ચૌટાબજારના ફેરિયાઓના ત્રાસ થકી સામાન્ય રાહદારી ચૌટાબજારમાં સફળતાપૂર્વક ચાલી પણ નથી શકતા! વારંવાર તંત્રને ફરિયાદ કરવા છતાં પણ થોડા સમય પછી ‘‘જેસે થે’’ ની પરિસ્થિતિ ઉદભવે છે. ડ્રેસ, કવર, કાંસકા, ચંપલ, ઈમીટેશન જ્વેલરી, શેરડીના રસના વિક્રેતા, રૂમાલ, બંગડી વગેરે અનેક ચીજવસ્તુ વેચતા ફેરિયાઓ અનહદ દબાણકર્તા બને છે! પોણાં રસ્તાં એ બિનકાયદેસર ફેરિયાઓ રોકી લે છે.
ક્યારેક મ.ન.પા. સપાટો બોલાવે છે પણ બે ત્રણ દિવસમાં પરિસ્થિતિ પહેલાની જેમ યથાવત થઈ જાય છે! અને આ પરિસ્થિતિ દરમિયાન પોકેટમાર અને મોબાઈલ ચોર ફાવી જાય છે! ચાલતી વખતે એકમેક સાથે અથડાવાનો વાત નવી નથી. એમાં ટુ વ્હીલર ધારક આવીને વધુ મુશ્કેલી ઊભી કરે છે! ચૌટાબજારમાં કોઈ પણ પ્રકારના વાહનને સાંજે 4 થી 8 દરમિયાન પ્રવેશવાની મનાઈ હોવી જ જોઈએ. જેથી ભીડની સમસ્યા કંઈક અંશે ઘટે, પણ અહીંયા કોઈ કોઈને રોકવા વાળુ જ નથી!
રાહદારીઓનું જે થવાનું હોય તે થાય! ક્યારેક મહિલા પોલીસ દૃષ્ટિગોચર થાય પણ એ બહેનો મોબાઈલમાં વ્યસ્ત! મોટે ભાગે ચૌટાબજારમાં સાંજના સમયે મહિલાઓ જ વધુ ખરીદીમાં વ્યસ્ત હોય છે એમની સુરક્ષાનું શું ? ફેરિયાઓને કારણે પારાવાર કચરો અસ્તવ્યસ્થ પ્રકારે ફેલાયેલો હોય છે, પણ એ ઘટનામાં પ્રજા પણ એટલી જ અણસમજુ પ્રજા કચરો ગમે ત્યાં નાંખવા ટેવાયેલી જ છે, એ નવી વાત નથી! જવાબદાર તંત્રએ સાદા પરિવેશમાં સાંજના સમયે ચૌટાબજારની ‘નગરચર્યા’ કરવા જેવી ખરી! ફેરિયાઓની રોજી રોટી છીનવાની વાત નથી પણ રાહદારીઓને ચાલવામાં અનહદ તકલીફનો અનુભવ થાય છે એ આંખે દેખ્યો અહેવાલ છે. સ્વાનુભવ છે.
સુરત -નેહા શાહ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
