નવી દિલ્હી: બ્રાઝિલના (Brazil) મહાન ફૂટબોલ ખેલાડી (Football Player) પેલેએ (Pele) આજે અંતિમ શ્વાસ લીધા હતા. ફૂટબોલની દુનિયામાં પેલે પોતાની અલગ જ નામ બનાવ્યું છે. સાઓ પાઉલોની આલ્બર્ટ આઈન્સ્ટાઈન હોસ્પિટલના એક નિવેદન અનુસાર, કોલોન કેન્સરને કારણે પેલેનું ગુરુવારે મલ્ટિ-ઓર્ગન ફેલ્યોર થવાથી મૃત્યુ થયું હતું. પેલેને શ્વસન ચેપ અને આંતરડાના કેન્સરથી સંબંધિત રોગોના કારણે ગયા મહિને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ગયા અઠવાડિયે હોસ્પિટલે કહ્યું હતું કે કેન્સર વધવાથી તેમની તબિયત બગડી રહી છે, ત્યારથી ચાહકોના મનમાં ધાસકો લાગ્યો હતો.
ફૂટબોલનો અર્થ- પેલે
60 વર્ષથી વધુ સમય સુધી એડસન અરેન્ટેસ ડો નાસિમેન્ટો એટલે કે પેલે ફૂટબોલનો પર્યાય બન્યો હતો. પેલે કુલ ચાર વર્લ્ડ કપમાં રમ્યા અને ત્રણ વખત ચેમ્પિયન બન્યા હતા. પરંતુ પેલેનો વારસો તેની ટ્રોફી કેબિનેટ અને નોંધપાત્ર ગોલ-સ્કોરિંગ રેકોર્ડથી પણ આગળ વધે છે. પેલેએ કહ્યું, ‘હું ફૂટબોલ રમવા માટે જન્મ્યો હતો, જેવી રીતે બીથોવનનો જન્મ સંગીત લખવા અને માઇકલ એન્જેલો પેઇન્ટ કરવા માટે થયો હતો.’
બ્રાઝિલના મિનાસ ગેરાઈસમાં 23 ઓક્ટોબર 1940ના રોજ જન્મેલા પેલેએ ગરીબીના દિવસો પણ જોયા હતા. પેલે ચાની દુકાનોમાં વેઈટર તરીકે પણ કામ કરતો હતો. પેલેનું નિકનેમ ડેકો હતું, પરંતુ સ્થાનિક ફૂટબોલ ક્લબ બિલેના ગોલકીપરને કારણે તેનું નામ પેલે રાખવામાં આવ્યું હતું. બાળપણમાં ડિકો એટલે કે પેલેને ઘણી મેચોમાં ગોલકીપરની ભૂમિકા ભજવવી પડી હતી. જ્યારે તે શાનદાર બચાવ કરતો ત્યારે ચાહકો કહેતા કે આ બીજો બિલે છે.
પેલે તેના પિતાની જેમ બનવા માંગતો હતો
પેલેના ફૂટબોલર પિતાએ તેને તે બધું શીખવ્યું હતું જે એક ખેલાડીમાં હોવું જોઈએ. પેલેએ 2015માં એક ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, ‘મારા પિતા એક સારા ફૂટબોલ ખેલાડી હતા, તેમણે ઘણા ગોલ કર્યા હતા. તેનું નામ ડોન્ડિન્હો હતું. હું તેના જેવો બનવા માંગતો હતો. તે બ્રાઝિલમાં મિનાસ ગેરાઈસમાં પ્રખ્યાત હતા. તે મારા આદર્શ હતા. હું હંમેશા તેમના જેવો બનવા માંગતો હતો, પરંતુ હું બની શક્યો કે નહીં તે તો આજે ભગવાન જ કહી શકે છે.
