World

દુબઈમાં રસ્તે ચાલનારાઓને દંડ ફટકારાયો, જાણો શું ભૂલ કરી હતી

નવી દિલ્હીઃ દુબઈ એક એવું શહેર છે જે તેના ગ્લેમર, વૈભવી જીવનશૈલી, ઊંચી ઇમારતો અને અપાર સંપત્તિ માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. પરંતુ આ બધા સિવાય આ શહેર તેના કડક કાયદા માટે પણ જાણીતું છે. કેટલીકવાર તેના કાયદા એટલા કડક હોય છે કે જ્યારે અન્ય દેશોના લોકો તેના વિશે સાંભળે છે ત્યારે આશ્ચર્યચકિત થઈ જાય છે.

દુબઈમાં ટ્રાફિક કાયદાની કડકાઈને લઈને આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આશ્ચર્યજનક રીતે જ્યારે લોકો સામાન્ય રીતે ખોટી ડ્રાઇવિંગ અથવા ટ્રાફિક નિયમોની અવગણના માટે ચલણ અને દંડનો સામનો કરે છે. દુબઈમાં પણ રાહદારીઓ પર ટ્રાફિક નિયમોનું કડક પાલન કરવાનું દબાણ છે. ગલ્ફ ન્યૂઝ અનુસાર દુબઈ પોલીસ સ્ટેશને ખતરનાક રીતે રોડ ક્રોસ કરવા અને ટ્રાફિક સિગ્નલની અવગણના કરવા બદલ 37 લોકોને દંડ ફટકાર્યો છે. તેના પર 400 દિરહામનો દંડ ફટકારવામાં આવ્યો છે.

આ વર્ષની શરૂઆતથી દુબઈના ટ્રાફિક કાયદા હેઠળ પરવાનગી વિના રોડ ક્રોસ કરવા અથવા ટ્રાફિક સિગ્નલ તોડવા પર 400 દિરહામનો દંડ વસૂલવામાં આવે છે. દુબઈનો કાયદો જે-વોકિંગ મામલે કડક છે. જે-વૉકિંગનો અર્થ છે પરવાનગી વિના અથવા નિર્ધારિત સ્થળ વિના રસ્તો ક્રોસ કરવો. જ્યારે કોઈ વ્યક્તિ ટ્રાફિક સિગ્નલ અથવા ઝેબ્રા ક્રોસિંગની અવગણના કરે છે અને રસ્તાની વચ્ચેથી અથવા એવી જગ્યાએથી રસ્તો ક્રોસ કરે છે જ્યાં ક્રોસિંગની મંજૂરી નથી તેને જે-વૉકિંગ કહેવામાં આવે છે.

2023માં 44,000 લોકોને દંડ ફટાકારાયો હતો
દુબઈ પોલીસે વારંવાર ચેતવણી આપી છે કે જે-વોક કરવાથી ઘાતક પરિણામ આવી શકે છે. ગયા વર્ષે જે-વૉકિંગને કારણે આઠ લોકોના મોત થયા હતા અને 339 લોકો ઘાયલ થયા હતા. ગલ્ફ ન્યૂઝ અનુસાર 2023માં 44,000થી વધુ લોકોને જે-વૉકિંગ માટે દંડ ફટકારવામાં આવ્યો છે.

દુબઈ પોલીસે સ્પષ્ટપણે જણાવ્યું છે કે રોડ ક્રોસ કરતી વખતે ટ્રાફિકના નિયમોનું પાલન કરવું જરૂરી છે. તેઓએ લોકોને અપીલ કરી છે કે તેઓ રસ્તા પર કોઈ વાહનો ન હોય ત્યારે જ ક્રોસિંગની સાચી પદ્ધતિ અપનાવે. દુબઈ ટ્રાફિક કોર્ટે અરબ ડ્રાઈવર પર ટ્રાફિકના નિયમોનું પાલન ન કરવા બદલ 2000 યુએઈ દિરહામનો દંડ ફટકાર્યો છે, જ્યારે એશિયન રાહદારીઓને પરવાનગી વિના રસ્તો ક્રોસ કરવા બદલ 400 UAE દિરહામનો દંડ ફટકારવામાં આવ્યો છે.

Most Popular

To Top