી કી તૈસી કરે છે તેનું એક ઉદાહરણ છે. સાચે જ ગરીબો અને વંચિતો આવી યોજનાઓના મુખ્ય લાભાર્થીઓ હોત તો એવો તર્ક સમજી શકાયો હોત કે નાણાંકીય શિસ્ત સામે કલ્યાણને વધુ મહત્ત્વ આપવું પડે. પણ વાત એવી નથી. તમામ રાજકીય પક્ષો આવી મફતની રેવડીની અવિચારીપણે લ્હાણી કરે છે. કેટલાક દાખલા લો. દિલ્હીના વીજળીના વપરાશકારોને આવકના ધોરણ વગર દર મહિને 200 યુનિટ સુધી મફત વીજળી મળે છે. લાખોપતિ પણ મફત વીજળી વાપરી શકે. કેન્દ્ર સરકાર કોઇ પણ પ્રશ્ન પૂછયા વગર દરેક જમીન માલિકને દર વર્ષે રૂા. 6000 આપે છે.

તેલંગણા સરકાર પણ આ ચીલે ચાલી ખેતરનું કદ ધ્યાનમાં લીધા વગર જમીન માલિક હોય તેવા દરેક ખેડૂતોને એકર દીઠ રૂા. 10000 આપે છે. આથી 20 એકર જમીનના માલિક હોય એવા પૈસાદાર ખેડૂતને પણ વર્ષે રૂા. બે લાખ મળે અને તે ઉપરાંત તેની ખેતીની અને અન્ય સંબંધિત આવક તો ખરી જ! કલ્યાણવાદની પાયાની નીતિનો આનાથી ઇન્કાર થાય છે. ભારત એટલું તવંગર રાજય હોત કે સ્કેન્ડીનેવિયાના દેશો જેવી કલ્યાણ યોજના આટલા પાયે હાથ ધરી શકે તો સમજી શકાય પણ એવું કયાં છે? મોટા ભાગની રાજય સરકારોને નાણાંની ભયંકર તંગી છે અને શાળાના શિક્ષકો અને નર્સોને ચૂકવવાના પૈસા નથી. તેમના પર તો દેવાનો બોજ છે.

પંજાબ સરકાર કલ્યાણ યોજનાઓથી વરસી પડે છે. પણ છઠ્ઠા પંજાબ નાણાં પંચનો હેવાલ કહે છે કે પંજાબ રાજયની એકંદર પ્રાદેશિક ઘરેલુ ઉત્પાદનના 48 ટકા દેવાનો ભાર ધરાવે છે. આવતા વર્ષે વધુ ગંભીર પરિસ્થિતિ સર્જાશે. 2021-22માં દેવું 2.84 લાખ કરોડ હતું તે ચાલુ નાણાંકીય વર્ષમાં રૂા. 3.05 લાખ કરોડ થશે. આમાં સરકાર જૂની પેન્શન યોજના દાખલ કરે તો શું થાય? મફત વીજળી ઉપરાંત મફતની અન્ય રેવડીઓ પણ વહેલા મોડા કાયમી સમસ્યા પેદા કરશે જ. એન.ડી.એ. અને યુ.પી.એ. સરકારે પેન્શન સુધારાને ટેકો આપ્યો હોવાથી જૂની પેન્શન યોજના દાખલ કરવાનું પગલું બેજવાબદાર નીવડશે. વાજપાયીના શાસન હેઠળ એન.ડી.એ. સરકાર નવી પેન્શન યોજના લાવી હતી. જેમાં દરેક સરકારી કર્મચારીઓએ પોતાના વૃધ્ધાવસ્થા માટેના પેન્શન ભંડોળમાં ફાળો આપવાનો હતો.

ડો. મનમોહન સિંહની આગેવાની હેઠળની યુ.પી.એ. સરકારે ઉત્સાહપૂર્વક નવી પેન્શન યોજનાનો અમલ કર્યો હતો. નાણાંકીય કટોકટીને બેફામ બનતી અટકાવવા બંને પક્ષને સ્વીકાર્ય પગલાં તરીકે અર્થશાસ્ત્રીઓ અને વિશ્લેષણકારોએ તેને બિરદાવી હતી. નવી પેન્શન યોજના છતાં કેન્દ્ર સરકારે 1991ના રૂા. 3722 કરોડની સામે છેલ્લી રૂા. 2.08 લાખ કરો ચૂકવવા પડતા હતા. રાજયોનો પેન્શન પાછળનો ખર્ચ રૂા. 3800 કરોડથી વધી રૂા. 86 લાખ કરોડ પર પહોંચ્યો. એવામાં હવે જૂની પેન્શન યોજના દાખલ કરો તો શું થાય? બિનજવાબદાર રાજકારણ જૂની પેન્શન યોજના પાછી લાવે તો શું થાય? અરવિંદ કેજરીવાલ મતદારોને લલચાવવા મફતની રેવડી બતાવી જાદુ કરવાની કોશિશ કરતા હોય પણ નવી પેન્શન યોજના દાખલ કરવામાં ભારતીય જનતા પક્ષની પંગતમાં બેસનાર કોંગ્રેસનું શું? આર્થિક સુધારાના છડીદાર પોતે હોવાનો દાવો કરતો પક્ષ થોડા મતો માટે ઘડિયાળના કાંટા કેમ પાછા ફેરવે છે? યુ.પી.એ.ની પહેલી અને ફળદાયી હોય એવી પ્રથમ સરકાર રચનાર ભૂતપૂર્વ વડાપ્રધાન ડો. મનમોહનસિંહ મોં ખોલે.

અમેરિકા જેવાં સમૃદ્ધ રાજયોમાં પણ ઘણી સ્થાનિક સરકારોની નિવૃત્તોને સુધાર્યા વગરના પેન્શન આપવામાં કમર બેવડી વળી ગઇ છે. પણ ભારતમાં? પ્રગતિની સોનાની થાળીમાં કેન્દ્ર અને રાજયોના અર્થતંત્રની વૃધ્ધિ થઇ હોવા છતાં લોઢાની મેખ છે. રાજકારણીઓ તો માત્ર આજને જ જોઇ અભિભૂત થાય છે. પણ આવતી પેઢીને ખાલી તિજોરી મળશે તેનું શું? જૂની પેન્શન યોજના સામે ભારતના કમ્પ્ટ્રોલસ એન્ડ જનરલ ઓફ ઇંડિયાના વર્તમાન અને ભૂતપૂર્વ વડાઓએ લાલબત્તી ધરી છે, પણ આપણા રાજકારણીઓને તો કોઇ પણ રીતે ચૂંટણી જીતવી જ છે ભલે તેમની ભૂલની કિંમત ભાવિ પેઢીએ ચૂકવવી પડે!
       – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top