કિશોરાવસ્થામાં પેલે 15 વર્ષની ઉંમરે FC સાન્તોસ સાથે તાલીમ શરૂ કરવા માટે ઘર છોડ્યું. બાદમાં તેણે તેના 16મા જન્મદિવસ પહેલા ક્લબ માટે તેનો પ્રથમ ગોલ કર્યો હતો. જો જોવામાં આવે તો તેણે સાન્તોસ એફસી ક્લબ માટે ધમાકેદાર ગોલ કર્યા હતા. પરંતુ આ ફોરવર્ડ ખેલાડીને બ્રાઝિલની આઇકોનિક યલો જર્સીમાં તેની અદભૂત સિદ્ધિ માટે સૌથી વધુ યાદ કરવામાં આવે છે.
જ્યારે દુનિયાએ પેલેનું પરાક્રમ જોયું
વિશ્વને સૌપ્રથમ 1958 માં પેલેની ચમકતી ક્ષમતાની ઝલક મળી, જ્યારે તેણે 17 વર્ષની ઉંમરે વર્લ્ડ કપમાં પ્રવેશ કર્યો. તેણે વેલ્સ સામે બ્રાઝિલની ક્વાર્ટર ફાઇનલમાં જીતમાં બ્રાઝિલનો એકમાત્ર ગોલ કર્યો હતો. ત્યારબાદ ફ્રાન્સ સામે સેમીફાઈનલમાં હેટ્રિક અને યજમાન સ્વીડન સામે ફાઇનલમાં બે ગોલ કર્યા હતા. સ્વીડનના સિગ્વાર્ડ પાર્લિંગે કહ્યું, ‘સાચું કહું… જ્યારે પેલેએ ફાઇનલમાં પાંચમો ગોલ કર્યો ત્યારે મને તાળીઓ પાડવા જેવું લાગ્યું.’ પાછળથી, પેલે પણ બ્રાઝિલ સાથે 1962 અને 1970 વર્લ્ડ કપ જીતવામાં સફળ રહ્યો.
પેલેમાં અદ્ભુત પ્રતિભા હતી…
5 ફૂટ આઠ ઇંચના પેલેનું ડ્રિબલિંગ કૌશલ્ય અદ્ભુત હતું. તે 11 સેકન્ડમાં 100 મીટર દોડી શકતો હતો. તે કોઈને પણ પૈર સૂટ કરી શકતા હતા તેમજ કેટલાક પણ ઊંચા ડિફેન્ડર્સને હરાવી શકતા હતા. પેલેએ ફૂટબોલમાંથી સત્તાવાર રીતે નિવૃત્તિ લેતા પહેલા 1977માં કોસ્મોસને નોર્થ અમેરિકન સોકર લીગ ચેમ્પિયનશિપ જીતવામાં મદદ કરી હતી. પેલેએ તેની વ્યાવસાયિક કારકિર્દીમાં કુલ 1363 મેચ રમી અને 1281 ગોલ કર્યા હતા. આ દરમિયાન તેણે બ્રાઝિલ માટે 92 મેચમાં 77 ગોલ કર્યા હતા. 19 નવેમ્બર, 1969ના રોજ જ્યારે પેલેએ પોતાનો 1000મો ગોલ કર્યો ત્યારે હજારો લોકો પેલેને મળવા મેદાન પર પહોંચ્યા હતા.
શું પેલે અત્યાર સુધીનો મહાન ફૂટબોલર છે?
શું પેલે અત્યાર સુધીનો મહાન ફૂટબોલ ખેલાડી છે? શું પેલેની સિદ્ધિઓની તુલના ફૂટબોલ જગતમાં રેકોર્ડ બનાવનાર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો, ડિએગો મેરાડોના કે લિયોનેલ મેસ્સી સાથે કરવી શક્ય છે. 2000માં, ફિફાએ સંયુક્ત રીતે મેરાડોના અને પેલેને સદીના સર્વશ્રેષ્ઠ ખેલાડી તરીકે નામાંકિત કર્યા હતા, પરંતુ ઘણા લોકોની નજરમાં પેલે એકમાત્ર વિજેતા હતા.